• Home
  • News
  • ઉત્તરાયણમાં 'ડબલ એન્જિન' ઊડશે:પતંગબજારમાં પણ મોદી મેજિક, '156 બેઠક'ના લખાણવાળી પતંગ હોટ ફેવરિટ, ભાવમાં 20-25% વધારો
post

વિધાનસભામાં 156 બેઠક સાથે ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણી ધરાતલ પર સંપન્ન થઇ ગઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 18:25:47

રાજકોટ: બાળકો અને યુવાનોમાં સૌથી લોકપ્રિય તહેવાર એવા ઉત્તરાયણને એક મહિનાની વાર છે, પરંતુ રાજકોટમાં પતંગરસિકો તેમની મનપસંદ દોરી અને પતંગની ખરીદી માટે અત્યારથી જ બજારમાં ઊમટી રહ્યા છે. દર વર્ષે પતંગ પર ફિલ્મી હીરો, હિરોઇન, ક્રિકેટર્સ કે રાજનેતાની તસવીરવાળી પતંગ વધુ વેચાતી, પરંતુ આ વખતે પતંગબજારમાં 'નમો' બ્રાન્ડ છવાઈ ગઈ છે. જ્યાં ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતાં 'ડબલ એન્જિન' અને '156 બેઠક છવાશે'ના લખાણવાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પ્રધાનમંત્રી મોદી હવે પતંગોમાં પણ છવાઈ ગયા છે.

કાગળ-કપાસના ભાવ વધ્યા
આ અંગે રાજકોટની સદર બજાર ખાતેથી હોલસેલ વેપારી જયેશભાઈ વૈદ્ય કહે છે, મકરસંક્રાંતિને એક મહિના પહેલાં બજારમાં ચહલ-પહલ શરૂ થઈ જતી હોય છે. કાગળ-કપાસમાં ભાવવધારો થતાં દોરા અને પતંગના ભાવમાં 20-25% વધારો નોંધાયો છે. આ વખતે ભાજપનો ભવ્ય વિજય થયો હોવાથી વડાપ્રધાન મોદી અને ડબલ એન્જિનની સરકાર સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. લોકોમાં મોદીની પતંગોની ભારે માગ જોવા મળી રહી છે. જોકે બાળકોમાં કાર્ટૂન કેરેક્ટરની પતંગોની માગ યથાવત્ છે, પરંતુ મોટેરાઓ મોદી અને ભાજપ પર પસંદગી ઉતારી રહ્યા હોવાથી ઉત્તરાયણ મોદીમય બની રહેશે.

મોદીના ફોટાવાળી પતંગોની જબ્બર ડિમાન્ડ
વિધાનસભામાં 156 બેઠક સાથે ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણી ધરાતલ પર સંપન્ન થઇ ગઇ છે, પણ હવે આસમાનમાં પણ આ ભવ્ય જીતની ઉજવણી થવા જઇ રહી છે. સુરતમાં વડાપ્રધાન મોદીના ફોટાવાળી પતંગોનું દિવસ અને રાત ઉત્પાદન થઇ રહ્યું છે, જ્યાંથી રાજકોટની સદર બજાર સ્થિત હોલસેલ રિટેલ માર્કેટમાં આ પતંગો આવી પહોંચી છે, જેની જબ્બર ડિમાન્ડ હોવાનું હાલ હોલસેલ વિક્રેતાઓ જણાવી રહ્યા છે.

એકે-56 બ્રાન્ડ સૌથી વધારે લોકપ્રિય
આ ઉપરાંત મોદીની 56ની છાતી હોવાનું કહેવાય છે. એ કારણે માંજા રીલમાં એકે-56 બ્રાન્ડ સૌથી વધારે લોકપ્રિય બની છે. ત્યારે એકે-56ની સંગતમાં મોદીના ફોટાવાળી પતંગોના પેચ લગાવવા હાલ પતંગબાજો થનગની રહ્યા છે. જોકે મોદી સાથે મોદીના ફોટાવાળી પતંગોના પેચ આસમાનમાં જ લાગશે. કારણ ધરતી ઉપર મોદી સામે બાથ ભીડવાવાળાની પતંગો તો ચગ્યા પહેલાં જ કપાઈ ગઈ છે. ત્યારે મકરસંક્રાંતિ મોદીમય બની જશે એ કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નથી.

રાજકોટ પતંગ ફીવરમાં જકડાઈ જાય છે
નોંધનીય છે કે ઉત્તરાયણમાં રાજકોટ પતંગ ફીવરમાં જકડાઈ જાય છે. મકરસંક્રાંતિના આગલા દિવસે ગજબનાક ઉત્તેજનાનો માહોલ છવાયેલો હોય છે. પતંગબજારમાં પરિવર્તિત થઇ ગયેલી સદર બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. સવારથી જ હજારો લોકો સદર બજારમાં ઊમટી પડે છે. સાંજ પડ્યે તો એટલી ભીડ થઇ ગઇ હતી કે એ બન્ને રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવા પડે છે.

બે વર્ષ પછી રાજ્યમાં પહેલીવાર પતંગોત્સવ
નોંધનીય છે કે ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. રાજ્યમાં તારીખ 8 જાન્યુઆરી, 2023થી 14 જાન્યુઆરી, 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોર્મન્સ કરશે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે એની વર્કશોપ પણ રાખવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઊભા કરશે.

G-20 અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ઉત્સવ યોજાશે
કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠક વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં એના કેટલાક અંશો જોવા મળશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજન
અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઊજવાશે. વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે. આ વર્ષે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

65 દેશના પતંગબાજો પતંગ ઉડાવશે
તાજેતરમાં જ પ્રવાસન વિભાગની બેઠક મળી હતી. આ બેઠકની અંદર પતંગોત્સવ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ વર્ષે યોજાનારા પતંગ ઉત્સવમાં વિશ્વના 65 દેશને આમંત્રણ આપવામાં આવશે. વિદેશથી આવનારા પતંગબાજો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવનારા પતંગરસિયા અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉત્સવમાં ભાગ લેશે, એમ પ્રવાસન વિભાગના સત્તાવાર લોકોએ જણાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post