• Home
  • News
  • દિવ્ય દરબાર ફરી વિવાદમાં:બાગેશ્વરબાબાને ત્રિપાંખ સાધુ સમાજનું ખુલ્લું સમર્થન, વિજ્ઞાન જાથાએ કહ્યું: 'અંધશ્રદ્ધા ફેલાવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR દાખલ કરો'
post

હાલ વિજ્ઞાન જાથાએ બાબા બાગેશ્વરના દરબાર મુદ્દે વિરોધ કર્યો હતો અને તેમની સભામાં પોતાના 50 માણસો રાખી બાબા તે તમામને ઓળખી બતાવે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 18:58:16

ગુજરાતમાં બાગેશ્વરબાબાનો દિવ્ય દરબાર વિવાદનો મધપૂડો બની ગયો હોય એમ દૈનિક કોઈ ને કોઈ નિવેદન સામે આવી રહ્યાં છે. હાલ રાજકોટ ખાતે ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા બાગેશ્વરબાબાના દિવ્ય દરબારને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તો વિજ્ઞાન જાથાએ બાબા અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આરોપ લગાવી તેમના વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી છે. નોંધનીય છે કે તારીખ 28મી મેના રોજ પૂર્વ IPS ડી.જી. વણઝારાના નેતૃત્વ હેઠળ ગુરુ વંદના મંચ દ્વારા ગાંધીનગર ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક દિવસનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો
રાજકોટના રેસકોર્સમાં આગામી 1-2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ઉર્ફે બાગેશ્વરબાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ કાર્યક્રમને લઈને ક્યાંક સમર્થન અને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. એમાં આજ રોજ ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા બાગેશ્વરબાબાના દરબારને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને તેઓ સનાતન ધર્મના પ્રેરક હોવાનું ગણાવી લોકોને આ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી હતી.

 

ત્રિપાંખ સાધુ સમાજનો ખુલ્લો ટેકો
આજે સાધુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બાગેશ્વર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ તકે સાધુ સમાજના આગેવાન હસુગિરિબાપુએ જણાવ્યું હતું કે દશનામ સાધુ સમાજ, અતીત રામાનંદી સમાજ અને માર્ગી સાધુ સમાજ એમ ત્રણેય મળી ત્રિપાંખ સાધુ સમાજનું ધીરેન્દ્ર શાસ્ત્રીને સંપૂર્ણ સમર્થન છે. બાગેશ્વરબાબા સનાતન ધર્મનો પ્રચાર કરતા હોવાથી સાધુ સમાજ દ્વારા તેમને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જરૂરી મદદ પણ ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ તેમણે સનાતન ધર્મપ્રેમી વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરી હતી.

FIR દાખલ કરવાની વિજ્ઞાન જાથાની માગ
બીજી તરફ, આ અંગે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વિરોધ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુ ધર્મને અમે પણ માનીએ છીએ, પરંતુ બાબા દ્વારા રોગીઓને સાજા કરવા, લોકોના મનની વાત જાણવા સહિતના દાવાઓ કરવા જેવી અંધશ્રદ્ધા સામે અમારો સ્પષ્ટ વિરોધ છે. આવું કરી તેઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમજ હજુ સંસદમાં પણ હિંદુ રાષ્ટ્રના મુદ્દે કોઈ કાર્યવાહી થઈ ન હોવા છતાં તેઓ હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી વાતાવરણ ડામાડોળ કરે છે. આવી તમામ બાબતો સામે અમને વાંધો છે અને તેમની સામે FIR દાખલ કરવામાં આવે એવી પણ અમારી માગ છે.

50 માણસો રાખી સાબિત કરી બતાવે
હાલ વિજ્ઞાન જાથાએ બાબા બાગેશ્વરના દરબાર મુદ્દે વિરોધ કર્યો હતો અને તેમની સભામાં પોતાના 50 માણસો રાખી બાબા તે તમામને ઓળખી બતાવે, સાથે જ તેમના પાનકાર્ડ નંબર તેમજ તેમના ખિસ્સામાં રહેલી નોટોના નંબર જાહેર કરીને એની સત્યતા સાબિત કરે એવી માગ કરી હતી. આ માગ પણ આજે જયંત પંડ્યાએ દોહરાવી હતી. બાગેશ્વરબાબાના કાર્યક્રમ સમયે ધરણાં કરવા માટેની મંજૂરી પણ માગશે એવો દાવો તેમણે કર્યો હતો. જોકે આ પહેલાં સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયા દ્વારા પણ બાબાનો વિરોધ કરાયો હતો અને બાદમાં સમાધાનકારી વલણ અપનાવાયું હતું. ત્યારે જાથાનો વિરોધ ક્યાં સુધી ચાલશે એ તો આવનારો સમય જ બતાવશે.

વણઝારાના નેતૃત્વમાં બાગેશ્વર ધામ કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબાર યોજાવાનો છે. એક દિવસ પહેલાં 28મી મેના રોજ પૂર્વ IPS ડી.જી.વણઝારાના નેતૃત્વ હેઠળ ગુરુ વંદના મંચ દ્વારા ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો એક દિવસના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ રાષ્ટ્રનું જે આહવાન કરવામાં આવ્યું છે એને સાથ અને સહકાર આપવા માટે રાજ્યના પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો સહિતના તમામ હજારોની સંખ્યામાં સાધુ-સંતો આ દિવ્ય દરબારમાં હાજર રહેશે.

28 મેએ એક દિવસીય દિવ્ય દરબાર
28 મેએ સાંજે સાડાપાંચ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો આ દિવ્ય દરબારનો એક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સાધુ-સંતો સહિત 15000 જેટલા લોકો ઉપસ્થિત રહે એવી શક્યતા છે. પૂર્વ આઇપીએસ ડીજી વણઝારાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુરુ વંદના મંચ હેઠળ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો એક દિવસનો દિવ્ય દરબાર ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં 28 મેના રોજ સાંજે સાડાપાંચ વાગ્યે યોજાશે. આ દિવ્ય દરબારમાં ગુરુ વંદના મંચ સાથે જોડાયેલા રાજ્યના વિવિધ સાધુ-સંતો હાજર રહેશે.


15 હજાર લોકો આવે એવી વ્યવસ્થા કરાઈ
હજારોની સંખ્યામાં સાધુ-સંતોની હાજરીમાં આ દિવ્ય દરબાર યોજાવાનો છે. રાઘવ ફાર્મમાં 5,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે અને એ ઉપરાંત બાજુમાં બે મેદાન આવેલાં છે. એમાં પણ બીજા 10,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા એમ મળી કુલ 15 હજાર જેટલા લોકો આ દિવ્ય દરબારમાં આવી શકે એવું આયોજન કરાયું છે. આ દિવ્ય દરબારમાં રાજ્યના પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો અને સાધુ-સંતોની કેટેગરીમાં આવતા તમામ લોકો હાજર રહેશે. રાજકીય નેતાઓને પણ આ દિવ્ય દરબારમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. સલામતી માટેનાં પણ તમામ પગલાં લેવામાં આવ્યાં છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત તેમના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો પણ હાજર રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post