• Home
  • News
  • ગુજરાતમાં બે અઠવાડીયા સુધી મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો બંધ, બોર્ડની પરીક્ષા યથાવત, જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ
post

આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 10:37:47

અમદાવાદઃ કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિક્ષકો, પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફે નોકરીએ જવું પડશે.જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.તેમજ સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. જ્યારે વિધાનસભા સત્ર પણ ટૂંકાવવામાં આવે એવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 78 શંકાસ્પદ દર્દીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને એકનો રિપોર્ટ બાકી છે.

 

જાહેરમાં થૂંકવા રૂ.500નો દંડ, ધાર્મિક કાર્યક્રમો ન કરવા અનુરોધ
આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જ્યારે હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા પણ અનુરોધ કર્યો છે.


ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો

ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પરિપત્ર બહાર પાડી તમામ થિયરી અને પ્રેક્ટિકલની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત 29મી માર્ચ સુધી તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કર્યો છે.


મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય યોગ્ય: મલ્ટીપ્લેક્સ એસોસિયેશન
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ધી ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય યોગ્ય છે. આવતીકાલ સવારથી તમામ મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. જ્યાં સુધી આવકનો સવાલ છે, હાલમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો હોવાથી મલ્ટીપ્લેક્સમાં ભીડ નહોતી. જેથી બહુ નુકસાનનો સવાલ નથી. લોકોના આરોગ્યને લઈ યોગ્ય નિર્ણય છે.


મલ્ટીપ્લેક્સના કર્મચારીઓને રજા અને પગાર ચાલુ રાખવા અંગે 16 માર્ચે નિર્ણય

મનુભાઈ પટેલે આગળ કહ્યું કે, રોજની 50000ની આવક થાય છે. કર્મચારીઓને રજા અને પગાર ચાલુ રાખવો કે નહીં તે અંગે કાલે નિર્ણય લઇશું


ભાજપના કાર્યક્રમો પણ બે અઠવાડીયા સુધી બંધ રહેશેઃ વાઘાણી
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,કોરોના વાઈરસ સામે સાવચેતી અને તકેદારીના પગલારૂપે રાજ્ય સરકારે આગામી બે અઠવાડિયા સુધી શાળા કોલેજ બંધનો નિર્ણય જાહેર કર્યો છે, ત્યારે ભાજપના પણ ગુજરાતમાં યોજાનાર આગામી જાહેર કાર્યક્રમો તથા કેન્દ્રીય અને ગુજરાત બજેટની કાર્યશાળાઓના કાર્યક્રમો બે અઠવાડિયા સુધી મોકૂફ રાખેલ છે.


15 દિવસમાં 20થી વધુ કાર્યક્રમ મોકૂફ રાખવા પડશે
સરકારે કરેલી જાહેરાત પછી મ્યુનિ.એ સ્વિમિંગ પૂલ, જીમ ઉપરાંત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ પણ 29 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે. જેને કારણે એડવાન્સ હોલ બુક કરાવનારા લોકો ફસાઈ ગયા છે. બુક કરાવનારા તમામ લોકોને તેમણે ભરેલા નાણાં રિફંડ અપાશે. પણ તાત્કાલિક ધોરણે તેમને અન્ય સ્થળો જે તે કાર્યક્રમો માટે શોધવાની ફરજ પડી છે. ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે આ અંગે અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. તેમના જ વિસ્તારમાં એક હોલમાં સોમવારે કાર્યક્રમ હતો અને રવિવારે સાંજે અધિકારી આ કાર્યક્રમ રાખનારા વ્યક્તિને હોલ નહીં આપવામાં આવે તેવું કહેતા વિવાદ થયો હતો. આ નિર્ણય લીધો હોવાથી શહેરમાં હોલ નહીં આપવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 15 દિવસમાં અંદાજે 20 થી વધુ કાર્યક્રમો બંધ રાખવાનો વારો આવ્યો છે.


રોજગાર કચેરી ખાતેનો 24 માર્ચનો જોબફેર પણ મોકૂફ
24
માર્ચે શાહીબાગમાં રોજગાર કચેરી ખાતે યોજાનારો રોજગાર મેળો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે 31 માર્ચ સુધી જિલ્લાની કચેરીઓમાં સેમિનાર અને વર્કશોપ મોકૂફ રાખવાની સૂચના આપી છે. નવી તારીખ એપ્રિમાં જાહેર કરાશે.


AC
કોચમાં 25થી 26 ડિગ્રી તાપમાન રખાશે
કોરોનાથી બચવા હવે તમામ એસી કોચમાં તાપમાન પણ 25થી 26 ડિગ્રી સુધી રાખવાનો આદેશ કરાયો છે. એજરીતે મહિને એકવાર ધોવાતા ધાબળા તેમજ 15 દિવસે ધોવાતા પડદા અને સીટ કવર પણ હટાવાયા છે. હવે પેસેન્જરે ઘરેથી ધાબળા લઈને આવવાનું રહેશે. પેસેન્જરોના હાથ વધુ લાગે છે તેવી જગ્યા કોચના હેન્ડલ, સીટ, ટોયલેટના હેન્ડલ, નળ, નકુચા સેનિટાઈઝરથી સાફ કરાયા છે. સ્ટેશન પર કોરોના અંગે લોક જાગૃતિ માટેના પોસ્ટર પણ ચોંટાડવામાં આવશે.


રેલવે હોસ્પિટલમાં 8 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર
ટ્રેન તેમજ પ્લેટફોર્મ પરના ખાણીપીણીના સ્ટોલના કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવાનો રેલવેએ આદેશ કર્યો છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે સાબરમતી રેલવે હોસ્પિટલમાં 8 બેડનો આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


અમદાવાદની ચાર ફ્લાઈટ રદ, ત્રણ મોડી પડી
કોરોના વાઈરસના ભયથી મિડલ ઈસ્ટના દેશોમાં જતી ફ્લાઈટો રદ થઈ રહી છે. જેમાં રવિવારે ઈન્ડિગોની અમદાવાદ - કુવૈત અને કુવૈત - અમદાવાદ ફ્લાઈટ તેમજ ઈરાકી એરવેઝની અમદાવાદ - અલ નજફ અને અલ નજફ - અમદાવાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જ્યારે સ્પાઈસ જેટની ત્રણ ફ્લાઈટ એક કલાક જેટલી મોડી પડી હતી. જેમાં જયપુર - અમદાવાદ 1.08 કલાક, અમદાવાદ - હૈદરાબાદ 55 મિનિટ તેમજ અમદાવાદ - જયપુર 1.05 કલાક મોડી પડી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post