• Home
  • News
  • ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદ:અમદાવાદના દિવ્ય દરબારમાં CM અને BJP પ્રદેશ પ્રમુખને આમંત્રણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર પીપળિયાને ફોન પર ધમકી
post

દિવ્ય દરબારમાં ભાગદોડની અવ્યવસ્થા ન સર્જાય એવી વ્યવસ્થા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:29:35

ગુજરાતમાં હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિવાદ વકર્યો છે. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઇઓ પુરુષોત્તમ પીપળિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યા બાદ તેમને ફોન પર ધમકીઓનો મારો ચાલુ થયો છે. તો અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજકો સોશિયલ મીડિયામાં કરાતી પોસ્ટને અવગણી રહ્યા હોવાનું મોઢે બોલી રહ્યા છે, પરંતુ બાઉન્સરોના પહેરામાં પ્રેસ-કોન્ફરન્સ યોજીને દિવ્ય દરબાર યોજવા માટે મક્કમ હોવાનું જણાવી રહ્યા છે.

અમદાવાદમાં રાધિકા સેવા સમિતિએ આયોજન કર્યું
હિન્દુ રાષ્ટ્રને લઈને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-6 ખાતે ગંગોત્રી શક્તિધામ મંદિરના ચોકમાં બે દિવસ તેમનો દરબાર યોજાશે. રાધિકા સેવા સમિતિના આચાર્ય પ્રમોદ મહારાજે દિવ્ય દરબાર અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ધર્મ, ભક્તિ અને સનાતનનો પ્રચાર થાય અને અંખડ ભારત બને એ માટે અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આ દિવ્ય દરબારનું આયોજન થશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ તાંત્રિક નથી- આયોજક
તેમમએ વધુમાં જણાવ્યું હતું કે રાધિકા સેવા સમિતિ દ્વારા ધર્મ, કર્મ, જ્ઞાન, શ્રદ્ધા, ભક્તિ અને સનાતન પ્રચાર માટે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત રામમય બને એ જરૂરી છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ તાંત્રિક નથી. એક દિવસ અરજી આપવાની રહેશે. દિવ્ય દરબારમાં કોઈ રજિસ્ટ્રેશન નથી. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગશે ત્યારે તેઓ દિવ્ય દરબારમાં બેઠેલા જે પણ ભક્ત હશે તેની અરજીને માન્ય રાખીને સ્ટેજ ઉપર બોલાવશે અને ત્યાં તેમના પ્રશ્નને સાંભળશે.

બાબા કોઈ જાદુગર કે તાંત્રિક નથી - આચાર્ય પ્રમોદ
રાજ્યમાં જે વિરોધ થઈ રહ્યો છે એ મામલે આચાર્ય પ્રમોદ મહારાજે જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો સોશિયલ મીડિયા પર વિરોધ કરી શકે છે. એને માન્ય ગણી શકાય નહીં, જેને જે પણ વિરોધ હોય એ અમારી સમક્ષ આવી શકે છે. બાબા કોઈ જાદુગર નથી. બાબા કોઈ તાંત્રિક નથી. જે પણ હોય એ હનુમાનજી કરે છે. કોઈ માઈન્ડ ગેમ નથી, ભૂતકાળમાં આવા પ્રશ્નો થઈ ચૂક્યા છે. સુરતમાં જે પણ પોલીસ અને કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી છે એમાં કમિશનર અને વહીવટી તંત્રનું કામ છે એ કરી શકે છે. રાજકીય જે કાર્ય કરવું હોય એ કરી શકે છે, અમે આયોજક છીએ, આયોજનનું કામ અમારું છે.

શ્રદ્ધા હશે એ દરબારમાં આવશે, રાજકીય અગ્રણીઓને આમંત્રણ આપ્યું
દિવ્ય દરબારના આયોજક અમિત શર્માએ જણાવ્યું હતું કે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસના દરબારમાં તમામ ભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ. એવી જ રીતે રાજકીય નેતાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને કોર્પોરેશનના હોદ્દેદારોને અમે આમંત્રણ આપ્યું છે, જેમને પણ શ્રદ્ધા હોય તેઓ આ દિવ્ય દરબારમાં આવી શકે છે.

દિવ્ય દરબારમાં ભાગદોડની અવ્યવસ્થા ન સર્જાય એવી વ્યવસ્થા
બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસના આ દિવ્ય દરબારનું ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક લાખથી વધુ ભક્તો હાજર રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દિવ્ય દરબાર દરમિયાન કોઈપણ પ્રકારની ભાગદોડ કે ખૂબ મોટી ભીડમાં અવ્યવસ્થા ન સર્જાય એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી લઈને ભક્તોની સુરક્ષા તમામ વ્યવસ્થા કરાઈ છે. મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય દરબારમાં હાજર રહે એવી શક્યતા વ્યક્ત કરી છે.

રાજકોટના પીપળિયાને એફબી પોસ્ટ મૂકતાં ધમકીઓ
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. એ માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અવારનવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 16 મેના રોજ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર પોસ્ટ મૂકી હતી, જેને લઇ તેમને અલગ અલગ ફોન તેમજ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post