• Home
  • News
  • ORSના જનક ડૉ. દિલીપ મહાલનોબિસનું નિધન, બાંગ્લાદેશ યુદ્ધમાં અનેક લોકોના જીવ બચાવ્યા હતા
post

ORS એક મહાન શોધ હતી અને તેના માટે ડૉ. મહાલનોબિસનું યોગદાન અભૂતપૂર્વ છે- શાંતા દત્ત

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 18:43:10

કોલકાતા: ફેમસ બાળ ચિકિત્સક અને ORSના જનક ડૉ. દિલીપ મહાલનોબિસનું 88 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તબિયત લથડતા લાંબા સમયથી તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. દિલીપ મહાલનોબિસને બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન લાઈફ સેવિંગ સોલ્યૂશનને વિકસિત કરવા અને ઓરલ રિહાઈડ્રેશન થેરાપીને પ્રચલિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

મુખ્યત્વે બાળ રોગ ચિકિત્સક તરીકે પ્રશિક્ષિત ડૉ. મહાલનોબિસે 1966માં જાહેર આરોગ્યમાં પગ મુકતાની સાથે ORT પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ડૉક્ટર ડેવિટ આર. નલિન અને રિચર્ડ એ. કૈશ સાથે કોલકાતાના જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ઈન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિસિન રિસર્ચ એન્ડ ટ્રેનિંગમાં તેના વિશે સંશોધન કર્યું હતું. 

મૃત્યુદર ઘટાડવામાં ORS અસરકારક 

આ ટીમે ORS બનાવ્યુ જેની અસરકારકતા વર્ષ 1971ના યુદ્ધ સુધી માત્ર નિયંત્રિત પરિસ્થિતિઓમાં જ ચકાસવામાં આવી હતી. ICMR-NICEના ડાયરેક્ટર શાંતા દત્તે જણાવ્યું હતું કે, 'ORS એક મહાન શોધ હતી અને તેના માટે ડૉ. મહાલનોબિસનું યોગદાન અભૂતપૂર્વ છે. બાંગ્લાદેશમાં મુક્તિ સંગ્રામ દરમિયાન કોલેરાથી સંક્રમિત દર્દીઓના મૃત્યુદરને ઘટાડવામાં અસરકારક સાબિત થયા બાદ તેને વૈશ્વિક રીતે સ્વીકૃતિ મળી હતી.

શરણાર્થી શિબિરમાં ફેલાઈ ગયો હતો કોલેરા

યુદ્ધના કારણે લગભગ 1 કરોડ લોકો પોતાનો જીવ બચાવીને બંગાળના સરહદી જિલ્લાઓમાં ભાગી ગયા હતા. તે સમયે બોનગાવમાં સ્થિત શરણાર્થી શિબિર (રેફ્યુજી કેમ્પ) માં કોલેરાનો રોગચાળો ફેલાઈ ગયો હતો અને અંતઃસ્ત્રાવી પ્રવાહીનો સ્ટોક પણ ખતમ થઈ ગયો ગતો. ત્યારબાદ ડૉ. મહાલનોબિસે કેમ્પમાં ORS મોકલ્યું હતું. ORSના કારણે રેફ્યુજી કેમ્પમાં દર્દીઓનો મૃત્યુદર 30 ટકાથી ઘટીને 3 ટકા થઈ ગયો હતો.  

20મી સદીની મહાન શોધ

મેડિસિનમાં ORSને 20મી સદીની મહાન શોધ કહેવામાં આવે છે. ડૉ. મહાલનોબિસને વર્ષ 2002માં કોલંબિયા એન્ડ કોર્નેલ યુનિવર્સિટીમાં પોલિન પુરસ્કાર અને વર્ષ 2006માં થાઈલેન્ડ સરકાર દ્વારા પ્રિન્સ મહિડોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડૉ. મહાલનોબિસે તેમની એક કરોડની બચત કોલકાતા સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થને દાનમાં આપી હતી. અહીંથી જ તેમણે બાળરોગ નિષ્ણાત તરીકેની સફર શરૂ કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post