• Home
  • News
  • 2002ના ગુજરાત રમખાણો અંગે અમિત શાહનો ઇન્ટરવ્યુ:શાહે કહ્યું- ભગવાન શંકરની જેમ 19 વર્ષ વિષ પીતા રહ્યા PM મોદી, એકપણ શબ્દ ન બોલ્યા
post

શાહે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું કે આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 13:34:29

ગૃહમંત્રી અમિત શાહે આજે 2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલ એક ઈન્ટરવ્યુમાં તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં, કોર્ટની કાર્યવાહી દરમિયાન મીડિયા, એનજીઓ અને રાજકીય પક્ષોની ભૂમિકા વિશે વાત જણાવી હતી.

શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સિદ્ધ કરી દીધું છે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવાયેલા તમામ આરોપ રાજકીય રીતે પ્રેરિત હતા. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નરેન્દ્ર મોદીજીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. અમે કાયદાકીય પ્રક્રિયામાં સતત સહયોગ કર્યો. જે લોકોએ પણ મોદીજી ઉપર આરોપ લગાવ્યા હતા, તેઓએ ભાજપ અને મોદીજીની માપી માગવી જોઈએ. 40 મિનીટના ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખ્યો છે.

શાહે કહ્યું- વડાપ્રધાન ભગવાન શંકરની જેમ ઝેરનો ઘુંટડો ગળામાં રાખીને લડતા રહ્યા
અમિત શાહે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના તમામ દુ:ખોને ભગવાન શંકરની જેમ ઝેરનો ઘુંટડો ગળામાં રાખીને લડતા રહ્યા. આજે જ્યારે આખરે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે, ત્યારે આનંદ થશે જ. તેમણે કહ્યું હતુ કે મેં ખૂબ નજીકથી પીએમ મોદીને આ દર્દ સહન કરતા જોયા છે. તમામ સત્ય જાણતા હોવા છતાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ હતી, માટે અમે આ કંઈ કહીશું નહીં તે સ્ટેન્ડ પર કોઈ મજબુત મનનો માણસ રહી શકે.

વાંચો અમિત શાહનો આખો ઈન્ટરવ્યુ....

સવાલઃ કોર્ટે મોદીજી અને તમામ આરોપીઓને ક્લીનચીટ આપી છે, તો તમને કેવું લાગે છે? ત્યારે તમે ધારાસભ્ય હતા?

જવાબઃ સૌથી પહેલા હું ક્લીન ચિટની વાત કરીશ. સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. અને શા માટે આરોપો લગાવવામાં આવ્યા હતા તે બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ પણ સાબિત કર્યું છે કે આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.

સવાલ: રાજકીય દૃષ્ટિકોણને કારણે ગુજરાતના રમખાણો વખતે પોલીસ કશું કરી શકી ન હતી?

જવાબ: ભાજપનો વિરોધ કરતા રાજકીય પક્ષો, વિચારધારા માટે રાજકારણમાં પ્રવેશેલા કેટલાક પત્રકારો અને કેટલાક NGOsએ સાથે મળીને આ આરોપોનો એટલો બધો પ્રચાર કર્યો અને તેમની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે ધીમે ધીમે બધા અસત્યને જ સત્ય માનવા લાગ્યા હતા.

સવાલ: આપે કેટલાક NGOsનો ઉલ્લેખ કર્યો, તે કયા NGOs હતા અને તેઓએ શું કર્યું?

જવાબઃ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતી હતી. અનેક NGOએ ઘણાં પીડિતોના સોગંદનામા પર સહી કરાવી અને તેમને ખબર પણ નથી. બધા જાણે છે કે તિસ્તા સેતલવાડના આ NGO જ બધું કરી રહ્યું હતું અને તે સમયની UPA સરકારે આ NGO ને ઘણી મદદ કરી હતી. બઘા જાણે છે કે આ માત્ર મોદીજીની છબી ખરાબ કરવા માટે જ કરવામાં આવ્યું હતું.

સવાલ: સરકાર સાચી હતી તો SITની શું જરૂર હતી?

જવાબઃ SITનો આદેશ કોર્ટનો ન હતો. એક NGOSITની માંગણી કરી હતી. અમારી સરકારે કહ્યું કે અમને SIT સામે કોઈ સમસ્યા નથી. આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે નક્કી થઈ ગયું છે કે એક પોલીસ અધિકારી, એક NGO અને એક રાજકીય પક્ષે સનસનાટી ખાતર જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ખોટા પુરાવાઓ ઘડ્યા હતા. SITની સામે ખોટા જવાબો આપ્યા હતા. કોર્ટના નિર્ણયથી સાબિત થયું કે રમખાણો રોકવા માટે સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.

