• Home
  • News
  • કોરોના ગુજરાત:પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોતથી હાહાકાર, સાડા ત્રણ મહિના બાદ રાજ્યમાં 10ના મોત, 2220 નવા કેસ
post

ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-31 11:22:03

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા છે. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ત્રણ અધિકારીના મોતથી હાહાકાર
ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન લેખિકા પણ હતા. તેઓ DivyaBhaskarની રંગત-સંગતના વાંચન રસથાળમાં પેરેન્ટીગ પર આર્ટિકલ લખતા હતા. તેમણે દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.

સચિવાલયમાં 53 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં તેમના વતી નાણાંમંત્રી નીતિન પટેલ જવાબ રજૂ કરશે. આ ઉપરાંત ગાંધીનગરના ન્યૂ સચિવાલયના બ્લોક 7માં 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 139ના રિપોર્ટ નેગેટિવ જ્યારે 53ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

12,263 એક્ટિવ કેસ અને 147 વેન્ટીલેટર પર
રાજ્યમાં છેલ્લા 38 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 5 હજાર 338 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,510 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 88 હજાર 565 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે, જેમાંથી 147 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,116 દર્દીની હાલત સ્થિર છે.

24 કલાકમાં 1,93,968 લોકોનું રસીકરણ
રાજ્યમાં 24 કલાકમાં 1,93,968 લોકોનું રસીકરણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 59 હજાર 57 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 47 લાખ 45 હજાર 494 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 43 હજાર 855 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 53 લાખ 89 હજાર 349નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post