• Home
  • News
  • છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે ફરી એક વખત પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની માગણી ઉઠાવી
post

આગામી 10 જૂને રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:25:23

નવી દિલ્હી : રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં મંથનનો તબક્કો ચાલી રહ્યો છે. ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં વિલંબના કારણે નેતાઓના ધબકારા વધી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નામને ફાઈનલ કરવા માટે મોડી રાત સુધી પાર્ટી મેનેજરોની સાથે બેઠકમાં વ્યસ્ત હતા. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ફરી પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની માગ ઉઠાવી છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાની ઉમેદવારીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ વખતે કોંગ્રેસનું સ્ટેન્ડ બદલાય છે કે કેમ તે જોવાનું રહેશે.

આગામી 10 જૂને રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો જૂન-જુલાઈમાં ખાલી પડી રહી છે. યુપીમાં મહત્તમ 11 સીટો ખાલી થવાની છે. મહારાષ્ટ્ર-તામિલનાડુમાં છ-છ સીટો, બિહારમાં પાંચ, આંધ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ત્રણ-ત્રણ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, હરિયાણા, ઝારખંડમાં બે-બે અને ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારીની છેલ્લી તારીખ 31 મે છે. આ પહેલા પાર્ટીઓએ તેમના ઉમેદવારોને ફાઈનલ કરવાના છે.

છત્તીસગઢ઼માં રાજ્યસભાની કુલ 5માંથી 2 બેઠકો 29 જૂનના રોજ ખાલી થઈ રહી છે. કોંગ્રેસ છત્તીસગઢ઼થી બે બેઠકો મળવાની આશા કરી રહી છે. છત્તીસગઢ઼ સિવાય રાજસ્થાન જ છે જ્યાં કોંગ્રેસ રાજ્યથી બહારના નેતાને એડજસ્ટ કરી શકે છે. છાયા વર્માને છત્તીસગઢથી ફરીથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. બીજી તરફ સીએમ ભૂપેશ બઘેલ દ્વારા બીજી સીટ માટે પ્રિયંકા ગાંધીના નામની રજૂઆત કરવામાં આવી છે. જો પ્રિયંકા ઈનકાર કરે તો અજય માકનના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. રાજસ્થાનથી પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાને ઉતારવામાં આવી શકે છે. 

ઝારખંડમાં કોંગ્રેસની સહયોગી ઝારખંડ મુક્તિ મોર્ચાએ ઘોષણા કરી હતી કે, તેઓ બંને બેઠકો પર પોતાની ઉમેદવારી નોંધાવશે. પરંતુ શનિવારે રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને હેમંત સોરેન વચ્ચેની વાતચીત બાદ માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીને ઝારખંડથી પણ રાજ્યસભાની એક સીટ મળી શકે છે. સીએમ હેમંત સોરેન દિલ્હી આવશે અને આ અંગે વાત કરશે. કોંગ્રેસને આશા છે કે તે JMMને મનાવી લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post