• Home
  • News
  • વધુ એક પાટીદાર ચહેરો આપમાં:રાજદ્રોહના કેસમાં 14 મહિના જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે, કાલે કેજરીવાલની હાજરીમાં ગારીયાધારમાં આપની ટોપી પહેરશે
post

અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબરે ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 18:56:17

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા સહિતની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર પૈકીના એક માનવામાં આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી. પરંતુ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવયા સહિતના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબરે ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે.

વરાછાનો જાણીતો ચહેરો છે અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો સૌથી સ્વીકૃતિ ચહેરા પૈકીનો એક છે. અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઈ છે.

સુરતની આ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ
પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે વિશેષ કરીને વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. જેને કારણે દરેક રાજકીય પક્ષની સ્વાભાવિક રીતે ઈચ્છા હોય કે તેઓ પાસ સમિતિને પોતાના તરફ લઈ આવી જેથી કરીને તેમને રાજકીય ફાયદો થાય. આખરે પાસ સમિતિ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહી હોવાનું લગભગ નક્કી થઈ ગયું છે.

કેજરીવાલે કહ્યું કંઈક સારા સમાચાર આવશે
આજે અરવિંદ કેજરીવાલને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું હતું કે શું આમ આદમી પાર્ટીમાં પાસ ટીમ જોડાવા જઈ રહી છે કે કેમ તે બાબતે પણ તેમણે સંકેત આપ્યો હતો કે કંઈક સારા સમાચાર આવશે. માનવામાં આવી રહ્યું છે કે અલ્પેશ કથીરિયાની ટીમની બેઠક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ સાથે થઈ ગઈ છે અને તેમણે આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કરવાની તૈયારી કરી લીધી છે.

5 સાથી ભાજપમાં, એક NCPમાં અને હવે અલ્પેશ કથીરિયા AAPમાં
પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીમાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા, અમરીશ પટેલ, નિલેષ એરવાડીયા, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ અને રેશમા પટેલનો સમાવેશ થતો હતો. જેમાંથી સૌથી પહેલાં વરૂણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડાયાં હતા. જો કે રેશ્મા પટેલ બાદમાં NCPમાં જોડાઈ ગયાં હતા. જ્યારે ચિરાગ પટેલ, કેતન પટેલ અને અમરીશ પટેલ ભાજપમાં જોડાયા હતા. થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આમ રાજદ્રોહ થયો હોય તેવા સાથીઓમાં નિલેષ એરવાડિયા અને દિનેશ બાંભણિયા જ કોઈ પક્ષમાં જોડાયા નથી.

અલ્પેશના ફિયાન્સી ભાજપના નેતા
એક વર્ષ પહેલા અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

2015માં અલ્પેશ વિરુદ્ધ અમરોલીમાં નોંધાયો હતો રાજદ્રોહનો ગુનો
2015
ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન તેની ચરમસીમા પર હતું. એ વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જ્યારે અલ્પેશની ધરપકડ કોઈ ને કોઈ કારણોસર બાકી રહી ગઈ હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. રાજદ્રોહના ગુનામાં અલ્પેશ વોન્ટેડ હોવા છતાં કેટલાક જાહેર કાર્યક્રમમાં તે જોવા મળ્યો હતો. આમ છતાં પોલીસ તેને પકડતી ન હતી.

કોણ છે અલ્પેશ કથીરિયા?
અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેતો અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. અમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો. ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post