• Home
  • News
  • જંગલો ઘટ્યા તો શહેર-ગામો તરફ વળ્યા દીપડા, જગ્યા બદલાતા ચાલાક શિકારી મારણની પેટર્ન બદલીને હવે દિવસે કરે છે હુમલા
post

2017માં ગુજરાતમાં 1300 દીપડા હતા જે સંખ્યા 2021માં 1700ને પાર, હવે જંગલો ઓછા પડી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 09:51:54

ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતો જાય છે અને બીજીતરફ જંગલો ઘટતા જાય છે. આ કારણે હવે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીપડાના દેખાવા ઉપરાંત હુમલાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. વનવિભાગના આંકડાઓ અનુસાર ગુજરાતમાં 2017ની સાલમાં 1300 દીપડા હતા જે આંક 2021 આવતા સુધીમાં તો 1700ને પાર કરી ગયો છે. અત્યંત ચાલાક શિકારી ગણાતા દીપડાએ મારણની પેર્ટન પણ બદલી છે. દીપડા હવે રાતને બદલે બપોરે શિકાર કરી રહ્યા છે અને ગુજરાતમાં અઠવાડિયામાં માનવી દીપડાના હુમલાની સરેરાશ એક ઘટના નોંધાય છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી આવા બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દીપડા એક વખત માનવીનું લોહી ચાખી જાય એટલે આદમખોર બની જાય છે.

ચાલાક શિકારી દીપડાએ હુમલાની પેટર્ન બદલી
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે, શિકારનો વિસ્તાર બદલાતાં હવે તેણે શિકારની પેટર્ન પણ બદલી છે. ગીર સહિતના આસપાસનાં એરિયામાં દીપડાની વસતી વધી રહી છે. દીપડા સીમમાં શેરડી અને તુવેરના ખેતરોમાં છૂપાઈને પડ્યા રહે છે. સામાન્ય રીતે દીપડા મોડી રાતે અથવા તો વહેલી સવારે હુમલા કરતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી બપોર બાદ 3થી 6ની વચ્ચે માનવ વસાહતમાં અને માલધારીઓ પર હુમલા કરી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.

ગીર અભ્યારણ્યના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લે આપણે 2016માં માત્ર ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગણતરી કરી હતી ત્યારે 600 દીપડા હતા. હવે 2021મા ગણતરી થશે આ વખતે વધારો આવશે પણ આંકડો અત્યારે કહી ના શકાય. અત્યારે પાંજરામાં 100 કરતા વધુ દીપડા પુર્યા છે. જે અલગ અલગ પાર્કમાં રાખેલા છે.

માનવભક્ષી દીપડાને પણ જેલની સજા કરાય છે
બહુ ઓછા લોકોને ખબર હશે કે જે રીતે માનવીને જેલની સજા થાય તે રીતે દીપડા અને સિંહ જેવા પ્રાણીઓ પણ માનવ પર હુમલો કરે કે મારી નાખે તો તેને પણ જેલની સજા ભોગવવી પડે છે. મજાની વાત એ છે માનવીનું લોહી ચાખી ગયા હોય તેવા 50થી વધુ દીપડા તો અત્યારે આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. માત્ર વિસાવદર રેન્જમાંથી જ 60 દિવસમાં 32 દીપડા ઝડપાયા છે, જેને લઇ સાસણ જેલ હાઉસફૂલ થઇ ગઇ છે. આગામી દિવસોમાં વધુ આદમખોર દીપડા પકડાશે તો તેમને અન્યત્ર કેદ કરવા પડશે તેવી સ્થિતિ થઈ છે.

