• Home
  • News
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધ્યો:નાગપુર અને મુંબઈમાં ત્રીજી લહેર શરૂ, મંત્રી અને મેયરે કર્યો દાવો; ગણેશ પર્વ ઘરમાં જ ઊજવવાની સલાહ
post

સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે હાલ ક્યાંય પણ પ્રતિબંધ લગાવવાને લઈને કોઈ વિચાર નથી, પરંતુ વધતા જતા આંકડા પર સરકાર નજર રાખી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:22:26

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,626 નવા કોરોના સંક્રમિત મળ્યા છે અને 37 લોકોનાં મોત થઈ ગયાં છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મંગળવારે કહ્યું હતું કે મુંબઈમાં ત્રીજી લહેર આવી ગઈ છે. આપણે સતર્ક રહેવાની જરૂર છે. રાજ્યના ઊર્જામંત્રી નીતિન રાઉતે કહ્યું હતું કે નાગપુરમાં ડબલ સ્પીડથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આટલી સંખ્યામાં કેસ જોતાં એવું કહી શકાય છે કે શહેરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

પેડનેકરે કહ્યું હતું કે 'મુંબઈમાં ત્રીજી લહેર આવી નથી રહી, પરંતુ આવી જ ગઈ છે. કોરોનાનો ફેલાવો રોકવા માટે પ્રતિબંધો લગાડવાના હક રાજ્ય સરકાર પાસે છે. જરૂર લાગશે તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય કરશે. આ વચ્ચે લોકોને વિનંતી છે કે તેઓ પોતાની જાતને સંભાળે.' તેમણે ગણેશોત્સવના સાર્વજનિક આયોજન ન કરવાની સલાહ આપી છે અને ઘરમાં જ રહીને પૂજા-પાઠ કરવાનું કહ્યું છે.

નાગપુરમાં લાગી શકે છે કડક પ્રતિબંધ
ઊર્જામંત્રી નીતિન રાઉતે કહ્યું હતું કે કોરોનાના વધતા કેસને જોતાં ટૂંક સમયમાં જ કોવિડ આપદા પ્રબંધન દળની બેઠક મળશે. કેટલાક પ્રતિબંધો લગાડવાના નિર્ણય લેવામાં આવ્યા છે, પરંતુ એ અંગે જનતાના પ્રતિનિધિઓ સાથે વાત કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્થાનિક પ્રશાસન કોવિડ સાથે જોડાયેલાં પ્રતિબંધોની જાહેરાત ટૂંક સમયમાં જ કરી શકે છે.

વિદર્ભમાં ઓગસ્ટમાં કોરોનાના કેસ ઝડપથી સામે આવ્યા હતા. જોકે એ વાત સારી છે કે આ વિસ્તારમાં કોરોનાને કારણે હાલમાં એકપણ મોત થયાં નથી. નાગપુર જિલ્લામાં 17 ઓગસ્ટથી તમામ પ્રતિબંધો હટાવી દેવાયા હતા. અન્ય વિસ્તારની તુલનાએ ઓગસ્ટમાં વિદર્ભમાં કોવિડના કેસ ઝડપથી ઘટી રહ્યા હતા. વિદર્ભના નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં સિંગલ ડિજિટ મામલે જ રિપોર્ટ થઈ રહ્યા હતા, પરંતુ સતત બે દિવસથી અહીં ડબલ ડિજિટમાં કેસ સામે આવી રહ્યા છે.

ગણેશોત્સવની તૈયારી કરનારાઓએ નિયમોનું પાલન કરવું જરૂરી
કોરોનાની ત્રીજી લહેરને જોતાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ મંગળવારે કહ્યું હતું કે કેરળમાં ઓનમ તહેવાર દરમિયાન ભીડને કારણે કોવિડના દર્દીઓની સંખ્યા વધી હતી. આ જોતાં રાજ્ય સરકારે ગણેશ ઉત્સવની તૈયારીઓ કરી રહેલા લોકોને અને જનતાને અપીલ કરી છે કે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરે.

ઉદ્ધવે કહ્યું- તહેવારથી વધુ લોકોના જીવન મહત્ત્વના
એક દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આપણે તહેવારોને પછી પણ ઊજવી શકીએ છીએ. આપણે લોકોનાં જીવન અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. નવા કેસ વધતાં ફરી સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પર્વ મનાવવા કે ધાર્મિક કાર્યક્રમોને રોકવા કોણ ઈચ્છે છે? પરંતુ તહેવાર કરતાં લોકોનાં જીવન મહત્ત્વના છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આવનારા તહેવારોનો સમય મહત્ત્વનો અને પડકારજનક છે. આ રાજકીય પક્ષોની જવાબદારી છે કે સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય. ઠાકરેએ કહ્યું હતું કે કોવિડ-19ની ત્રીજી લહેર દરવાજે ઊભી છે. કેરળમાં દરરોજ 30 હજાર કેસ નોંધાય રહ્યા છે. આ ખતરનાક સંકેત છે અને જો આપણે આ વધતા કેસને ગંભીરતાથી ન લીધા તો મહારાષ્ટ્રને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા દર્દીઓ મળ્યા
મહારાષ્ટ્રના પુણે ડિવિઝનમાં છેલ્લા 24 કલાકમાં 1267, મુંબઈમાં 728, નાસિક સર્કલમાં 953, કોલ્હાપુર સર્કલમાં 517 અને નાગપુર સર્કલમાં 14 નવા કેસ સામે આવ્યા છે. નાગપુરમાં સિંગલ ડિજિટ કેસના કારણે 17 ઓગસ્ટથી લગભગ તમામ પ્રતિબંધો હટાવી દીધા હતા, હવે ડબલ ડિજિટ કેસને કારણે ફરી કડક પગલાં લેવામાં આવી શકે છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે હાલ ક્યાંય પણ પ્રતિબંધ વધારવાનો વિચાર નથી, પરંતુ વધતા જતા આંકડાઓ પર સરકારની નજર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post