• Home
  • News
  • હાઈકમાન્ડની ચીમકી- 'આ યાદી અમે બનાવી છે':ભાજપની ચૂંટણી ન લડનારની યાદી જાહેર! પૂર્વ CM સહિતના પૂર્વ મંત્રીઓ ટપોટપ બોલવા લાગ્યા- 'હું ચૂંટણી નથી લડવાનો'
post

ગુજરાતમાં કોરોનાકાળમાં સરકારની કામગીરી સામે પ્રજાનો રોષ ફેલાયો છે અને તેના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હતી, તે સમયે જ ઊભા થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડે કઠોર કદમ લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 17:58:08

9 નવેમ્બરના રોજ સવારે ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટિકીટ કપાઈ હોવાનું લખ્યું હતું. જોકે, ત્યારબાદ પૂર્વ નેતાઓ દ્વારા કોઈ નિવેદન આવ્યું ન હતું. જોકે, રાત પડતાની સાથે એક બાદ એક રૂપાણી સરકારના નેતાઓ દ્વારા 'હું ચૂંટણી નથી લડવાનો' એવા નિવેદનો આવવાના શરૂ થઈ ગયા હતા. વિજય રૂપાણીએ મીડિયામાં નિવેદન આપ્યું હતું. જ્યારે નીતિન પટેલે તો પત્ર લખીને જાણ કરી હતી. આ સાથે જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ ચૂંટણી ન લડવાના હોવાનું નિવેદન આપ્યું હતું. આ પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે, હાઈકમાન્ડે જ પૂર્વ નેતાઓને કહેવડાવ્યું કે હું ચૂંટણી નથી લડવાનો.

આંતરિક વિરોધ થવાની સંભાવના વચ્ચે ભાજપની નવી રણનિતી
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના મૂરતિયા જાહેર કરવાની તૈયારીમાં છે. આ જાહેર થનારા લીસ્ટમાં મોટાભાગના પૂર્વ મંત્રીઓની ટિકિટ કપાઈ શકે તેમ છે ત્યારે આંતરિક વિરોધ થવાની સંભાવના વચ્ચે ભાજપે નવી રણનિતી બનાવી છે. આ રણનિતીમાં ભાજપ હવે જે પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપવાનું છે તેમની પાસેથી જ તેમના લેટર પેડ પર જાહેરાત કરાવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરે.

લેટર પેડ પર ચૂંટણી ન લડવાની જાહેરાત
આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના લેટર પેડ પર જાહેરાત કરી હતી કે આગામી ચૂંટણીમાં તેઓ મહેસાણા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરવા નથી ઈચ્છતા. તેમણે વિનંતી કરતાં એમ પણ લખ્યું છે કે, તેમના નામની વિચારણાં કરવી નહીં. આમ, ભાજપના તેઓ હંમેશા કાર્યકર રહેશે તેવો ઉલ્લેખ કરી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સંબોધીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ વધુ પૂર્વ મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે ત્યારે આગામી સમયમાં વધુ કેટલાંક પૂર્વ મંત્રીઓ પણ પોતે ઉમેદવારી નથી કરવા ઈચ્છતા તેવી જાહેરાત કરી શકે છે.

11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીનું રાજીનામુ
રૂપાણી સરકારની છબી 'સંવેદનશીલ' તરીકે રજૂ કરવામાં ભાજપ સંગઠને કોઈ કસર એ વખતે છોડી નહોતી. કડક શાસક આનંદીબેન પછી આ પ્રકારનો મેકઓવર કરવો ગુજરાત ભાજપ માટે જરૂરી હતો. જોકે કોરોનામાં નબળી કામગીરી અને પાટીદારોની નારાજગીના નામે તેમનો ભોગ લેવાયો હતો. 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ આખી સરકારને તોડી ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવવામાં આવી હતી.