માનવભક્ષી દીપડાનો ભોગ બનેલા લોકોના કિસ્સા

કિસ્સો-1: મહુવામાં કપાસ વીણતી મહિલાનું દીપડાના હુમલાથી મોત થયું હતું
બે મહિના પહેલા ગોપનાથ-રાજપરાના વતની અને મહુવા તાલુકાના કસાણ ગામે કપાસ વીણવાની મજુરી એ આવેલા આરતીબેન શામજીભાઇ મકવાણા (ઉ.વ.20) વાડીમા મોડી સાંજે 7-00 વાગ્યે કપાસ વીણવાનુ કામ કરી રહયા હતા. તે વખતે અચાનક આવી ચડેલા દીપડાએ તેમની .પર હુમલો કરતા અને ગંભીર ઇજા પહોંચતા મહુવાની હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. આ વિસ્તારમાં અવાર-નવાર દીપડા હુમલા કર્યા કરે છે.

કિસ્સો-2: ગીર-પૂર્વમાં વાડીમાંથી બાળકને દીપડો ઢસડી ગયો
ત્રણ મહિના પહેલા ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં આવેલા ભગીરથભાઈની વાડીમાં પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ દીપડાએ તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને ગળેથી પકડ્યો હતો, જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દીપડો તેને ઢસડીને દૂર લઈ ગયો હતો. બાળકના પરિવારને બાળકનો પત્તો ના તેને શોધી રહ્યા હતા. ત્યારે નદીકિનારે બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી લીધા હતા. પરંતુ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.

કિસ્સો-3: દલખાણિયા રેન્જમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા
20
દિવસ પહેલા ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં આવતા અમૃતપુર ગામની નજીક એક વાડી વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ગામના જ રહેવાસી એવી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ મળતાં ગ્રામજનો વાડી વિસ્તારમાં એકઠા થયા હતા. ગ્રામજનોએ બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ આ વિસ્તારમાં અવાર-નવાર દીપડાના હુમલા થવા છતાં વનવિભાગ નિષ્ક્રિય હોવાની ફરિયાદો કરી હતી.

એક વખત માનવનું લોહી ચાખે એટલે દીપડા આદમખોર બને છે
જો સિંહ કે દીપડો કોઈ માણસને મોતને ઘાટ ઉતારે તો તેને મોટેભાગે આજીવન કેદની સજા આપવામાં આવે છે. કારણ કે, એવું માનવામાં આવે છે કે, એક વખત માણસનું લોહી ચાખી ગયેલા દીપડાઓ આદમખોર બની જાય છે. આથી તે ફરી વખત કોઈ માણસ પર હુમલો ન કરે તે માટે તેને કાયમ માટે પાંજરે પૂરી દેવામાં આવે છે. આવા દીપડાને સાસણ ગીર અને જૂનાગઢના સક્કરબાગ ઝૂ સહિત વિવિધ પ્રાણી સંગ્રાહાલયમાં મોકલી દેવામાં આવે છે.

તરછોડાયેલા દીપડાના બચ્ચાને પણ આજીવન પાંજરે પૂરાય છે
જંગલ ખાતાના અનુભવી લોકો કહે છે કે, દીપડાના બચ્ચાની માતા કોઈ રીતે મૃત્યુ પામી હોય અથવા તો બચ્ચાને છોડીને જતી રહી હોય તો તેવા બચ્ચાને પણ આજીવન પાંજરે પૂરી દેવામાં આવે છે. કારણ કે આવા બચ્ચાને શિકાર કરતા આવડતું હોતું નથી. આથી ઈન્ફાઈટમાં તેના મૃત્યુ થવાનો ડર રહે છે. આવા વન્ય પ્રાણીઓની સંખ્યાને ધ્યાને લઇ તેને રક્ષણ માટે પણ કેદમાં રાખવામાં આવે છે

દીપડો આદમખોર હોય છે, માનવ પર કઈ રીતે હુમલો કરે તે પ્રમાણે સજા
વન્ય ખાતાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, માત્ર સાસણની જ વાત કરીએ તો અહીં એક ડઝનથી વધુ દીપડાને કેદ કરવામાં આવ્યાં છે. કોઇ દીપડો માનવ વસાહતમાં જઇને હુમલો કરે તો તેને પાંજરે પૂરવામા આવે છે. તેમાં તેની વર્તણુક જોવામાં આવે છે. ઘણી વખત એકાદ બે વર્ષમાં તેને છોડી મુકવામાં આવે છે. જો દીપડો કોઇ માનવને ફાડી ખાઇ હત્યા કરી હોય તો તેને પરત છોડવામાં આવતો નથી. તેને આજીવન પાંજરે પૂરવામાં આવે છે.

