• Home
  • News
  • ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી:રાજ્યમાં ગરબા પહેલાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાઈ જશે, સપ્ટેમ્બરથી હર્ડ ઇમ્યુનિટી આવશે
post

ગુજરાતના આરોગ્ય વિભાગનો દૈનિક 2.50 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-01 12:17:29

આજથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ, ગુજરાતની હાલની 6.48 કરોડની વસતિના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે.

ગુજરાતમાં વેક્સિનેશનની ડ્રાઈવ કેવી રીતે કામ કરશે?
ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઈવ અંગે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે.'' આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત સાચી માનીએ તો ગુજરાતમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે, જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 29 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિ 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અપાઈ ચૂકી હશે.

જૂન સુધીમાં 62.5 ટકા લોકોને વેક્સિન મળી જશે
આરોગ્ય વિભાગના ટાર્ગેટ મુજબ, 2.50 લાખ લોકોને દૈનિક રસી આપવામાં આવી તો એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાના અંતે વધુ 2.25 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. માર્ચના અંત સુધીમાં 54.67 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. આમ, જૂનના અંત સુધીમાં કુલ 2.80 કરોડો લોકો રસી મળી ચૂકી છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 62.5 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિના 43 ટકા થશે.

નવરાત્રિ પહેલાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન અપાઈ જશે
જો લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલ્યો તો સાડાપાંચ મહિનાના અંતમાં એટલે કે 7 સપ્ટેમ્બર સુધીમાં એટલે નવરાત્રિના તહેવાર પહેલાં ગુજરાતના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ 4.48 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. જ્યારે ગુજરાતની કુલ વસતિ 6.48 કરોડ પ્રમાણે ગણીએ તો અંદાજે 70 ટકા વસતિ વેક્સિનેટેડ થઈ ચૂકી હશે.

ગુજરાતમાં સપ્ટેમ્બરથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે
અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશના ડેટા પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.

હાલ રાજ્યમાં 25 લાખનો ડોઝ ઉપલબ્ધ
આરોગ્ય વિભાગ પાસે કોવિશીલ્ડ કોરોના વેક્સિનનો 25 લાખ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની જરૂરિયાત અને માગ મુજબનો જથ્થો પૂરો પાડવાની કેન્દ્ર સરકારે ખાતરી આપેલી છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં રાજ્યમાં દૈનિક 1.5 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે. હવે ચોથા તબક્કામાં દૈનિક 2 લાખ ડોઝ આપવાની તૈયારી છે. એપ્રિલ મહિનો વેક્સિનેશનનું પ્રમાણ વધારવામાં નિર્ણાયક બનવાનો છે.

ગુજરાતમાં હવે PMના ખાસ કૈલાસનાથન સંભાળશે વેક્સિનેશનની કામગીરી
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

આજથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ
સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો,. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, આવતીકાલથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post