• Home
  • News
  • અમિત શાહ આજે રાત્રે ફરી અમદાવાદ આવશે, તેમની બે દિવસ પહેલાંની 12 કલાકની મુલાકાત વખતે રૂપાણીના રાજીનામાનો ખેલ પડ્યો હતો!
post

અમદાવાદમાં 12 કલાકની મુલાકાતમાં ભાજપના કેટલાક નેતાઓને અમિત શાહ મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-11 17:54:25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનને ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ 12 કલાકની મુલાકાત દરમિયાન અમિત શાહે ભાજપના કેટલાક નેતાઓ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અમિત શાહ આજે રાત્રે ફરીથી અમદાવાદ આવશે
અમિત શાહ આજે રાત્રે ફરીવાર ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં આવીને ગુજરાતની રાજનીતિ પર નજર રાખશે. આવતીકાલે ધારાસભ્યોની બેઠળ મળી શકે છે. તેમની ઉપસ્થિતિમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર આગેવાન નિશ્ચિત હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. એ ઉપરાંત રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની પણ વિચારણા થઈ રહી છે.

અમિત શાહ રાત્રે આવ્યા અને સવારે રવાના થયા હતા
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપી દીધું હતું. ત્યારે રાજીનામા પાછળ અનેક અટકળો અને અફવાઓ ચાલી રહી છે, જેમાં બે દિવસ અગાઉ ભાજપના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની ટૂંકી મુલાકાત દરમિયાન રૂપાણીના રાજીનામાના અંતિમ નિર્ણયનો ખેલ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમિત શાહ 9 સપ્ટેમ્બર ગુરુવારના દિવસે અચાનક અમદાવાદ આવ્યા હતા. રાત્રે આઠ વાગે અમદાવાદ આવીને સવારે આઠ વાગે દિલ્હી રવાના થયા હતા. આ દરમિયાન ગુજરાત ભાજપના વિશ્વાસુ આગેવાનો સાથે વાતચીત કરી રૂપાણીના રાજીનામા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી તેમજ અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કોરોનાનો પ્રથમ ડોઝ સમગ્ર જિલ્લાના લોકોને લાગી જાય એવું આયોજન કરવા માટે પણ વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા.

તળાવોના બ્યુટિફિકેશન માટે પણ અનેક સૂચનો કર્યાં હતાં
અમદાવાદ શહેરનાં તળાવોના બ્યુટિફિકેશન માટે પણ અનેક સૂચનો કર્યાં હતાં તેમજ તળાવમાં ઠલવાતા ગટરના પાણીને બંધ કરીને તેની સ્થાને નર્મદાના નીરથી એને ભરવા માટે સૂચન કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post