હાઈકમાન્ડે રૂપાણી સહિતને ચૂંટણી ન લડાવવા જાહેરાત કરાવી
ગુજરાતમાં કોરોનાકાળમાં સરકારની કામગીરી સામે પ્રજાનો રોષ ફેલાયો છે અને તેના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હતી, તે સમયે જ ઊભા થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડે કઠોર કદમ લીધા હતા, જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તો રાજીનામું લઈ લેવામાં આવ્યું, પણ તેની સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ એટલા જ જવાબદાર હોવાનું માની રહેલા ભાજપના હાઈકમાન્ડ દ્વારા નીતિન પટેલને પણ પડતા મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ આખી રૂપાણી સરકારને સાઈડલાઈન કરી દેવામાં આવી હતી. જોકે, નાની માટી જવાબદારીઓ વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવી છે. જોકે, હાઈકમાન્ડે રૂપાણી સહિતાને હવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરાવડાવવામાં આવી છે.

પાટીદારોની નારાજગી ભારે પડી
ગુજરાતમાં પાટીદારોની નારાજગી પણ ભાજપ માટે એક મહત્ત્વનો મુદ્દો બની ગયો હતો. જેમાં પાટીદાર નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ આ મામલે નિષ્ફળ નીવડ્યા હોવાનું ભાજપના આગેવાનોનું માનવું હતું, એટલું જ નહીં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ માટે કેટલાક અંશે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.

રૂપાણીને ચૂંટણીટાણે સાઈડલાઈન કરાયા
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરાતા રૂપાણી સરકારની વિદાય થઇ છે અને હાલ ભુપેન્દ્ર પટેલ સત્તાના સિંહાસન પર છે. આ સંજોગોમાં સાઇડલાઇન થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં હાઈકમાન્ડે તક આપી છે. સરકારની વિદાય બાદ ખુદ રૂપાણીએ પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આમ ગુજરાતના બે દિગ્ગજ નેતાઓને હાઇકમાન્ડે મોટી જવાબદારી સોંપી છે. રૂપાણીને ગુજરાત વિધાનસભા ચૂંટણીટાણે જ પંજાબ અને ચંદીગઢના પ્રભારીની જવાબદારી સોંપી છે.

અત્યાર સુધીમાં રૂપાણી સરકારના કેટલાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી?

·         વિજય રૂપાણી

·         નીતિન પટેલ

·         ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

·         પ્રદીપસિંહ જાડેજા

રૂપાણી સરકારમાં આ મંત્રીઓ હતા

વિજય રૂપાણી

મુખ્યમંત્રી, ગૃહ

નીતિન પટેલ

ના.મુખ્યમંત્રી, શહેરી વિકાસ, નાણાં અને આરોગ્ય

આર. સી. ફળદુ

કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર

કિશોર કાનાણી

આરોગ્ય પરિવાર કલ્યાણ

જવાહર ચાવડા

પ્રવાસન

કૌશિકકુમાર પટેલ

મહેસૂલ

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

શિક્ષણ-કાયદો

સૌરભ પટેલ

ઊર્જા

ગણપત વસાવા

આદિજાતિ વિકાસ, વન

જયેશ રાદડિયા

અન્ન, નાગરિક પુરવઠો

દિલીપકુમાર ઠાકોર

શ્રમ અને રોજગાર

ઈશ્વરભાઈ પરમાર

સામાજિક ન્યાય અધિકારિતા

કુંવરજીભાઈ બાવળિયા

પાણીપુરવઠો, પશુપાલન

પ્રદીપસિંહ જાડેજા

ગૃહ(રાજ્યકક્ષા)

પુરુષોત્તમ સોલંકી

મત્સ્ય ઉદ્યોગ

બચુભાઈ ખાબડ

ગ્રામ વિકાસ, પશુપાલન

જયદ્રથસિંહ પરમાર

કૃષિ(રાજ્યકક્ષા)

ઈશ્વરસિંહ પટેલ

સહકાર

વાસણ આહીર

સા.-શૈ. પછાત વર્ગોનું કલ્યાણ

વિભાવરીબહેન દવે

મહિલા અને બાળ કલ્યાણ

રમણલાલ પાટકર

વન અને આદિજાતિ વિકાસ

યોગેશ પટેલ

નર્મદા, શહેરી ગૃહ નિર્માણ

ધર્મેન્દ્રસિંહ જાડેજા

અન્ન, નાગરિક પુરવઠા(રાજ્યકક્ષા)

 

adv

Related News

post
post
post
post
post
post
post