• Home
  • News
  • કોંગ્રેસી ધારાસભ્યો, રાજ્યસભાના 2 ઉમેદવારો રાજકીય આઈસોલેશનમાં
post

પરિવારજનો ચિંતામાં 26મીએ યોજાનારી રાજ્યસભા ચૂંટણી રદ કરાવવા રાજ્ય સરકાર મથી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:05:07

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી થાય તે પહેલાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપતાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રીસોર્ટમાં ખસેડી દેવાયા હતા અને હજુ પણ 68માંથી 66 ધારાસભ્યો, અને બન્ને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી સમેત ઘણાં કોંગ્રેસના નેતાઓ હાલ આ રીસોર્ટમાં રાજકીય આઇસોલેશનમાં આવી ગયા છે. હાલ રાજ્યમાં કોરોના વાઈરસના ચેપને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યાં છેલ્લાં આઠ દિવસથી કોંગ્રેસના આ તમામ લોકો હોટલમાં કેદ થઇ ગયા છે. રાજસ્થાનના જયપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ કોરોના વાઈરસનો ચેપ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ગુજરાત કરતાં પણ વધુ છે. આ સ્થિતિને જોતાં ધારાસભ્યોના પરિવારજનોમાં ચિંતા પેઠી છે. અગાઉ કોંગ્રેસે જ્યાં આ ધારાસભ્યોને ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો તેને સ્થાને હવે તેઓને પરિવારજનો સાથે વાત કરવાની અનુમતિ આપવામાં આવી છે. પરિવારજનોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આવી સ્થિતિમાં ધારાસભ્યોને આ રીતે કેદ રાખવા તે હિતાવહ નથી.

પંદર ધારસભ્યોએ હોબાળો મચાવી ગૃહત્યાગ કર્યો
અગાઉ પચાસેક ધારાસભ્યો જયપુર પહોંચી ગયા હતા જ્યારે પંદરેક ધારાસભ્યો ગાંધીનગરમાં ગૃહમાં ચાલતી કાર્યવાહીમાં ભાગ લેવા રોકાયા હતા. તે દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જ જયપુર જતા પૂર્વે ગૃહમાં પ્રસ્તાવ મુક્યો હતો કે કોરોનાને પગલે વિધાનસભાની કાર્યવાહી રોકી દેવી જોઇએ, જેને મુખ્યમંત્રી સહિત શાસકપક્ષે ફગાવી દેતાં ધાનાણી, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત બાકીના પંદરેક ધારાસભ્યોએ હોબાળો મચાવી ગૃહત્યાગ કર્યો હતો.


હજુ બીજા ત્રણ દિવસ ત્યાં જ રોકાવું પડશે, એકબીજાને મળવામાં પણ સંકોચ
પચીસ માર્ચે જ આ ધારાસભ્યો પરત આવવાના હોવાથી હજુ પણ આ ધારાસભ્યોને બીજા ત્રણેક દિવસ ત્યાં જયપુરમાં જ રોકાવું પડશે. આ ધારાસભ્યો હાલ એકબીજાને મળવામાં પણ સંકોચ થઇ રહ્યો છે. ચેપ ફેલાવવાના ભયને પગલે તેઓ સાથે સમૂહમાં મળતા નથી.

બે ધારાસભ્યો ગુજરાતમાં છે 
શાહપુર દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અગાઉ કામસર અમદાવાદ આવ્યા હતા પરંતુ ત્યારબાદ કોરોના વાઈરસના ચેપના કેસ અમદાવાદમાં સામે આવતાં તેઓ અહીં જ રોકાઇ ગયા છે. રવિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ફસાઇ પડેલા લોકોની મદદે તેઓ આવી ગયા હતા અને તેમને જમવાની વ્યવસ્થા કરી તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે વાહનની સુવિધા પણ કરી આપી હતી. જ્યારે ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડા હાલ આંખની સારવાર અર્થે પર ફર્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ અવળો દાવ ખેલ્યો
નીતિન પટેલે રજૂ કરેલી ચૂંટણી મોકૂફી સામે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અવળો દાવ ખેલીને જણાવ્યું કે ભાજપ હવે હાર ભાળી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજી બેઠક જીતી શકાય તેમ ન હોવાથી અને અન્ય ધારાસભ્યો તોડી શકાયા ન હોવાથી ભાજપે હવે આ નિર્ણય કર્યો છે. ચાવડાએ તેવી શંકા પણ સેવી કે જો ચૂંટણી મોકૂફ થશે તો ભાજપને કોંગ્રેસમાં વધુ તોડફોડ કરવા માટેનો સમય મળશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post