હુમલો કર્યા બાદ ક્યો દીપડો હતો તે ઓળખવો મુશ્કેલ બને છે
જંગલ ખાતાના સુત્રોમાંથી જાણવા મળે છે કે, કોઇ ચોક્કસ વિસ્તારમાં દીપડો માનવ પર હુમલો કરે તો તે વિસ્તારમાં પાંજરા મુકી તેને શોધવામાં આવે છે. કોઇ દીપડો મળે તો તેના પર નક્કી કરવું મુશ્કેલ છે કે, આ જ દીપડો છે. અમુક પરીક્ષણો હોય છે પરંતુ દરેક દીપડા પર તે થતા હોતા નથી. આમાં ઘણી વખત નિર્દોષ દીપડા પણ ભોગ બને તેવું બનતું હોય છે. જો કે તેની વર્તણુક પરથી અંદાજ આવી જતો હોય છે.

દીપડાથી બચવા ગીરમાં ખેડૂતોને પાંજરામાં સુવાનો વારો આવ્યો
માનવનું જંગલ તરફી અતિક્રમણ દિવસને દિવસે નવી ઉપાધિ ઊભી કરી રહ્યું છે. અતિક્રમણ અને જંગલમાં ખોરાકના અભાવને કારણે રાજ્યમાં જૂનાગઢ, બનાસકાંઠા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં ખોરાકની શોધમાં દીપડા માનવ વસ્તી વચ્ચે આવી રહ્યાં છે. ફોરેસ્ટ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દર મહિને સરેરાશ ચારથી વધુ વખત દીપડા અને માણસ અથડામણ થાય છે. એક સમયે ગીર વિસ્તારમાં દીપડાથી બચવા માટે ખેડૂતોએ પાંજરામાં પણ સુવાનો વારો આવ્યો હતો.

2006માં ગુજરાતમાં દીપડાની સંખ્યા 1070 હતી
ગુજરાતમાં વર્ષ 2006માં 1070 દીપડા હોવાનું વન વિભાગે જાહેર કર્યુ હતું. ત્યારબાદ 2017માં આ આંકડો 1300થી વધુ સુધી પહોંચી ગયો હતો. જો કે વાઈલ્ડ લાઈફ નિષ્ણાતો તો એવુ કહી રહ્યા છે કે હાલમાં 1700થી વધુ દીપડાઓ ગુજરાતમાં છે, તેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. એકાદ વર્ષમાં હવે ફરી દીપડાની ગણતરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દીપડાઓનો વસવાટ છે એક હજારથી વધુ દીપડાઓ આ ટેરટરીમાં હોવાનો અંદાજ છે. હવે તો રાજકોટના ગામડાઓ અને ગાંધીનગરના સચિવાયલ સુધી દીપડાઓ પહોંચી ગયા છે.

દેશમાં 12852 દીપડાનો વસવાટ
દેશભરમાં દીપડાની સંખ્યા વધી છે. છેલ્લા છ વર્ષમાં 60 ટકા સંખ્યા વધી છે. સ્ટેટસ ઓફ લેપર્ડ ઈન ઈન્ડિયા 2018નો અહેવાલ ભારત સરકારે 21 ડિસેમ્બર 2020માં જાહેર કર્યો તે મુજબ દેશમાં 12852 દીપડાની સંખ્યા છે. તેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 3421 ત્યારબાદ કર્ણાટકમાં 1783 અને ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં 1690 દીપડા હોવાનું જાહેર કરાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post