• Home
  • News
  • રાજ્યમાં સતત સાતમા દિવસે માવઠાં રૂપી આફત:અમરેલીમાં ભરઉનાળે નદીઓ વહી, અંબાજીના રોડ-રસ્તા પર પાણી ફર્યાં, કચ્છમાં પણ કમોસમી વરસાદ
post

યાત્રાધામ અંબાજીમાં ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે. અંબાજી સહિત પાંસા, દાંતા, રીંછડીમાં વરસાદ વરસ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:30:25

અમરેલી: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

અમરેલીના અનેક વિસ્તારમાં માવઠું
ગુજરાતમાં માવઠાંની આગાહી વચ્ચે છેલ્લા સાત દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સાવરકુંડલા, રાજુલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આદસંગ, ઘનશ્યામનગર, ખોડિયાણા સહિતનાં ગામડાંમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં ભરઉનાળે આદસંગ ગામ પાસે આવેલી શિર નદીમાં પૂર આવ્યું હતું.

ભારે ઉકળાટ બાદ બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં ઠંડક પ્રસરી હતી. જોકે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પાલનપુર ઉપરાંત વડગામ, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે.

યાત્રાધામ અંબાજીમાં ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે. અંબાજી સહિત પાંસા, દાંતા, રીંછડીમાં વરસાદ વરસ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લગભગ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી જ પાણી વહી રહ્યાં છે. અંબાજીમાં ગટરો ઊભરાઈ એનાં પાણી બજારમાં ફરતાં થયાં છે. હાઇવે પર વરસાદને લીધે વાહનચાલકોને તકલીફ પડી રહી છે.

ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકામાં વરસાદ
કચ્છમાં સતત એક સપ્તાહથી શરૂ થયેલો કમોસમી વરસાદ આજદિન સુધી યથાવત્ રહ્યો છે. જિલ્લામાં આજે મંગળવારે અનેક સ્થળે માવઠું થતાં માર્ગો પર પાણી વહેતાં નજરે પડી રહ્યાં છે. આજે બપોરે ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ભુજ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સામાન્ય ઝાપટું પડતાં જમીન ભીની થઇ હતી. સતત પવન સાથે ગાજવીજ ચાલુ રહી છે તેમ છતાં માહોલમાં ઉકળાટ યથાવત્ વર્તાઈ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post