• Home
  • News
  • ભાજપમાં ભડકાના ભણકારા:​​​​​​​અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય તો મેળવ્યો, પણ આંતરિક વિવાદ વધ્યો, આગામી દિવસોમાં અસંતુષ્ટોનું જૂથ સક્રિય થઈ શકે છે
post

ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી, મહાપાલિકાના હોદ્દેદારોની નિમણૂકથી માંડીને પક્ષના વડીલ સુરેન્દ્ર કાકાના નામે ચાલી રહેલો વિવાદ ભડકે તો નવાઈ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-13 10:23:39

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય તો મેળવ્યો, પણ આંતરિક વિવાદ ઊભો થઈ રહ્યો છે, જેમાં સુરેન્દ્ર કાકાના મામલે ચાલી રહેલી ગરબડો ધીમે ધીમે મોટું સ્વરૂપ લઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અમદાવાદ મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટરથી માંડીને પૂર્વ મેયર અને શહેર ભાજપના કેટલાક આગેવાનોનું અલગ જૂથ બનાવી મહાપાલિકાના નવા પ્રભારીઓ સામે મોરચો માંડવાની તૈયારીઓ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ખાનગી બેઠકો મળવાની શક્યતા છે.

ટિકિટોની ફાળવણીથી જ આંતરિક વિખવાદ શરૂ થયો
શહેર ભાજપના એક સિનિયર આગેવાન સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીથી જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો, કેમ કે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા ઉમેદવારોમાંથી 15 જેટલાં નામો રાતોરાત બદલાઈ ગયાં હતાં, જેની રજૂઆત પક્ષ-પ્રમુખ પાટીલ સહિત પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો સુધી કરવામાં આવતાં તેઓ પણ ચોંકી ગયા હતા અને ટિકિટ ફાળવણીમાં શહેરમાંથી ગોલમાલ થઈ હોવાની શંકાના આધારે કેટલાક જવાબદાર આગેવાનોના ખુલાસા પણ માગવામાં આવ્યા છે.

સુરેન્દ્ર પટેલના નામે પક્ષમાં વિવાદની શંકા
આ ઉપરાંત મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દાનાં નામો નક્કી કરવામાં પણ ચોક્કસ આગેવાનોની મનમાની ચાલી હોવાથી અમદાવાદ ભાજપમાં વર્ષોથી કામ કરતા અને મહાપાલિકામાં હોદ્દાઓ સંભાળી ચૂકેલા આગેવાનોમાં નારાજગીનો સૂર શરૂ થઈ ગયો છે, તેમાં પણ મહાપાલિકાના કર્તાહર્તા અને માર્ગદર્શક એવા સુરેન્દ્ર પટેલના નામે મીડિયા અને સોશિયલ મીડિયા અને પક્ષમાં એક વિવાદ ચલાવવામાં આવતો હોવાની શંકાના આધારે પણ શહેર ભાજપનું એક સિનિયરનું એક જૂથ અકળાઈ ગયું છે અને ભાજપના વડીલ આગેવાન સુરેન્દ્ર કાકા સામે ચાલી રહેલી રમતોના મામલે માથું ઊંચકવા તૈયારી કરી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં અમદાવાદ મહાપાલિકામાં અને શહેર ભાજપ સામે નવો મોરચો ઊભો થઇ શકે છે.

સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની શરૂઆત થઈ; ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્ર કાકાના કહેવા મુજબ, કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષના નેતાની વરણી થતી હતી. જોકે આ ટર્મથી હવે સુરેન્દ્ર કાકાનું વર્ચસ્વ ઘટી ગયું છે. ગત બુધવારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ હતી, જેમાં આંતરિક નારાજગી સાથે હોદ્દેદારોની નિમણૂક થઈ હોવાને લઇ ચર્ચા જાગી છે. કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવી છે ત્યારથી સુરેન્દ્ર કાકા કહે એ જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બનવાની પરંપરા પ્રદેશ હાઇકમાન્ડે તોડી મેયર તરીકે ગોરધન ઝડફિયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી કરી હતી, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે છેલ્લી ઘડી સુધી આંતરિક નારાજગી વચ્ચે હિતેષ બારોટની જાહેરાત કરાઈ હતી.

સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતા કાઉન્સિલરો કપાયા
સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતા કાઉન્સિલરોને સ્થાન મળ્યું નથી. એકમાત્ર ગીતાબેન પટેલ, જેમને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું છે. ઘાટલોડિયાના જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવાની છેક છેલ્લી ઘડી સુધી ચર્ચા થઈ હતી, પરંતુ આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા અને તેમના જ મત વિસ્તારમાંથી પહેલી જ ટર્મના જીતીને આવેલા હિતેષ બારોટને હાઇકમાન્ડ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પક્ષના નેતા તરીકે પણ શહેર ભાજપ-પ્રમુખ જગદીશ પંચાલના નજીકના ગણાતા ભાસ્કર ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોમાં પણ અનેકનાં નામો કાપી નજીકના લોકોની નિમણૂક કરાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post