• Home
  • News
  • સોશિયલ મીડિયામાં CM રૂપાણીની મેકઓવરની જવાબદારી શશિ થરુરના પિતરાઈ જય થરુરને સોંપાઈ
post

જય થરુરને મુખ્યમંત્રીના સોશિયલ મીડિયાથી લઇને પબ્લિક અપીઅરન્સ અને ભાષણો તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 08:27:40

ગાંધીનગર: થોડા સમય પહેલાં અમદાવાદના કાર્યક્રમમાં 20-20 મેચની વાત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌને અચંબામાં મૂકી દીધા હતાં. હજુ તો બાબતે ગરમા-ગરમ ચર્ચા રાજકીય વર્તુળોમાં ઠંડી પડી ત્યાં તેમણે ફેસબુક પર રોજગારી અને ત્યારબાદ ભ્રષ્ટાચાર મુક્ત સરકારનો વીડિયો સંદેશ મૂકીને બીજો ઝટકો આપ્યો. પોતાના સ્વભાવથી તદ્દન અલગ રીતે રજૂ થવાનો રૂપાણીનો અંદાજ એક વ્યક્તિને આભારી છે અને તે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરના પિતરાઇ જય થરુર. જય અને તેમની ટીમ હાલ મુખ્યમંત્રી અને તેમના સ્ટાફને સીએમના બ્રાન્ડિંગની તાલિમ આપી રહ્યા છે.


મુખ્યમંત્રીએ થોડા સમય પહેલાં જયને કામ સોંપ્યું છે
ગુજરાત સરકારમાં રહેલા ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી સાંપડતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ થોડા સમય પહેલાં જયને કામ સોંપ્યું છે અને વિશેષતઃ જ્યારથી તેમના અંગેની તરેહ-તરેહની અફવાઓ ઉડવાની શરૂ થઇ ત્યારથી તેમને જવાબદારી મળી હતી.


અંગ્રેજી અને હિંદી ભાષામાં સંબોધન માટે રૂપાણીને ટ્રેનિંગ અપાઇ રહી છે
હાલ જય તેમના વતી સોશિયલ મીડિયામાં વહેતા કરવાના મેસેજ અને પોસ્ટની જવાબદારી તો સંભાળે છે, તે ઉપરાંત જાહેર સમારોહમાં પણ મુખ્યમંત્રીના સંબોધન, સ્ટેજ પર તેમની સાથે રહેનારા લોકોની બેઠક વ્યવસ્થાથી માંડીને મુખ્યમંત્રીને સંબોધનની તાલીમ પણ અપાઇ રહી છે. અંગ્રેજી અને હિંદી ભાષામાં સંબોધન માટે પણ તેમને ટ્રેનિંગ અપાઇ રહી છે. તેથી થોડા સમયમાં રૂપાણી કડકડાટ હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપે તો નવાઇ નહીં રહે. અંગે દિવ્ય ભાસ્કરે મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા ટીમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આવી કોઇ બાબત નહીં હોવાનું જણાવ્યું. જ્યારે જય સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે તેમને જે જવાબદારી સોંપાઇ છે તે અંગે તેઓ વિશેષ કોઇ વાતચીત કરી શકશે નહીં.


કોણ છે જય થરુર? : 
જય થરુર મીડિયા કેમ્પેઇન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને બ્રાંડિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ પોતે શશિ થરુરથી ખૂબ નજીક છે પરંતુ કોંગ્રેસથી થોડું અંતર રાખે છે. જય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસની વિચારધારાને અનુસરે છે અને તેમણે ઘણાં કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે બ્રાંડિંગનું કામ કર્યું છે. જય અને તેમના પત્ની રાજી થરુર સાથે મળીને કંપની ચલાવે છે. મલયાલી હોવા છતાં જય ફાંકડું ગુજરાતી બોલે છે અને તેમણે ગુજરાતીમાં પુસ્તકો પણ લખ્યાં છે.


મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે પ્રશાંત કિશોરને હાયર કર્યા હતા
અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 2011માં જાણીતા પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને હાયર કર્યા હતા. પ્રશાંત કિશોરની સંસ્થા સિટિઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સની વિશાળ એવી યુવાન કાર્યકર્તાઓની ફોજ નરેન્દ્ર મોદી માટે વિવિધ ક્ષેત્રમાં બ્રાન્ડિંગ કરવાનું કામ કરતી હતી. તે રીતે આનંદીબેન પટેલે પણ ખાનગી સોશિયલ મીડિયા અને પર્સનાલિટી ડેવલપર એક્સપર્ટની સેવા લીધી હતી.

 


 

 

adv

Related News

post
post
post
post
post
post
post