• Home
  • News
  • નરસિંહ મહેતાના રોલના કારણે અરવિંદભાઈને રાવણનો રોલ મળ્યો!, સિરિયલમાં જ્યારે રાવણવધ થયો એ દિવસે આખો દેશ રડ્યો હતો
post

રાવણના પાત્ર માટે રામાનંદ સાગરે 400 ઓડિશન લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:10:44

રામાનંદ સાગર નિર્મિત 'રામાયણ' ઇતિહાસ સર્જક સિરિયલ બની રહી. એનું કારણ રામાનંદ સાગરનું વિઝન, એમનો સંપૂર્ણ સમર્પણભાવ હતો. એક-એક પાત્ર એવું પસંદ કર્યું કે, એ પાત્ર પછીની રામાયણ આધારિત ઘણી સીરિયલમાં અનેક અભિનેતાઓ ભજવી ગયા પણ રામાનંદ સાગરની 'રામાયણ' ના પાત્રો સાડાત્રણ દાયકા પછી પણ લોકોના દિલો-દિમાગમાં છવાયેલા છે.

રાવણના પાત્ર માટે 400 લોકોના ઓડિશન લીધા હતા
રામાનંદ સાગરે રામાયણ સિરિયલ માટે લગભગ બધા પાત્રોની પસંદગી કરી લીધી હતી. રાવણના પાત્ર માટે પ્રભાવશાળી અભિનેતા મળતા નહોતા. હવે કરવું શું ? એવો સવાલ આવીને ઉભો રહ્યો. રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે 400 જેટલા ઓડિશન લીધા પણ એમના મનમાં જે પાત્ર હતું, તેવો 'લંકેશ' મળ્યો નહીં. આટલા બધા ઓડિશન પછી મેળ ના પડ્યો એટલે મોતી સાગરે કહ્યું, બહુ વિચારશું તો સિરિયલ શરુ કરવામાં મોડું થતું જશે. કોઈ એકને લઇ લો. પણ રામાનંદ સાગર માન્યા નહીં.

રાક્ષસ રાવણ નહીં, 'ભક્ત રાવણ'ની હતી જરૂર
રામાનંદ સાગરે મોતી સાગરને કહ્યું, સિરિયલ માટે મારે ઉતાવળ નથી કરવી. મારે રાક્ષસ જેવા દેખાતા કે તેના જેવો અભિનય કરનારા રાવણની જરૂર નથી. મારે જરૂર છે, શિવ ભક્ત રાવણની. મારે રાવણને ભક્ત દર્શાવવો છે. રામાનંદ સાગરે આ માટે ઘણી ફિલ્મો અને આર્ટ ફિલ્મો જોઈ. એમાં તેમને ગુજરાતી 'કુંવરબાઈનું મામેરું' ફિલ્મ પણ જોઈ. આ ફિલ્મ જોઈને તેમણે અરવિંદ ત્રિવેદીનો સંપર્ક કર્યો. અરવિંદભાઈનું ઓડિશન લેવાયું. ઓડિશન ચાલુ હતું ત્યાં જ રામાનંદ સાગર ઉભા થઈને બોલ્યા, મુજે મિલ ગયા મેરા રાવણ...

સિરિયલમાં રાવણ મરાયો તો દેશ રડ્યો હતો
રામાયણ સિરિયલમાં દારાસિંહ હનુમાન હતા, અરુણ ગોવિલ રામ અને દીપિકા ચીખલીયા સીતાનું કિરદાર નિભાવતા હતા. આ અને આ સિવાયના તમામ કીરદારોમાં લોકોએ સૌથી વધારે રાવણના કિરદારને પસંદ કર્યું હતું. કારણ કે અરવિંદભાઈએ આ પાત્ર ભજવીને રાવણને ગરિમા અપાવી હતી. રાવણના પાત્રની લોકપ્રિયતા જબરદસ્ત બની હતી. ત્યાં સુધી કે જયારે રામાયણ સિરિયલ સમાપન તરફ હતી અને રાવણ વધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોમાં રીતસરનો સોપો પડી ગયો હતો. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો. આ પણ ટીવી જગતમાં ઇતિહાસ છે.

adv

Related News

post
post
post
post
post
post
post