સવાલ: તે સમયે દિલ્હી અને ગુજરાતમાં તમારી સરકાર હતી, તો પછી એ લોકોનું નેટવર્ક આટલું મજબૂત કેવી રીતે થયું હતું?

જવાબ: અમારી સરકારે ક્યારેય મીડિયાના કામમાં દખલગીરી કરવાનું વલણ રાખ્યું નથી. પરંતુ તે સમયે જે ઇકોસિસ્ટમ બનાવવામાં આવી હતી, તેમણે અસત્યનો એટલો હોહાપો કરીને જનતા સમક્ષ રજૂ કર્યું કે બધા અસત્યને સત્ય માનવા લાગ્યા હતા.

સવાલ: પરંતુ માત્ર રમખાણોના આરોપો જ ન હતા? રમખાણો થયા પણ હતા...

જવાબ: આરોપ એવા હતા કે રમખાણો કરાવવામાં આવ્યા હતા, રાજ્ય સરકાર રમખાણોમાં સામેલ હતી. રમખાણોમાં CMનો હાથ હોવાના પણ આરોપો લગાવાયા હતા. રમખાણોની કોણ ના પાડી રહ્યું છે? દેશમાં ઘણી જગ્યાએ તોફાનો થયા. જ્યાં સુધી રમખાણોની વાત છે તો કોંગ્રેસના શાસનનાં કોઈપણ 5 વર્ષ અને ભાજપના શાસનનાં કોઈપણ 5 વર્ષની સરખામણી કરી જુઓ. કેટલા કલાક કર્ફ્યુ રહેતો હતો, કેટલા લોકો માર્યા ગયા હતા, કેટલા દિવસ બંધ રહ્યું હતુ અને રમખાણો કેટલો સમય ચાલ્યા, આ બાબતોની સરખામણી કરતા ખબર પડી જશે કે કોના શાસનમાં રમખાણો વધુ થયા છે.

રમખાણોનું મૂળ કારણ ગુજરાતની ટ્રેનને સળગાવવાનું હતું. 60 લોકો અને 16 દિવસની બાળકીને તેના માતાના ખોળામાં બેઠેલી જીવતી સળગતા મેં જોઈ છે અને મેં મારા પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યા છે. તેના કારણે રમખાણો થયા અને ત્યારપછી જે રમખાણો થયા તેઓ રાજકીય રીતે પ્રેરિત હતા. સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશન પણ રાજકીય રીતે પ્રેરિત હતું, જેને કોર્ટે ફગાવી દીધું હતું.

સવાલ: 3 દિવસ સુધી સેનાને બોલાવવામાં આવી ન હતી, જો તમે તે સમયે ગૃહમંત્રી હોત તો શું તમે વહેલી તકે સેનાને બોલાવી ન હોત?

જવાબઃ જે દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, તે જ દિવસે બપોરે અમે સેના બોલાવી લીધી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો તેમાં એક દિવસનો પણ વિલંબ થયો નથી. આ મુદ્દો પણ કોર્ટે સ્વીકાર્યો છે અને તેનું મૂલ્યાંકન કર્યું છે. પરંતુ સેનાનું મુખ્યમથક દિલ્હીમાં છે. જ્યારે આટલા શીખ ભાઈઓ માર્યા ગયા, ત્યારે 3 દિવસ સુધી કંઈ થયું નહીં. કેટલી SIT બનાવવામાં આવી? અમારી સરકાર આવ્યા પછી SITની રચના થઈ. વિપક્ષી સરકારો દરમિયાન આટલા વર્ષો સુધી શીખ નરસંહારમાં કોઈની પણ ધરપકડ કરાઈ ન હતી. તે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે?

સવાલ: આપ અને મોદીજી કહો છો કે ગુજરાત પર એક રમખાણનાં રાજ્ય તરીકેનો ટેગ લગાવવાનો ખોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો?

જવાબઃ માત્ર હું અને મોદીજી જ આ નથી કહેતા, હવે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે ગુજરાત પર એક રમખાણનાં રાજ્ય તરીકેનું ટેગ લગાવવાનો ખોટો પ્રયાસ કરાયો હતો. તમે લોકશાહીમાં બંધારણ અને સુપ્રીમ કોર્ટમાં પણ માનશો નહીં, રાજકીય નિવેદનો સાચા છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તે દેશની જનતાએ નક્કી કરવાનું રહેશે. હવે આરોપ લગાવનારાઓને પત્રકારોએ પૂછવું જોઈએ કે આ આરોપો કયા આધારે લગાવવામાં આવ્યા હતા. જો આધાર હતો તો તેઓ સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે પીએમ મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણો મામલે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતી SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવી હતી.

આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post