• Home
  • News
  • ગુજરાતમાં 'નશાનું વાવેતર':બાયડમાં 11 ખેતરમાંથી રૂ. 2.27 કરોડના ગાંજાનું વાવેતર પકડાયું; બે હજાર કિલોથી વધારે ગાંજાના છોડ મળી આવ્યા
post

SOG, LCB અને બાયડ પોલીસનું સંયુક્ત મેઘા સર્ચ ઓપરેશન

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:58:03

ખેડા, મહીસાગર અને અરવલ્લી એમ કુલ ત્રણ જિલ્લાની સરહદે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા વાઘવલ્લા ગામેથી મોટા પાયે નશાનો કારોબાર ઝડપાયો છે. પોલીસે બાયડના વાઘવલ્લા ગામેથી 11 ખેતરોમાંથી રૂ. 2.27 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી આ પહેલી ઘટના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

11 ખેતરમાંથી 2272.236 કિલો ગાંજાના છોડ ઝડપાયા
ખાનગી બાતમીને આધારે બાયડ પીએસઆઈ દેસાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ અને અરવલ્લી જિલ્લા એલ સી બી તેમજ જિલ્લા એસઓજી ટીમ સહિત પચાસથી વધુ પોલિસ કર્મચારીઓ દ્વારા મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તુવેર અને કપાસની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર થયેલું જાણવા મળતાં ડ્રોન દ્વારા સર્ચ કરતાં ગામમાંથી કુલ 11 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ મેઘા સર્ચ ઓપરેશનમાં જિલ્લા તેમજ અન્ય પોલિસ સહિત ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓની ટીમ દ્વારા બે દિવસ સુધી ગામમાં સતત વોચ રાખી તેમજ ડ્રોન દ્વારા પરીક્ષણ કરતાં 11 ખેતરોમાંથી 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડનું વાવેતર થયેલું ઝડપાયું હતું.

બેની ધરપકડ, સાત હજુ પોલીસ પકડથી દૂર
બાયડના વાઘવલ્લા ગામે વિવિધ ખેતરમાં વાવેલા લીલા ગાંજાના છોડને ઉપાડવા કુલ ચાલીસથી વધુ મજૂરોની મદદ લઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વધુમાં જે તે ખેતરની માલિકી જાણવા માટે રેવન્યુ વિભાગમાંથી તલાટીને પણ ગામમાં બોલાવી મદદ લેવાઈ હતી. જેમાં વાઘવલ્લા ગામે કુલ 8 ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ગાંજાની ખેતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેના અનુસંધાને કાયદા વિરુદ્ધ ગાંજાની ખેતી કરનારા 8 લોકો સામે નાર્કો એક્ટ હેઠળ બાયડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત ગાંજાની ખેતી માટે બિયારણ આપનારા એક મહારાજ સામે પણ તહોમતદાર તરીકે ગુનો દાખલ કરાયો છે, જેનું નામ જાણવા મળ્યું નથી. ત્યારે ગાંજાની ખેતી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય 6 લોકો અને ગાંજાનું બિયારણ આપનારો મહારાજ પોલીસ પકડથી દૂર છે.

કુલ રૂ. 2.27 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
વાઘવલ્લા ગામેથી બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે કુલ 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપ્યા હતા, જેની બજાર કિંમત કુલ રૂપિયા 2 કરોડ 27 લાખ 22 હજાર 360 છે. જે મુદ્દામાલ જપ્ત કરી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, આ સમગ્ર પ્રક્રિયા 24 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

SOG, LCB અને બાયડ પોલીસનું સંયુક્ત મેઘા સર્ચ ઓપરેશન
આ અંગે નાયબ પોલીસ અધિક્ષકે વાઘવલ્લા ગામે ગેરકાયદેસર રૂ. 2 કરોડ 27 લાખ 22 હજાર 360 કરોડના ગાંજાનું વાવેતર ઝડપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરીએ બાયડના વાઘવલ્લા ગામેથી SOG, LCB અને બાયડ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન 11 ખેતરમાંથી ગેરકાયદેસર રૂ. 2.27 કરોડના ગાંજાના વાવેતરનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જો કે સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી આ પહેલી ઘટના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post