• Home
  • News
  • સિવિલમાં કોરોનાના દર્દીઓને ધર્મ પ્રમાણે અલગ રખાયાનો આક્ષેપ, સત્તાવાળા કહે છે- લક્ષણો, ઉંમર પ્રમાણે દર્દીઓને અલગ રખાયા
post

સુપરિન્ટેન્ડન્ટે કહ્યુ- ક્રિટિકલ કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી કો-મોર્બિડ સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ વોર્ડમાં રખાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 10:04:08

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની આખી હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે ત્યાં અત્યારે રાખવામાં આવેલા દર્દીઓમાં પણ ધર્મને આધારે બે અલગ અલગ વોર્ડ રાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી વિવાદ થયો છે. જોકે આવી કોઈ અલગ વ્યવસ્થા ન રખાઈ હોવાનું સત્તાવાળા કહી રહ્યા છે. બીજી તરફ સારવાર લઈ રહેલા એક જૂથના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે, અમને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જોકે સત્તાવાળા કહે છે કે, લક્ષણો, ઉંમર પ્રમાણે દર્દીઓને અલગ રખાયા છે, ધર્મ પ્રમાણે અલગ રખાયાની વાત ખોટી છે. બીજી તરફ આ મામલો અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જેને પાયાવિહોણો ગણાવતા ભારતના વિદેશ મંત્રાલયે USCIRFને કહ્યું કે તેઓ કોરોના વિરૂ્દ્ધ ભારતની લડાઇને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ ન કરે.  

USCIRFનો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો: વિદેશ મંત્રાલય 

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે,  USCIRF ભારતમાં કોવિડ-19 માટે નક્કી કરવામાં આવેલા મેડિકલ પ્રોટોકોલ પર ગેરમાર્ગે દોરનારો રિપોર્ટ ફેલાવી રહ્યું છે. ગુજરાત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધાર્મિક આધારે અલગ-અલગ રાખવામાં આવ્યા નથી. 

દર્દીઓમાં થૂંકવાને મુદ્દે બોલાચાલી થઈ હતી
બીજી તરફ સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓમાં થૂંકવાને મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સ્થિતિ વધુ વણસે નહિ અને તમામ દર્દીને યોગ્ય સારવાર અને સુવિધા મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટને તાત્કાલિક પગલાં લેવાં તાકીદ કરી હતી.


બે જૂથના દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવી દેવાયો હોવાના આક્ષેપો
દેશભરમાં તબલીગી જમાતના લોકોથી કોરોના સંક્રમણ વધુ ફેલાયું હોવાની છાપ સામાન્ય જનમાનસમાં ઘર કરી ગઈ છે. આ તબક્કે જો બે સમાજના દર્દીઓ કે કોરોના પોઝિટિવ લોકોને એક જ વોર્ડમાં રાખવામાં આવે તો મોટી મુશ્કેલી પડી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ તબક્કે સિવિલ હોસ્પિટલ દ્વારા અગાઉથી જ નિર્ણય લઈ બે જૂથના દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવી દેવાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને કારણે વિવાદ સર્જાયો છે. સારવાર લઈ રહેલા કેટલાક લોકો કહી રહ્યા છે કે, ચોક્કસ વોર્ડમાં તમામ પલંગ માત્ર એક કોમના નાગરિકોને ફાળવાયા છે. બંને વોર્ડના ગેટ પર પોલીસ ગોઠવાઈ છે. જ્યાંથી બહાર નીકળવું શક્ય નથી. પોલીસ અને તબીબ સહિતના મેડિકલ સ્ટાફને સહાય નહીં કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ કહેવાઈ રહ્યું છે.
કો-મોર્બિડ સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ વોર્ડમાં રખાયા: સુપરિન્ટેન્ડન્ટ

આ વિવાદ અંગે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ જી. એચ. રાઠોડે કહ્યું કે, ધર્મના નામે અલગ વોર્ડ અપાયા હોવાની વાત ખોટી છે. દર્દીને તેમની કન્ડિશન, શંકાસ્પદ કે પોઝિટિવ રિપોર્ટ, ક્રિટિકલ  કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી કો-મોર્બિડ સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીની સારવાર કરતાં ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે અલગ વોર્ડમાં રખાયા છે.  

 

 

adv

Related News

post
post
post
post
post
post
post