• Home
  • News
  • બર્થ ડે હોવાથી બીજાની સ્કોર્પિયો લઈ નબીરો ફરવા નીકળ્યો, 2 જ સેકન્ડમાં 3 બાઇક, સાઇકલ, રેંકડીને ઝપેટમાં લઈ ઢસડ્યા
post

અકસ્માતની ઘટનામાં શાકભાજીના ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 17:08:37

વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં તથ્યકાંડવાળી થતાં સહેજમાં અટકી હતી. જન્મદિવસ નિમિત્તે બીજાની કાર લઈને નીકળેલા નબીરાએ એક ફેરિયા સહિત 3 બાઈકને અડફેટે લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સ્કોર્પિયો અથડાતા દીવાલમાં બાકોરું પડી ગયું
પ્રાપ્ત વિગત મુજબ 18 વર્ષીય કેવલ રમેશભાઈ રાણોલિયા ઉમંગ નામના મિત્ર સાથે રાજુભાઇ હુંબલની સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો. ત્યારે કેવલ નામના શખસે પૂરપાટ ઝડપે સ્કોર્પિયો કાર દોડાવતા સોમનાથ સોસાયટીમાં અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ બાઈક, એક સાઇકલ અને એક રેંકડી સહિત પાંચ વાહનને અડફેટે લીધાં હતાં. બાદમાં સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દીવાલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં શાકભાજીના ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અન્ય એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકોનાં ટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયાં હતાં. સ્થાનિકોએ જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મેં આ બનાવ નજરે નિહાળ્યો હતો
અકસ્માત દરમિયાન સહેજમાં બચી જનાર મહિલા બીનાબેન ભટ્ટીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં આ બનાવ નજરે નિહાળ્યો હતો. જેમાં હું શાકભાજી લેવા માટે ઊભી હતી, ત્યારે ફુલ સ્પીડમાં કાર આવી અને અમે કંઈ પણ સમજી શકીએ તે પહેલાં શાકભાજીની લારી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હું અને શાકભાજી વેચનાર ફંગોળાઈને દીવાલ સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં મને કંઈ થયું નથી, પરંતુ શાકભાજી વેચનારને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જેને લઈને મેં 108ને ફોન કરી તેને સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, હું બીજી સાઈડમાં ઊભી હોત તો હું પણ અત્યારે હોસ્પિટલમાં હોત. તેમજ અન્ય કોઈ લોકો કે વાહન ત્યાં હોત તો તેનો પણ બુકડો બોલવાની શક્યતા હતી.

શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોંધીશું
એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે બપોરે 12.30 વાગ્યા આસપાસની ઘટના છે. 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારીચાલકને સામાન્ય ઇજા થઈ છે, 4 જેટલાં બાઈકને નુકસાન થયું છેગાડી રાજુભાઈ હુંબલની છે, તેમણે ઉમંગભાઈને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા. આ દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું છે, કાર ચલાવનારની 18 વર્ષની ઉંમર છે, આ અંગેની એફએસએલ દ્વારા તપાસ કરાશે કે સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો, શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોંધીશું, લાઇસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું, મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું.

adv

Related News

post
post
post
post
post
post
post