• Home
  • News
  • ડીડીસી ચૂંટણી:110 બેઠકવાળા ગુપકારના 5 ચેરમેન, જોકે 75 બેઠકવાળા ભાજપના 6 બન્યાં
post

ભાજપની બી ટીમ અપની પાર્ટીનો શ્રીનગર સહિત બે અને પીપલ્સ કોન્ફરન્સનો 3 જિલ્લા પર કબજો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 12:02:46

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ગત નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં પીપલ્સ એલાયન્સ ઓફ ગુપકાર(પીએજીઓ)ને આંચકો લાગ્યો હતો. 20 જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપીએ પીએજીઓના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. ગઠબંધને આ 280માંથી 110 બેઠક જીતી હતી.

જ્યારે ભાજપને 75 અને કોંગ્રેસને ફક્ત 26 બેઠક જ મળી હતી. વધુ બેઠક જીતવા બદલ ગુપકારને આશા હતી કે તે કોંગ્રેસના સહયોગથી 13 ચેરમેન બનાવી લેશે પણ તે 5 જ બનાવી શકી. કોંગ્રેસ તો એક પણ ચેરમેન ન બનાવી શકી. બીજી બાજુ ભાજપે જમ્મુ ક્ષેત્રની 6 જિલ્લા પરિષદમાં તેના ચેરમેન બનાવી લીધા. પૂંછ જિલ્લામાં એક અપક્ષ ચેરમેને સફળતા મેળવી. હવે ત્રણમાં ચેરમેન ચૂંટવાના બાકી છે.
ગુપકારની ટિકિટ પર જીતેલા લોકો અપની પાર્ટીમાં જોડાઈ ગયા, પીપલ્સ કોન્ફરન્સ ભારે પડી
દરેક જિલ્લા પરિષદમાં 14 સભ્યોની મતદાનના માધ્યમથી પસંદગી કરાઇ. તેમણે જ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાગ લીધો હતો. આ ચૂંટણી 4 તબક્કામાં કરાવાઈ. ગુપકારનો ખેલ બગાડવાનું કામ અલ્તાફ બુખારીની પાર્ટી જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીએ કર્યું. જેણે ભાજપની બી ટીમ તરીકે ભૂમિકા ભજવી. શોપિયામાં ગુપકારે 7 બેઠક જીતી હતી પણ તેના જીતેલા બે ઉમેદવાર અપની પાર્ટીમાં જતા રહ્યા. બે અપક્ષના ઉમેદવારોએ પણ ગઠબંધનને સમર્થન ન આપતાં બાજી બગડી. શ્રીનગરમાં પણ અપની પાર્ટીએ ચોંકાવ્યા. આવા જ સમીકરણોમાં પીપલ્સ કોન્ફરન્સે બડગામ, બારામુલ્લા અને કુપવાડામાં ગુપકારને પરાજય આપ્યો.

નેશનલ કોન્ફરન્સે કહ્યું - હોર્સ ટ્રેડિંગ થયું, સભ્યોને ડરાવી-ધમકાવી ચેરમેન બનાવાયા
નેશનલ કોન્ફરન્સ નેતા અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે ડીડીસી ચેરમેન ચૂંટણવામાં ધન બળ, બાહુબલની સાથે ડરાવવા-ધમકાવવાનો ખેલ ચાલ્યો હતો. હું આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવી ચૂક્યો છું.

ઓમર અબ્દુલ્લાહ, ફારુક અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તીને ફરી નજરકેદ કરાયા
જમ્મુ-કાશ્મીરમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લાહ, ફારુક અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તીને ફરી નજરકેદ કરાયા છે. ઓમરે રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ઓગસ્ટ 2019 પછીનું નવું જમ્મુ-કાશ્મીર છે. અમને કોઈ કારણ જણાવ્યા વિના જ ઘરમાં કેદ કરી દેવાયા છે. આનાથી ખરાબ શું હોઈ શકે કે તેમણે મને અને મારા પિતાને ઘરમાં કેદ કર્યા છે. તેમણે તસવીરો પર શેર કરી જેમાં શહેરના ગુપકાર વિસ્તારમાં તેમના નિવાસના મુખ્ય ગેટની બહાર પોલીસ ગાડીઓ ઊભેલી દેખાઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post