• Home
  • News
  • જ્યાં ગયું ત્યાં વિનાશ વેર્યો:ઉનાથી પ્રવેશેલા તાઉ-તે વાવાઝોડાએ 24 કલાક ગુજરાતને બાનમાં લીધું, રાજ્યમાં 17નાં મોત, 2 લાખ વૃક્ષ, 25% વીજપોલ ધરાશાયી
post

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ, 17 હજાર મકાનો તૂટ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:55:18

ગુજરાતના માથેથી આખરે તાઉ-તે વાવાઝોડાનું સંકટ પસાર થઈ ગયું છે. વાવાઝોડાએ ગુજરાતને ધમરોળીને તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે સત્તાવાર 17 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના 3850 ગામોમાં અંધારપટ સર્જાયો છે. 2 લાખથી વધારે વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે જ્યારે હાલ પણ 112 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. પ્રાથમિક માહિતી મુજબ 20 હજારથી વધુ કાચા મકાનોને અસર થઇ છે.

112 રસ્તા હજુ બંધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર તંત્ર 3 દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતું જેને કારણે મોટી દુર્ઘટના કે જાનહાનિ થઇ નથી. ઉના, સાણંદમાં 3-3 લોકોનાં મોત થયા હતા જ્યારે નડિયાદ અને પાલિતાણામાં 2-2 તથા અમદાવાદ, જેતપુર, વલસાડ અને રાજુલામાં 1-1નું મોત થયું હતું. વાવાઝોડાને કારણે 5958 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, 2101 ગામમાં પૂર્વવત્ કરી દેવાયો છે જ્યારે 3850 ગામમાં કામગીરી ચાલી રહી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં 674 રસ્તા બંધ થયા હતા જે પૈકી 562 રસ્તા ચાલું કરી દેવાયા છે જ્યારે 112 રસ્તા હજુ બંધ છે.

ઉમરગામમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ
વાવાઝોડાની અસરથી રાજ્યના 96 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, 6 તાલુકામાં 8થી 10 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 6થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ પડ્યો છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના 4200થી વધુ કર્મચારીઓની 950 ટીમો કાર્યરત છે. બુધવારે રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. વીજળીના 69,429 થાંભલા ધરાશાયી થઇ ગયા છે. સરકાર પાસે 81 હજાર થાંભલા ઉપલબ્ધ છે જેથી તાત્કાલિક રીપ્લેસ કરાશે.

સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકને 50થી 100 ટકા નુકસાન
વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ,અમરેલી, ભાવનગર અ્ને જૂનાગઢમાં તમામ પાકને 100 ટકા નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગનો અંદાજ છે. કેરીના પાકને 75 ટકા જેટલું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં કૃષિ પાક જેવા કે બાજરો, તલ, મગફળી તેમજ ચીકુ, પપૈયા, સીતાફળ સહિતના બાગાયતી પાકને 100 ટકા નુકસાન થયું છે. ગુજરાતમાં બાગાયતી પાકને 50થી 100 ટકા અને કૃષિ પાકને 30થી 100 ટકા જેટલું નુકસાન થયુ હોવાનો અંદાજ છે. સરકારે સરવે હાથ ધરી દીધો હોવાથી નુકસાનીનું ચિત્ર ટૂંક દિવસોમાં સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં બાજરી સહિતના કૃષિ પાકનું 10.47 લાખ હેકટરમાં અને બાગાયતી પાકનું 4.76 લાખ હેકટરમાં વાવેતર થયું છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ
તાઉ-તે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે. તેના રૂટમાં આવતા જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, પરંતુ તેના પરીઘની આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ જિલ્લામાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે. તો સવારના સમયમાં અમરેલી, ભાવનગર, બોટાદ ગીર સોમનાથ, વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પાટણમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

ભાવનગર શહેર-જિલ્લામાં ચારનાં મોત
ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી હતી. ગઈકાલ રાતથી બીજા દિવસે આજે 16 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી છે તો જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે અને એક બનાવ ગારીયાધારમાં વૃદ્ધનું મોત થયું છે. જ્યારે શહેરમાં પણ એક મોત નીપજ્યું છે. શહેર અને જિલ્લામાં વિજળી ગઈકાલથી ગુલ છે અને લોકો વાવાઝોડાની અસરથી સ્તબ્ધ છે.

ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ
તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં વિનાશ નોતર્યા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

અમરેલી જિલ્લાના 100 % એટલે કે 603 ગામોમાં વીજળી ડૂલ
તાઉ-તે વાવાઝોડુ 17 મેના રોજ રાત્રે ઉનાથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. જે અમેરલી જિલ્લામાંથી પસાર થયું છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. સમગ્ર જિલ્લામાં 100 ટકા એટલે કે 603 ગામોમાં પાવર ઓફ છે. સૌથી વધુ નુકસાન અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં થયું છે. જિલ્લાના કુલ 73 જેટલા 66 કેવી સબ સ્ટેશનો પૈકી 43 જેટલા ખોરવાયા છે. જેમનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈકાલે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165થી 170 કિ.મીની હતી.

ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી
વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી હતી. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. ગીર સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હતી. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

જૂનાગઢમાં નહિવત અસર
જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post