• Home
  • News
  • ભાજપને કોંગ્રેસ પર ભરોસો, 20ને ટિકિટ આપી:હકુભા અને મેરજા બે કોંગ્રેસી સાઇડલાઇન, બાવળિયા અને જવાહર ચાવડા રિપીટ, 4 નવા ચહેરાને વધાવાયા
post

2017ની ચૂંટણી પછી કોંગ્રેસનાં મોટાં માથાં ગણાતા ધુરંધરોએ કેસરિયો ખેસ પહેરી લીધો અને પેટાચૂંટણીઓ કરવી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 17:44:41

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધારે છે, એવું કારણ આગળ ધરીને કોંગ્રેસના 70થી વધારે ધારાસભ્યો છેલ્લાં વીસ વર્ષમાં ભાજપમાં જોડાઈ ગયા છે. એમાંય ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક હતી ત્યાં જ ચાર ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા. જોકે આ ચારમાં એક કોંગ્રેસી ધારાસભ્યનો પુત્ર છે. આજે ભાજપે જે યાદી જાહેર કરી એમાં 20 ઉમેદવાર એવા છે, જે મૂળ કોંગ્રેસના છે અને તેમાંથી ચાર નવા ચહેરા છે, જેમને ભાજપે પહેલીવાર ટિકિટ આપી હતી.


બે કોંગી આયાતીની ટિકિટ કપાઈ
2017ની ચૂંટણી પછી કોંગ્રેસનાં મોટાં માથાં ગણાતા ધુરંધરોએ કેસરિયો ખેસ પહેરી લીધો અને પેટાચૂંટણીઓ કરવી પડી. પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારો જીતી ગયા. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધા બાદ ભાજપમાંથી પેટાચૂંટણી લડ્યા અને જીતી ગયા. મેરજાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીપદ આપવામાં આવ્યું, પણ આજે જાહેર થયેલી યાદીમાં ભાજપે મેરજાનું પત્તું કાપી નાખ્યું અને ગયા વખતે જેની ટિકિટ કાપી હતી તે કાંતિલાલ અમૃતિયાને આ વખતે ટિકિટ આપી છે.


બીજા ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા). 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં હકુભા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા. હકુભા ભાજપમાંથી જીતી ગયા અને તેમને 2019માં લોકસભાની સીટ મજબૂત કરવા ગુજરાત સરકારમાં મંત્રી બનાવાયા. પછી નરેન્દ્ર મોદી સરકારે આખી સરકાર બદલી નાખી, એમાં હકુભાને પણ મંત્રીપદ છોડવું પડ્યું. આજે જે યાદી જાહેર થઈ એમાં ધારાસભ્ય હકુભાના બદલે જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જોકે એવું માનવામાં આવે છે કે દિગ્ગજ નેતાને લોકસભામાં તક આપવામાં આવશે.


ચાર નવા આયાતી ઉમેદવારોનાં ભાજપે પોંખણાં કર્યાં
આજે ભાજપની યાદીમાં મૂળ 21 કોંગ્રેસીનાં નામ સામે આવ્યાં છે, તેમાં ચાર ચહેરા નવા છે, જેને ભાજપે પહેલીવાર ટિકિટ આપી છે. આ ચારમાં સૌથી ચર્ચિત ચહેરો છે હાર્દિક પટેલનો. ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં ત્યારે 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો ઉદય થયો હતો અને પાટીદાર યુવા આગેવાન હાર્દિક પટેલ રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. ગુજરાતભરમાં તોફાનો થયાં. અનામતનો આ મુદ્દો પ્રજાકીય કરતાં રાજકીય વધારે બની ગયો અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા. આનાથી 2017માં કોંગ્રેસને ફાયદો પણ થયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે એ પહેલાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપ સામે નહોર ભરાવનાર પાટીદાર યુવાનને ભાજપે જ વિરમગામની ટિકિટ આપી છે. હાર્દિક માટે પડકાર એ છે કે વિરમગામ કોંગ્રેસ કમિટેડ સીટ છે અને મતદારોને રીઝવવાના છે.


બીજો ચહેરો હર્ષદ રીબડિયાનો છે. એ સીટ પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 2012માં જીપીપી, ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી જીત્યા હતા. 2017માં હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી આ સીટ પર વિજેતા થયા હતા. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી જ હતી ત્યાં હર્ષદ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપનો ખેસ પહેરી લીધો. ભાજપે હર્ષદ રીબડિયાને વિસાવદરથી ટિકિટ આપી છે.

