• Home
  • News
  • દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ:હવાની ક્વોલિટી ખરાબ, સવારે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી; આગ્રા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ
post

સ્કાય મેટના અહેવાલ મુજબ આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના 15થી વધુ શહેરોમાં ગાઢધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-13 12:17:21

દિલ્હી અને NCRમાં શનિવારે તાપમાનમાં વધારા સાથે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. એર ક્વોલિટી ઇંડેક્સ (AOI) અત્યંત ખરાબ સ્તર પર પહોંચી ગયો છે. ગાઢ ધુમ્મસને કારણે લોકોને સવારે પણ પોતાના વાહનની લાઇટો ચાલુ રાખીને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. ગાઢ ધુમ્મસને કારણે આગ્રા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં વરસાદ પાડવાની શક્યતા છે, જ્યારે સ્કાઈમેટનું માનવું છે કે ઉત્તર ભારતના 15થી વધુ શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.

દિલ્હી એરપોર્ટ પર હવાઈસેવા સામાન્ય
ઈન્ડિગોએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર તેના વિમાનના ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીઓ આવી હતી. કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકને પણ અસર થઈ હતી. જોકે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે લો વિઝિબિલિટી હોવા છતાં વિમાનોની અવર-જવર સામાન્ય રીતે ચાલુ રહેશે.

ગાઝિયાબાદની હવા સૌથી ખરાબ
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) પ્રમાણે, દિલ્હી-NCRમાં ગાઝિયાબાદની હવા સૌથી ખરાબ છે. અહીં એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 372 સુધી પહોંચી ગયો છે. ગ્રેટર નોઇડામાં 352, દિલ્હીમાં 341, ગુરુગ્રામમાં 347 અને ફરિદાબાદમાં 326ના ભયજનક સ્તરે પહોંચી ગયો છે. CPCBનું અનુમાન છે કે હવાની ગતિમાં ઘટાડો થવાને કારણે હાલમાં લોકોને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. આગામી બે દિવસ વચ્ચે પ્રદૂષણનો સ્તર આની આસપાસ જ રહેવાની સંભાવના છે.

માપદંડ કરતાં ત્રણ ગણું વધુ પ્રદૂષણ
શનિવારે દિલ્હી-એનસીઆરનું હવામાન સામાન્ય હતું. લોકોને ઠંડી અને શીતલહેરથી તો રાહત મળી છે, પરંતુ ચિંતાજનક પ્રદૂષણના સ્તરને કારણે હવા ઝેરી બની હતી. દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ધોરણો પ્રમાણે 3 ગણો વધારે છે. CPCBના જણાવ્યા મુજબ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો સ્તર 300ને પાર પહોંચી ગયો છે, 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે.

આગ્રા એક્સપ્રેસ હાઇવે પર કન્નોજમાં અકસ્માત
ઉત્તરપ્રદેશમાં કન્નોજમાં શનિવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મૃત્યુ થયાં છે. આ અકસ્માત લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર તાલગ્રામ વિસ્તારમાં સર્જાયો હતો. લખનઉથી એક પરિવાર બાલાજી મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ ગઢ ધુમ્મસને કારણે કાર એક ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post