• Home
  • News
  • બાલાસોર ટ્રેન દુર્ઘટનાના 28 મૃતકો હતા લાવારીસ, 4 મહિના બાદ થયા અંતિમ સંસ્કાર
post

4 મહિનાથી આ મૃતદેહોને ડીપ ફ્રીઝર કન્ટેનરોમાં રાખવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-11 18:28:18

બાલાસોર: ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલ ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં કેટલાક મૃતદેહો એવા પણ હતા જેની દુર્ઘટનાના 4 મહિના બાદ પણ ઓળખ નહોતી થઈ શકી. આવી સ્થિતિમાં લાવારીસ પડેલા આ 28 મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હવે આજે પૂરી કરવામાં આવી છે. દરમિયાન BMC મેયર સુલોચના દાસે જણાવ્યું હતું કે, ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારથી લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે આજે સવાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે.

BMC મેયરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં મહિલા સ્વયં સેવકોએ આગળ આવી ભાગ લીધો અને પરંપરાઓને તોડતા ભરતપુર સ્મશાનભૂમિમાં ચિતાઓને આગ આપી હતી. મેયરે જણાવ્યું કે, મહિલાઓને એ પણ ખબર નહોતી કે, મૃતકો કયા ધર્મના છે અને તેઓ સ્ત્રી છે કે, પુરુષ તેમને કંઈ ખબર નહોતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, છેલ્લા 4 મહિનાથી આ મૃતદેહોને ડીપ ફ્રીઝર કન્ટેનરોમાં રાખવામાં આવ્યા હતા. 

મહિલાઓએ કર્યા અંતિમ સંસ્કાર

પ્રથમ ત્રણ મૃતદેહોના અંતિમ સંસ્કાર મધુસ્મિતા પ્રુસ્ટી, સ્મિતા મોહંતી અને સ્વાગતિકા રાવ દ્વારા કરવામાં આવ્યા હતા. આ મહિલાઓએ જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આવી છે. તેમને ખબર નથી કે, તેઓ જેમની ચિતાને આગ આપી રહ્યા છે તે કોણ છે અને તે કયા ધર્મનો છે. આ લોકોએ કહ્યું કે મૃતક ભલે ગમે તેવો હોય પરંતુ એક માણસ હોવાના નાતે તેને સન્માન સાથે વિદાય આપવી જરૂરી છે.

તમામ પ્રક્રિયાની થઈ વીડિયોગ્રાફી

અંતિમ સંસ્કાર પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર તૈયારી કરી લેવામાં આવી હતી. એક એનજીઓને મુખાગ્નિ આપવા અને તેમની અસ્થિઓના ટૂકડાને પાણીમાં વિસર્જિત કરવા માટે નિયુક્ત કરવામાં આવી હતી. બીએમસી અધિકારીના જણાવ્યા પ્રમાણે લાવારિસ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે સોંપવાની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 297 લોકોના મોત

2 જૂનના રોજ બાલાસોર જિલ્લામાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડીની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં 297 લોકોના મોત થયા હતા. હાલ CBI આ અકસ્માતની તપાસ કરી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post