• Home
  • News
  • મે મહિના દરમિયાન ગુજરાતમાં વાહનોનું રજીસ્ટ્રેશન 97.12% ઘટ્યું, માત્ર 3,724 વાહનોની નોંધણી થઇ
post

મે 2019માં ગુજરાતમાં 1.29 લાખ નવા વાહનોની નોંધણી થઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 11:30:52

અમદાવાદ: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાગેલા લોકડાઉનથી વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. તેની સીધી જ અસર વાહનોની નોંધણીમાં જોવા મળી છે. મે મહિનામાં ગુજરાતમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં 97.12%નો ઘટાડો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને (FADA) આજે વાહનોની નોંધણીના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ ગુજરાતમાં મે 2019માં 1,29,308 વ્હીકલ્સ નોંધાયા હતા, તેની સામે મે 2020માં રાજ્યમાં માત્ર 3,724 વાહનોની નોંધણી થઇ છે. આ બતાવે છે કે, ગુજરાતમાં વાહનોનું વેચાણ ઘણું નબળું છે.

એસોસિએશનના આંકડા મુજબ આ સમયગાળામાં રાષ્ટ્રિય સ્તરે વાહનોની નોંધણીમાં 88.87%નો ઘટાડો થયો છે. સમગ્ર દેશમાં મે દરમિયાન 2.02 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જે ગત વર્ષે સમાન ગાળામાં 18.21 લાખ વાહનોની નોંધણી થઇ હતી.

મે મહિનામાં માત્ર 3 રીક્ષાઓની નોંધણી થઇ
FADA
ના આંકડા બતાવે છે કે, ગુજરાતમાં મે 2020માં માત્ર 3 રિક્ષાઓનું રજીસ્ટ્રેશન થયું છે. ગત વર્ષે 6,033 થ્રી વ્હીલર્સ નોંધાયા હતા. એટલે કે, તેની નોંધણીમાં આ વર્ષે 99.95%નો ઘટાડો થયો છે. આ સિવાય ટ્રેકટરની નોંધણી 97.97%, ટુ વ્હીલરમાં 97.03%, પેસેન્જર વ્હીકલમાં 96.53% અને કોમર્શિયલ વાહનોની નોંધણીમાં 97.90%નો ઘટાડો થયો છે. આ અંગે FADAના પ્રમુખ આશિષ કાલેએ જણાવ્યું કે, મે મહિનામાં લોકડાઉનના નિયમો હળવા થયા હતા તેમ છતાં મોટાભાગના ડીલરોએ પોતાના શોરૂમ્સ ખોલ્યા ન હતા. આ ઉપરાંત વાહનોની નવી ખરીદીમાં માગ પણ ઘણી ઓછી છે જેના કારણે રજીસ્ટ્રેશનમાં આટલો મોટો ઘટાડો થયો છે.

મે મહિનામાં થયેલી વાહનોની નોંધણી

કેટેગરી

2020

2019

ઘટાડો (%)

2 વ્હીલર

2,793

93,966

-97.03

3 વ્હીલર

3

6,033

-99.95

કોમર્શિયલ વ્હીકલ

116

5,522

-97.90

પેસેન્જર વ્હીકલ

790

22,735

-96.53

ટ્રેકટર

22

1,052

-97.91

કુલ

3724

1,29,308

-97.12

જુનમાં પણ સુધારાની અપેક્ષા ઓછી
આશિષ કાલેએ જણાવ્યું કે, જૂનના પ્રથમ 10 દિવસ મોટાભાગની ડીલરશીપ ખુલી ગઈ છે પરંતુ વાહનોની ખરીદીમાં કોઈ ડિમાંડ નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોરોનાનો કોમ્યુનિટી સ્પ્રેડ ફરીથી સંપૂર્ણ લોકડાઉન આવવાના ભયને કારણે ગ્રાહકો ખરીદી દૂર ભાગી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જુન મહિનામાં પણ વાહનોની નોંધણી નીચી રહેવાની ધારણા છે.

ગુજરાતમાં મે 2019માં પણ નોંધણી ઘટી હતી
વર્ષ 2018માં વરસાદ ઓછો થવાના કારણે ખેતીવાડીને ઘણી અસર થઇ હતી જેના કારણે ગુજરાતમાં મે 2019માં નવા વાહનોની નોંધણી 16% જેટલી ઘટી હતી. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી ઘટી હતી. ગુજરાતના આંકડા જોઈએ તો મે 2018માં 1.45 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું તેની સામે 2019ના મેમાં 1.22 લાખ વાહનોની નોંધણી થઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post