• Home
  • News
  • સંસદના ચોમાસું સત્રનો 7મો દિવસ:ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાંથી વિપક્ષના 19 સાંસદ એક સપ્તાહ માટે સસ્પેન્ડ, તૃણમૂલના 7 MPનો સમાવેશ
post

TMC સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું અમે બંધારણની આઠમી અનુસૂચિમાં ગારો અને ખાસી આદિવાસી સમુદાયને સ્થાન આપવાની માગ કરી રહ્યા છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 19:12:48

સંસદમાં ચોમાસું સત્રનો આજે 7મો દિવસ હતો. મંગળવારે વિપક્ષે GST અને મોંઘવારીના મુદ્દે ભારે હોબાળો કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાંથી વિપક્ષના 19 સાંસદને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષે ભારે હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી પહેલા એક કલાક માટે અને ત્યારબાદ સંપૂર્ણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. બીજી બાજુ લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.

જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમા સુષ્મિતા દેવ, ડૉ.શાંતનુ સેન અને ડોલા સેન ઉપરાંત મૌસમ નૂર, શાંતા છેત્રી, નદીમૂલ હક, અભી રંજન વિશ્વાસ (તમામ તૃણમૂલ કોંગ્રેસ) ઉપરાંત એ રહીમ અને શિવદાસાન (ડાબેરી), કનિમોઝી (DMK), બીએલ યાદવ (TRS) અને મોહમ્મદ અબ્દુલ્લાનો સમાવેશ થતો હતો. ખાસ વાત એ છે કે તેમા કોંગ્રેસના કોઈ સાસંદનો સમાવેશ થતો ન હતો.

સોમવારે કૉંગ્રેસના ચાર સાંસદ સસ્પેન્ડ થયા
લોકસભામાં સોમવારે ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કૉંગ્રેસના 4 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યોતિમણી, માણિકમ ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હકીકતમાં લોકસભામાં વિપક્ષે મોંઘવારી અને GST મુદ્દે ભારે ધાંધલ કરી હતી. કાર્યવાહી શરૂ થઈ તેની થોડી મિનિટો બાદ વિપક્ષના નેતાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યાં હતા.

સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને ગૃહની કાર્યવાહી આગળ ચલાવવા દેવા માટે અપીલ કરી હતી, જોકે વિપક્ષના સભ્યોએ GST સામે સૂત્રોચ્ચાર અને બેનરો દેખાડવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ સ્પીકરે ચારેય સાંસદને ગૃહના કામકાજમાંથી સસ્પેન્ડ કર્યાં હતા.

TMC સાંસદોએ સંસદ નજીક વિરોધ પ્રદર્શન કર્યું
TMC સાંસદોએ સંસદ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ગારો તથા ખાસી આદિવાસી સમુદાયને બંધારણની 8મી અનુસૂચીમાં સ્થાન આપવાની પણ માગ કરવામાં આવી છે. TMC સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું અમે બંધારણની આઠમી અનુસૂચિમાં ગારો અને ખાસી આદિવાસી સમુદાયને સ્થાન આપવાની માગ કરી રહ્યા છીએ. હું આજે સંસદના શૂન્યકાળમાં આ મુદ્દો રજૂ કરવા જઈ રહ્યો છું.

સ્પીકરે કહ્યું- ગૃહમાં વિરોધ દર્શાવતા બેનરો દેખાડશો નહીં
સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાને પૂછ્યું કે તમે અહીં શું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છો કે પ્રજાને લગતા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છો. દેશની પ્રજા ઈચ્છે છે કે ગૃહ ચાલે, જોકે તે આ રીતે ચાલી શકે નહીં, હું ગૃહમાં એવી સ્થિતિ સર્જાવા દઈશ નહીં. સ્પીકરે કહ્યું જો તમે બેનર દેખાડવા ઈચ્છતા હોય તો તે ઘરની બહાર તેમ કરો.

adv

Related News

post
post
post
post
post
post
post