• Home
  • News
  • કપરાડામાં કોઝવેના અભાવે સ્થાનિકોના જીવ જોખમમાં, ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બાળકોને ખભે ઉચકીને લઈ જવા મજબૂર
post

અનેક વખત રજૂઆત કરી પણ સમસ્યા ઠેરની ઠેર

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 20:15:40

અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના કામોની ઝંખના કરતા વિસ્તારોમાં હજુ પણ ચોમાસામાં લોકો ખાડીના ધસમસતા પાણીના વહેણમાં જીવના જોખમે અવરજવર કરવા મજબુર બન્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ કોઝવે ન બનતા સ્થાનિકોને ચોમાસામાં ખુબ મુશ્કેલી પડે છે. કપરાડાના ધામણ વેગણ ગામમાં કોઝવેના અભાવે લોકો ચેકડેમ ઉપરથી જીવના જોખમે પસાર થાય છે. વિદ્યાર્થીઓને શાળાએ મુકવા માટે પણ વાલીઓએ ખભે ઉચકીને લઈ જવા પડે છે. ત્યારે જો એક પણ વ્યક્તિનો પગ લપસે તો જીવ પણ જોખમ આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

ચેકડેમ ઉપરથી પસાર ન થાય તો 25 કિમીનો ચકરાવો ખાવો પડે
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા કપરાડા તાલુકા ખાતે લોકો હજુ પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે. ધામણ વેગણ ગામ ખાતે કોઝવેના અભાવે સ્થાનિકો ઉબળા હનવતની ખાડી ઉપર બનાવવામાં આવેલા ચેકડેમ ઉપરથી પસાર થઈ રહ્યા છે. દર વર્ષે વરસાદ પડતાંની સાથે ગામમાં આવેલ ઉબળા હનવત ખાડીના ચેકડેમ ઉપર પાણી ફરી વળે છે, ત્યારે ગામના લોકોએ કોઈ પણ કામ અર્થે જવું હોય તો આ ચેકડેમ ઉપરથી પસાર થવું પડે છે નહી તો પછી 25 કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે.

વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જાય છે
ધામણ વેગણ ગામ ખાતે રહેતા વિદ્યાર્થીઓએ શાળા કે કોલેજમાં જવા માટે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના બાળકોને વાલીઓ દ્વારા જીવના જોખમે શાળામાં પહોંચાડવામાં આવે છે, જો વાલીનો પગ લપસી પડે તો વાલી અને વિદ્યાર્થી બંને નદીના પ્રવાહમાં તણાય જવાની ભીતિ ગ્રામજનો સતાવી રહ્યા છે. ઘણી વખત તાલુકા કક્ષાએ અને સિંચાઈ વિભાગમાં કોઝવે બનાવવા માંગણી કરવામાં આવી હતી, પરંતું અધિકારીઓ ગામના અગ્રણીઓને ધારસભ્યનો ભલામણ પત્ર કે જિલ્લા પંચાયતના સભ્યનો ભલામણ પત્ર માંગી અગ્રણીઓની વાતને ઉડાવી દેતા હોવાના પણ આક્ષેપ થયા છે. સ્થાનિક અગ્રણીઓએ પણ જિલ્લા કક્ષાએ કે તેની ઉપર કોઈપણ રજૂઆત કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.

અનેક વખત રજૂઆત કરી પણ સમસ્યા ઠેરની ઠેર
આ અંગે સરપંચ રમેશ કડુએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી આ સમસ્યા છે. બાળકોને સ્કૂલ અને કોલેજમાં જવા માટે આ જ રસ્તેથી થઈને નીકળવું પડે છે. ચોમાસામાં વિદ્યાર્થીઓને ખુબ મુશ્કેલી પડે છે. તેઓનો અભ્યાસ પણ અટકી જાય છે. આજુબાજુના 5 ગામોના પાણી આ નદીમાં આવે છે. અમે 4થી 5 વર્ષથી બ્રીજ બનાવવાની માગ કરી છે. સિંચાઈ ઓફિસમાં આ અંગે રજૂઆત કરી છે પણ તેઓ એમ જ કહે છે કે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભ્યનો ભલામણ પત્ર લઈ આવો તો જ તમારો પ્રોજેક્ટ પાસ થશે.

સ્થાનિકોમાં ભારે આક્રોશ
ચેકડેમ ઉપર ધસમસતા પાણીના પ્રવાહમાંથી ઉતરીને જતાં માસૂમ બાળકો અને વડીલો, ખેતી કામ કરતા મજૂરો દર વર્ષે ચોમાસાની સીઝનમાં આ પ્રમાણે જ જઈ રહ્યા છે. સ્થાનિકોમાં જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં જો કોઝવે બનાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post