• Home
  • News
  • કોંગ્રેસ હેલિકોપ્ટરની નહિ, જમીન પરની-જનતાની પાર્ટી છે: ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધીના શ્રી ગણેશ
post

ગુજરાત અને ગાંધીજીની વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આજે ગુજરાત આવ્યો અને આ રસ્તો મહાત્મા ગાંધીએ દેશને આપ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-21 19:17:15

અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. જે દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયુ જ્યાં સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધીનું ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. જેના બાદ તેઓએ હિન્દીમાં સંબોધન કર્યુ હતું. 

સુરતના મહુવામાં રાહુલ ગાંધીએ સભા સંબોધતા કહ્યું કે, 70 દિવસથી અમે કન્યાકુમારીથી શ્રીનગરની યાત્રા કરી રહ્યા છીએ.

હજુ 1500 કિમિનો પ્રવાસ કરવાનો બાકી છે. લાખો બેરોજગારો, માતાઓ ,ખેડૂતો અમારી સાથે ચાલી રહ્યા છે. મીડીયા બધું બતાવતી નથી પરંતુ તમે ત્યાં આવો તો ખબર પડે કે માનવમહેરામણ ઉમટી પડ્યો છે. કોઈ નફરત, ક્રોધ, હિંસા નથી માત્ર ભાઈચારો જોવા મળી રહ્યો છે. આ યાત્રા પ્રેમ અને લાગણીની આ યાત્રા છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ભાજપના લોકો તમને આદિવાસી નહીં, વનવાસી કહે છે. તમે વનવાસી નહીં આદિવાસી છો. આ દેશ તમારો છે. આદિવાસીઓને ફાયદો આપતા કાયદા લાગુ જ નથી થયા. ભાજપના લોકો તમારી જમીન છીનવા માગે છે. આદિવાસીઓ દેશના પહેલા માલિક છે. અમારી સરકારમાં આદિવાસીઓને શિક્ષણ મળશે. 

કોઈ પૂછતું નથી કે તમારી જાત કઈ છે ભાષા કઈ છે. વહેલી સવારથી સાંજ સુધી આ યાત્રા ચાલે છે પરંતુ કોઈને થાક નથી લાગતો. લોકોના પગમાં ચાંદા પડી ગયા, બે લોકોના મૃત્યુ પણ થયા છે. લોકો ઘણા આશીર્વાદ અને લાગણી દર્શાવે છે.

ગુજરાત અને ગાંધીજીની વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આજે ગુજરાત આવ્યો અને આ રસ્તો મહાત્મા ગાંધીએ દેશને આપ્યો હતો. ગાંધીજીના રસ્તે જ ભારત જોડો યાત્રા કરી રહ્યો છું. આ યાત્રામાં પણ ગુજરાતનો ઇતિહાસ છે લાગણી છે અને સંસ્કારો છે. યાત્રામાં આનંદ થાય છે પરંતુ એક દુઃખ પણ થાય છે. ભારત જોડાઈ રહ્યું છે ત્યારે આદિવાસીઓ, ખેડૂતો અને યુવાઓને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ અને વીમાના પૈસા નથી મળતા. યુવાઓ બેરોજગાર છે તેમના સપનાઓ તૂટી રહ્યા છે. કાલે સાંજે એક યુવાન અમારી યાત્રામાં આવ્યો તેનું નામ રામ હતું. તે મને ગળે વળગીને રડી પડ્યો હતો. તેનો આખું પરિવાર કોરોનામાં મૃત્યુ પામ્યો હતો.. દુનિયામાં તે એકલો છે. હોસ્પિટલમાં ડોકટરો સામે હાથ જોડ્યા હતા પરંતુ રામના  માતા પિતાને બચાવી ન શક્યાં. રામ મને રડતાં રડતા કહેવા લાગ્યો કે, રાહુલ જી, હું બેરોજગાર છું મને કોઈ રસ્તો નથી મળી રહ્યો.

આદિવાસીઓ સાથે વાત કરીને જાણવા મળ્યું કે એમની જમીન હડપ કરી લેવામાં આવી. તેમને પૂછ્યા વગર ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે. અહીંયા પણ એ જ કામ થઈ રહ્યું છે. અહીં અનંત ભાઈ તમારા હકો માટે લડી રહ્યા છે.આદિવાસીઓ સાથે મારો અને પરિવારનો ખૂબ સારો સંબંધ છે.

ઇન્દિરાજીને યાદ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા દાદી ઈન્દિરાજીએ મને એક ચોપડી આપી હતી. હું 6 વર્ષનો હતો ત્યારે મને આદિવાસીઓ વિશે કઈ જ ખબર ન હતી. પેંડું એક આદિવાસી બાળક નામની બુક હતી. તે ચોપડીમાં તે બાળક વિશે તેના જીવન વિશે તમામ બાબતો લખી હતી. એક દિવસ મેં દાદી ને પૂછ્યું કે, આ જે ચોપડી છે તે મને સૌથી વધુ પસંદ છે. દાદીએ મને કીધું કે આ જ ચોપડી છે તે આપણા આદિવાસીઓ માટે છે. આ આપના ભારતના પહેલા અને અસલી માલિક છે.

તેમણે મને કહ્યું હતું કે, જો તારે હિંદુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓના જળ જંગલ અને જમીન સાથેનો સબંધ સમજવો પડશે. જે બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે વનવાસી નથી, તમે આદિવાસી છો. તમારા હકની રક્ષા થશે યુવાઓને રોજગાર અને શિક્ષણ મળશે. તમારી જળ જમીન અને જંગલને પાછું અપાવવા માટે કાનૂન લાવીશું.

ભાજપ સરકારે આ કાયદાઓ લાગુ નથી કર્યા. અમે મનરેગા આપ્યું, સ્કોલરશીપ આપી, જમીનના હક આપ્યા છે. ભાજપએ આ કાંઈ નથી આપ્યું.એક તરફ કોંગ્રેસ ના આદિવાસી તો બીજી તરફ ભાજપના વનવાસી. અમારી આ યાત્રા હેલિકોપ્ટરમાં નહીં પરંતુ જમીન પર ચાલીને તમારી વાતો સાંભળવા માટે છે. તમે આટલો પ્રેમ આપો છો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

 

adv

Related News

post
post
post
post
post
post
post