• Home
  • News
  • ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું:ધો.10-12, ITI, ડિપ્લોમાની કોઈપણ માર્કશીટ માત્ર રૂ.1500માં, એડિટિંગ કરી વિદ્યાર્થીઓને પધરાવતા, નકલી ડોક્યુમેન્ટના દમ પર નોકરીઓ મળી
post

માર્કશીટ બનાવવા હાઇ ગ્લોસી ફોટો પેપરનો ઉપયોગ કરતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-15 20:29:04

મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની માર્કશીટો સ્ટોરી કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે. આ યુવકોએ 2 માસમાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

અગાઉ એક વીડિયો પણ વાઇરલ થયો હતો
એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે બે યુવકો નકલી માર્કશીટ બનાવી રહ્યા છે અને સામે કેટલાક યુવકો ઊભા છે. તેમના માટે જ નકલી માર્કશીટ બનાવી રહ્યા હોવાની પણ શક્યતા છે. યુવક વીડિયોમાં 'હું જ પ્રિન્સિપાલ, હું જ ટીચર' છું', એમ કહીને વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી વેચતો હતો. હાલ તો આ વીડિયોએ પણ ચર્ચા જગાવી છે. ધોરણ 10 હોય કે ડિપ્લોમા હોય, તમામની માર્કશીટ મિનિટોમાં તૈયાર કરી આપતો હતો. તેઓ ખુલ્લેઆમ આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. તેઓ LC પણ કાઢી આપતા હતા.

 

ભાડે દુકાન રાખી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો નકલી માર્કશીટ બનાવવાનું કામ કરતા હોવાની મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. એ આધારે પોલીસે દુકાનમાં ઘૂસી દરોડા પાડયા હતા. દુકાનમાં તપાસ દરમિયાન કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાની સામે આવ્યું છે. પોલીસે રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

મૂળ ચાણસ્મા તાલુકાનો યુવક નકલી માર્કશીટ બનાવતો
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનો અને હાલ શંખલપુર ખાતે રહેતો 23 વર્ષીય કુલદીપ કુમાર પરમાર બેચરાજીમાં ડેપો પાસે આવેલા અદિત્ય કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને અંબિકા ઝેરોક્સ નામની દુકાન ચલાવતો હતો. કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો.

2 માસમાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી
સમગ્ર મામલે પોલીસ-તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલદીપે બે માસમાં 50 વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. જોકે રેડ દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.

માર્કશીટ બનાવવા હાઇ ગ્લોસી ફોટો પેપરનો ઉપયોગ કરતા
સમગ્ર કૌભાંડમાં કુલદીપની ઓફિસમાં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ અને માર્કશીટ મળ્યાં હતાં. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતનાં સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કેટલાક વિદ્યાર્થીઓ નોકરીમાં પણ લાગી ગયા
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પૂરતો અભ્યાસ ના કર્યો હોય અને પ્રામાણિકતા ન ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓને કુલદીપે નકલી માર્કશીટ અને સર્ટિફિકટ બનાવી આપ્યા હતા. એમાં કેટલાક વિદ્યાર્થીઓ આજ માર્કશીટના આધારે બેચરાજી ખાતે આવેલી નામાંકિત કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગુનો દાખલ કર્યો
સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેચરાજી પોલીસમાં કુલદીપ સામે નકલી માર્કશીટ બનાવવાના કેસમાં કલમ 465,468,471,114 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post