• Home
  • News
  • ગુજરાત પર હાલ એક પણ સિસ્ટમ નહીં:નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી; અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે
post

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 18:51:24

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

તાપમાનમાં વધઘટ થઈ શકે છે
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પર હાલ એક પણ સિસ્ટમ સક્રિય નથી એટલે આ મહિનામાં વરસાદની ઘટ રહેશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં વધઘટ થઈ શકે છે. અલ નિનોને કારણે વાતાવરણ સુકુ જોવા મળી રહ્યું છે. અલ નિનોને કારણે વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અલ નીનોની અસરથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે.

સરદાર સરોવર પરિયોજનામાં 77.47 ટકા જળસંગ્રહ
રાજ્યમાં મહત્વની 207 જળ પરિયોજનામાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 MCFT જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

64 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તેમજ 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post