• Home
  • News
  • વડાપ્રધાને તો રાષ્ટ્રરક્ષકો માટે ફક્ત તાળી-થાળી વગાડવા કહ્યું હતું, આનંદના અતિરેકમાં લોકોએ તો સરઘસ કાઢ્યા
post

આખો દિવસ ઘરમાં એકાંતમાં રહેવાના પરિશ્રમ પર રીતસર પાણી ફેરવી દીધું, સમૂહમાં ભેગા ન થવાની હાકલ એળે ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:26:49

અમદાવાદઃ કોરોના વાઈરસ સામેની લડતના ભાગરૂપે વડાપ્રધાને આજે આખો દિવસ જનતા કર્ફ્યુની જાહેરાતની સાથે-સાથે હેલ્થ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રરક્ષકો માટે સાંજે 5 વાગ્યે પોતાના ઘરની બાલ્કની-આંગણામાં થાળી વગાડી તથા તાળી પાડવાની હાકલ કરી હતી. આ માટે લોકો સાંજે 5 વાગતા પહેલાં જ પોતપોતાના ઘરની બાલ્કની અને આંગણામાં સજ્જ થઈ ગયા હતા. પરંતુ કેટલાક લોકોએ આ હાકલને આનંદ-ઉત્સવનું સ્વરૂપ આપી દીધું અને બજવાબદાર રીતે રેલી-સરઘસો કાઢીને તેમજ વિશાળ સંખ્યામાં એકત્ર થઈને ઢોલ-નગારા વગાડ્યા હતા. આમ, આખો દિવસ ઘરમાં એકાંતમાં રહેવા પાછળના પરિશ્રમ પર પાણી ફેરવી દીધું હતું અને સમૂહમાં નિકળી પડ્યા હતા.

કોરોના ભાગી ગયો હોય તે રીતે સરઘસ કાઢી ઉજવણી કરી

એવા પણ વીડિયો પ્રાપ્ત થયા હતા જેમાં લોકો રીતસર ઢોલ-નગારા સાથે રેલી કે સરઘસ કાઢતા જોવા મળ્યા હતા. હજી આજે બપોરે જ રાજ્યમાં બે મોત થયા છે, જેમાંથી એકના મોત માટે કોરોના જવાબદાર હોવાની પુષ્ટિ પણ થઈ છે. આવા માઠા સમાચારની વચ્ચે પણ સાંજે પાંચ વાગ્યે કેટલાક અણસમજુ લોકો એવા તે ગેલમાં આવી ગયા હતા કે ભાન ભૂલીને રેલી-સરઘસના મૂડમાં આવી ગયા હતા. આ સરઘસ-રેલી કાઢનારા લોકો પણ મલકાતા અને નાચતા-કૂદતા કોરોના જાણે ભારતમાંથી વિદાય લઈ ચૂક્યો હોય તે રીતે ઉજવણી કરવા લાગ્યા હતા.

બીએપીએસ મંદિરમાં 20થી વધુ સંતો-હરિભક્તોએ નગારા વગાડ્યા
એકતરફ કોરોનાનો કહેર શમાવવા અમદાવાદમાં 144ની કલમ લગાડવામાં આવી છે. આ મુજબ કોઈ પણ સ્થળે ચાર માણસ કરતા વધુ ભેગા થઈ ન શકે અને રેલી કે સરઘસ કાઢી ન શકે. પરંતુ જનતા કરફ્યુના માહોલમાં આખો દિવસ વિતાવ્યા બાદ કેટલાક લોકોએ ઉન્માદમાં આવીને ટોળામાં નિકળી ઉજવણી કરી હતી. શાહીબાગ બીએપીએસ મંદિર ખાતે 20થી વધુની સંખ્યામાં સંતો અને હરિભક્તોએ એક જ સ્થળે ભેગા મળીને ઢોલ-નગારા વગાડીને જાણે ઉજવણી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post