ત્રીજો ચહેરો ગીર વિસ્તારની જ તાલાલા બેઠક પર ભગાભાઈ બારડનો છે. ભગાભાઈ બારડનું તાલાલા પંથકમાં વજન છે. 2017માં ભગાભાઈ બારડ કોંગ્રેસમાંથી જીતી ગયા હતા. આ વખતે ચૂંટણી પડઘમ વચ્ચે તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે તેમને તાલાલા સીટની ટિકિટ આપી છે.

ચોથો ચહેરો કોંગ્રેસી છે, પણ એ ધારાસભ્ય નહોતા. વાત છે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાની. બેઠક છે છોટાઉદેપુર. આ બેઠક પર મોહનસિંહ રાઠવાનું એકહથ્થું શાસન રહ્યું છે. મોહનસિંહ રાઠવા 11 વખત ચૂંટણી લડ્યા અને 10 વખત ધારાસભ્ય બન્યા. આ વખતે ઉંમરને કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. આ જાહેરાતના સપ્તાહમાં જ મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા. છોટાઉદેપુર બેઠક પરથી ભાજપે મોહનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી છે.

ચોટીલાના શામજી ચૌહાણે 2017માં પરચો બતાવ્યો, 2022માં ટિકિટ મળી
કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ચોટીલા બેઠક પર શામજી ચૌહાણનો દબદબો રહ્યો છે. એ પહેલી ચૂંટણી લડ્યા અને અપક્ષ તરીકે જીત્યા. એ પછી શિવસેનામાંથી લડીને જીત્યા. ભાજપે તેમની પ્રતિષ્ઠા જોઈને 2012માં ચોટીલા બેઠકની ટિકિટ આપી અને શામજીભાઈ જીતી ગયા. એ પાંચ વર્ષ ભાજપના ધારાસભ્ય પણ રહ્યા. 2017માં ભાજપે શામજી ચૌહાણનું પત્તું કાપીને ઋત્વિક મકવાણાને ટિકિટ આપતાં શામજીભાઈ ભાજપથી નારાજ થયા હતા અને કોંગ્રેસ તરફ ઢળ્યા હતા. તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો અને 2017માં ચોટીલા બેઠક કોંગ્રેસને ગઈ હતી. આ વખતે 2022માં ભાજપે નારાજ શામજીભાઈને મનાવવા ફરી ટિકિટ આપી છે. 2017માં શામજીભાઈએ પોતાની તાકાત બતાવી તો આ વખતે ટિકિટ મળી ગઈ.

હાલમાં ભાજપમાં 25 ટકા કોંગી ધારાસભ્યો આયાતી
પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં એનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. ગુજરાતમાં છેલ્લાં 50 વર્ષથી આયારામ-ગયારામથી માંડીને લિયારામ-દિયારામ સુધી પક્ષપલટા થતા રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી એકહથ્થું શાસન કરી રહેલા ભાજપમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ મોટો ફાળો છે. 2002થી 2022 સુધીનાં 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસના 70 જેટલા ધારાસભ્યો અને 2000થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોની ભાજપમાં ભરતી કરી હતી. એ જોતાં હાલ ભાજપમાં 25 ટકા કોંગ્રેસના આયાતી છે.


ઘનશ્યામ ઓઝાથી લઈ કેશુભાઈએ કરવો પડ્યો પક્ષપલટાનો સામનો
1960માં રાજ્યની રચના થઈ અને ડો.જીવરાજ મહેતાની કોંગ્રેસી સરકાર અસ્તિત્વમાં આવી. એના 16 ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું હતું! 1967થી 1971માં 168 પૈકી 101 ધારાસભ્યોએ પક્ષીય વફાદારી બદલી હતી. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલે પક્ષપલટાઓનો સામનો કરવો પડ્યો હતો અને સત્તા ગુમાવી હતી.


છેલ્લાં પાંચ વર્ષમાં 21 કોંગ્રેસી ભાજપમાં સામેલ થયા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પછી છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 21 ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય એવી શક્યતા છે.


મિશન 150+ પાર પાડવા ભાજપે ભરતીમેળો શરૂ કર્યો હતો
ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને 20 વર્ષમાં સૌથી ઓછી માત્ર 99 બેઠક જ મળી હતી. 2022ની ચૂંટણી માટે ભાજપે 150+ મિશન પાર પાડવા માટે પાટીદારની સાથે આદિવાસી અને અન્ય સમાજ, જ્ઞાતિને સાથે લેવાનો પ્રયત્ન જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કૉંગ્રેસના ખમતીધર અને વજનવાળા ધારાસભ્યોને ભાજપમાં જોડવાનું પણ અભિયાન હાથ ધર્યું, જેમાં તેને સફળતા પણ મળી છે. હવે આ આયાતી ઉમેદવારો જીતી શકશે કે નહીં એ જોવાનું રહ્યું.

adv

Related News

post
post
post
post
post
post
post