• Home
  • News
  • દેશભરમાં સહકારી બેન્કો હવે RBI હેઠળ, દેશની 1540 સહકારી બેન્કોમાં 8.60 કરોડ લોકોની 4.84 લાખ કરોડની થાપણ
post

દેશની 1,540 સહકારી બેન્કોમાં 8.60 લાખ લોકોના રૂ.5લાખ કરોડ જમા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:19:52

અમદાવાદ: કૌભાંડો અને નાદારીના કારણે હંમેશા ચર્ચામાં આવતી દેશની લગભગ 1,540 કો-ઓપરેટિવ બેન્ક હવે સરકારના નિયંત્રણમાં આવી ગઈ છે. હવે કો-ઓપરેટિવ બેન્કોએ પણ અન્ય વાણિજ્યિક બેન્કોની જેમ તમામ પ્રકારના બેન્કિંગ સાથે સંકળાયેલી બાબતોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ પોતાના મેનેજમેન્ટમાં પણ ફેરફાર કરવો પડશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ પરિવર્તનો સાથે જોડાયેલા વટહુકમને મંજૂરી આપી છે.  

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતા આપતા જણાવ્યું કે, હવે દેશની તમામ 1,540 કો-ઓપરેટિવ બેન્કો આરબીઆઈના નિયંત્રણમાં આવશે. જેમાં 1,482 શહેરી કો-ઓપરેટિવ અને 59 બહુ-રાજ્ય કો-ઓપરેટિવ બેન્ક છે. હવે આ તમામ બેન્કો પર આરબીઆઈની સત્તા લાગુ થશે. ખાતાધારકોની ચિંતા દૂર કરવા આ નિર્ણય લેવાયો હોવાનું જાવડેકરે જણાવ્યું હતું. સૂત્રો અનુસાર, નિયમોમાં ફેરફાર પછી પણ કો-ઓપરેટિવ બેન્કોના મેનેજમેન્ટની જવાબદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે. ઉલ્લેખનીય છે કે દેશની 1,540 સહકારી બેન્કોમાં 8.60 લાખ લોકોના રૂ.5લાખ કરોડ જમા છે. 

શું છે સમગ્ર મામલો
કો-ઓપરેટિવ બેન્કોના કિસ્સામાં રિઝર્વ બેન્કની ભૂમિકા અત્યંત મર્યાદિત હતી. રિઝર્વ બેન્ક અનુસાર બેન્કોના  બોર્ડમાં સ્વતંત્ર નિદેશકની સંખ્યા વધુ અને શેરધારકોની સંખ્યા ઓછી હોવી જોઈએ. સાથે જ બેન્કનું સંચાલન વ્યવસાયિક બેન્કર્સના હાથમાં હોવું જોઈએ. જેની બદલે કો-ઓપરેટિવ બેન્કોમાં શેરધારક ભેગામળીને બોર્ડની પસંદગી કરે છે અને બોર્ડના તમામ સભ્યો શેરધારક હોય છે. મેનેજમેન્ટ પણ બોર્ડ પાસે હોય છે, જેમાં મોટા ભાગના રાજનેતા હોય છે.

શા માટે વટહુકમ લાવવો પડ્યો
દેશની સૌથી મોટી કો-ઓપરેટિવ બેન્કોમાં ગણાતી મહારાષ્ટ્રની પીએમસી બેન્કનું કૌભાંડ બહાર આવ્યા પછી સમગ્ર દેશમાં આ એક મુદ્દો બન્યો  હતો. પીએમસી બેન્કે 75 ટકા ધિરાણ ડીએચએફએલને આપી રાખ્યું હતું, જે એનપીએ થવાથી બેન્ક મુસીબતમાં મુકાઈ ગઈ હતી. અન્ય કો-ઓપરેટિવ સાથે આવું ન થાય તેના માટે સરકારે તેમને સંપૂર્ણપણે રિઝર્વ બેન્કના નિયંત્રણમાં લાવવાનો નિર્ણય લીધો છે. સંસદનું સત્ર ચાલુ ન હોવાને લીધે વટહુકમ દ્વારા તેને લાગુ કરાયો છે.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓ. બેંકના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું કે, અર્બન બેંકોને અગાઉ દરેક પ્રોસેસ માટે જ્યાં રાજ્યના સહકારી રજિસ્ટ્રાર અને RBI બન્ને પાસેથી મંજૂરી લેવી પડતી હતી હવે પ્રક્રિયા સરળ થશે. આ નવા ઓર્ડિનન્સને કારણે સૌને ફાયદો થશે. 

ગુજ. સ્ટેટ કો.ઓ. બેન્કના ચેરમેન અજય પટેલે કહ્યું કે, ચૂંટણી યોજવાની સત્તા જ સહકારી રજિસ્ટ્રાર પાસે રહે છે, બેંકો પરનું તમામ નિયંત્રણ RBI પાસે જશે, પ્રક્રિયા પારદર્શક થશે. બેંકો દ્વારા થતો ગેરવહીવટ અટકશે. અમુક લોકોને ગજા બહારનું ધિરાણ અપાતું અટકશે. 

NFSCના પ્રમુખ દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, સહકારી બેંકના સત્તાધીશો ખોટું કરતાં અટકશે. બેંક ફડચામાં જાય તે સંજોગોમાં વહીવટદારની નિયુક્તિ RBI ઝડપથી કરી શકશે. પહેલાં રજિસ્ટ્રારની મંજૂરી લેવી પડતી હોવાથી, રાજકીય ખેલ થતો હતો. 

ગુજરાતમાં સહકારી બેન્કોમાં 55000 કરોડની થાપણ
ગુજરાતમાં કુલ 214 યુસીબી છે જે આ ખરડાના દાયરામાં આવશે, એક રાજ્યસ્તરની ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંક પણ આવી શકે છે. ગુજરાતની 214 યુસીબીમાં 90 લાખ ખાતેદારોની 55,000 કરોડની થાપણો છે, જ્યારે ગ્રોસ એનપીએ 2.4% જ્યારે નેટ એનપીએ 0.51%  છે.

આ પરિવર્તન આવશે

·         સહકારી બેન્કનું ઓડિટ RBIના નિયમ હેઠળ

·         સંકટ સમયે બોર્ડની દેખરેખ પણ RBI કરશે

·         સહકારી બેન્કોએ તેમનું માળખું બદલવું પડશે

 

adv

Related News

post
post
post
post
post
post
post