• Home
  • News
  • ઉડાન યોજનામાં સરકાર 50 ટકા ભાડું આપતી હોવા છતાં શહેરોને જોડતી તમામ ફ્લાઈટ બંધ
post

એરલાઈન્સની મનમાની, અડધો પગાર ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં પણ રોષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:46:06

ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) યોજના હેઠળ અમદાવાદ સહિત અનેક શહેરો વચ્ચે શરૂ કરાયેલી ફ્લાઈટો એરલાઈન્સની મનમાનીના કારણે હાલ બંધ છે. આ તમામ ફ્લાઈટમાં કેન્દ્ર સરકાર 50 ટકા ભાડું ચૂકવતી હોવાથી એરલાઈન્સને નુકસાન નથી છતાં તેઓ ફ્લાઈટ ઓપરેટ કરતા નથી અને કર્મચારીઓને અડધો પગાર આપી ઘરે બેસાડી રાખે છે. આ સ્થિતિમાં કેટલાક કર્મચારીઓ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક બાજુ સરકાર સતત નવા રૂટ જાહેર કરે છે જ્યારે અગાઉના રૂટ પર થોડા સમય સુધી ફ્લાઈટ ઓપરેટ થયા બાદ હવે એરલાઈન્સો દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

રિઝનલ કનેક્ટિવીટી સ્કીમ હેઠળ ઉડ્ડયન મંત્રાલય દ્વારા અલગ અલગ તબક્કામાં નવા નવા રૂટ પર ફ્લાઈટના સંચાલન માટે એરલાઈન્સને મંજૂરી આપી છે. ઉડાન યોજના હેઠળ 1 કલાક કે તેથી ઓછા સમયમાં સંચાલિત થતી ફ્લાઈટનું ભાડું 1500 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે જેથી મધ્યમ અને ઉચ્ચ વર્ગની સાથે જરૂરિયાત મુજબ ગરીબની સાથે તમામ લોકો મુસાફરી કરી શકે. અમદાવાદથી રાજ્યના અન્ય શહેરોની સાથે પાડોશી રાજ્યોના નજીકના શહેરો વચ્ચે ફ્લાઈટના સંચાલન માટે એર ઇન્ડિયા, સ્પાઈસ જેટ, સ્ટાર એરલાઈન્સ, ડેક્કન એરલાઈન્સ તેમજ ટ્રુજેટ એરલાઈન્સને મંજૂરી આપવામાં આવી છે. આમાં સૌથી વધુ ફ્લાઈટનું સંચાલન ટ્રુજેટને સોંપવામાં આવ્યું છે. હાલમાં ફક્ત એર ઇન્ડિયા જ ફ્લાઈટ ઓપરેટ કરે છે જ્યારે અન્ય એરલાઈન્સે ફ્લાઇટનું સંચાલન બંધ કર્યું છે.

ભુજ, દીવ, દમણની ફ્લાઇટો શરૂ ન થઈ ટ્રુજેટ એરલાઈન્સ અમદાવાદથી સંચાલિત થતી ફ્લાઈટ ઓપરેટ કરે છે. આ ઉપરાંત એરલાઈનને અમદાવાદ - દીવ, દીવ - દમણ, અમદાવાદ - ભુજ અને અમદાવાદ - કેશોદ રૂટ પર પણ ફ્લાઈટ સંચાલિત કરવાની મંજૂરી મળી છે છતાં હજુ સુધી આ એરલાઈન્સ આ રૂટ પર ફ્લાઈટ શરૂ કરી નથી. એમ મનાય છે કે આ રૂટ નફાકારક ન હોવાથી તેણે વિશેષ રસ દાખવ્યો નથી.

અમદાવાદથી શરૂ કરાયેલી ફ્લાઈટો

·         એર ઇન્ડિયા: નાસિક, કંડલા

·         સ્પાઈસ જેટ: ઉદયપુર

·         ડેક્કન એરલાઈન્સ: ભાવનગર, દીવ, મુંદ્રા

·         સ્ટાર એરલાઈન્સ: બેલગામ

·         ટ્રુજેટ એરલાઈન્સ: પોરબંદર, કંડલા, જેસલમેર, નાસિક, જલગાંવ

 

adv

Related News

post
post
post
post
post
post
post