• Home
  • News
  • મોરવા હડફ પેટાચૂંટણીમાં સીધી જંગ : ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને મેદાને ઉતાર્યાં
post

આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-30 09:32:55

પંચમહાલ :આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. 

ભાજપ ઉમેદવારની પ્રાથમિક માહિતી
મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવવામાં આવી છે. નિમિષાબેન સુથારના સસરા એ.કે. સુથાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2013માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવી હતી. નિમિષાબેન સુથારનો 15716 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે વિજય થયો હતો. નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ધારાસભ્યના પોતાના કાર્યકાળ દરમિયાન નિમિષાબેન સુથારે કરેલા વિકાસ કાર્યો અને તેઓનું મતદારો ઉપરનું પ્રભુત્વ ધ્યાનમાં લઈ 17 એપ્રિલે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

કોંગ્રેસ ઉમેદવારની પ્રાથમિક માહિતી 
મોરવા હડફ બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરેશ છગનભાઈ કરાટાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સુરેશ કરાટા છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય છે અને 10 વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓના જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે, તેઓના પત્ની અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે. એવી જ રીતે તેઓના પિતા પણ ત્રણ ટર્મ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સ્થાનિક અને આદિવાસી સમાજના હોવાથી કોંગ્રેસ દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી છે.

મોરવા હડફની બેઠકનું રાજકીય ગણિય 
હાલની સ્થિતિ મોરવા હડફ વિધાનસભા બેઠકનું આંકડાકીય અને રાજકીય ગણિત શું છે એ ઉપર નજર કરીએ. 125 મોરવા હડફ વિધાનસભા બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક એસ.ટી. ઉમેદવારો માટે અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બેઠક માટે વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં આ બેઠક પર વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો જંગી લીડથી વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2017 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જન જાતિ માટે અનામત રાખવામાં આવેલ બેઠક પર 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બીટીપી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું. જેને લઈ ભાજપના ઉમેદવારની હાર થઈ હતી. બાદમાં ભાજપના હારેલા ઉમેદવાર વિક્રમ ડીંડોર દ્વારા ભુપેન્દ્ર ખાંટના આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવાની અરજી ગુજરાત આદિજાતિ કમિશ્નરને કરી હતી. જે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત આદિજાતિ કમિશનર દ્વારા ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવાનું જજમેન્ટ આપ્યું હતું. બાદમાં ભુપેન્દ્ર ખાંટ દ્વારા આ જજમેન્ટ ને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવા માં આવ્યું હતું.પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે આદિવાસી કમિશ્નરના ચુકાદાને કાયમ રાખી ભુપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદ બાબતે નિર્ણય લેવા માટે રાજ્ય ચૂંટણી પંચને આદેશ કર્યો હતો. ત્યારે  રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટને ધારાસભ્ય પદ થી સસ્પેન્ડ કર્યા હતા. જેને વિવાદ કોર્ટ માં ચાલી જ રહ્યો હતો એવા માં ભુપેન્દ્ર ખાંટનું થોડા દિવસો અગાઉ જ માંદગીના કારણે અવસાન થતાં આ બેઠક પર ફરીથી પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 

પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને કવાયત તેજ બની હતી. અનેક દાવેદારો વચ્ચે હવે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. ભાજપમાંથી નિમિષાબેન સુથારની પસંદગી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશભાઈ કટારાની પસંદગી કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post