• Home
  • News
  • એક્ઝામ:કોરોના કાળ વચ્ચે 90.35% વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપતા શિક્ષણ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો, આજથી ધો.10-12ની પૂરક પરીક્ષા લેવાશે
post

કોંગ્રેસ દ્વારા આગલી રાતે પરીક્ષા બંધ રાખવાનું દબાણ થયું, પણ સફળતાપૂર્વક પરીક્ષા સંપન્ન થઈ છે: શિક્ષણ મંત્રી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 11:32:47

રાજ્યમાં કોરોનાના રોજના 1200થી વધુ કેસ વચ્ચે ગઈકાલે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. પહેલું પેપર 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ રહી છે. કુલ 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં લેવાઈ હતી. કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ પરીક્ષામાં 90.35% વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જે બદલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ બોર્ડ, કલેક્ટર્સ તેમજ વાલીઓ-વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

નિર્વિઘ્નપણે પરીક્ષા પૂરી થઈ તે માટે તંત્રનો આભાર માનું છું: શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે આજરોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ ગઈ. 90.35% વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આવા સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ, કલેકટરો, શિક્ષણ વિભાગના ડીઈઓ અને ડીપીઈઓ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસના કારણે નિર્વિઘ્નપણે પરીક્ષા પૂરી થઈ તે માટે તંત્રનો આભાર માનું છું, તે પહેલા મારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માનવો છે. આવા સમયમાં પરીક્ષામાં 90% વિદ્યાર્થીઓ હાજર રહ્યાં, એનો સીધો અર્થ થાય છે કે, આજના વિદ્યાર્થીને તેના ભવિષ્યની ચિંતા છે. એને પરીક્ષાના કામને પોતાનું કામ ગણ્યું અને તૈયારી કરી. આટલો લાંબો સમય મળ્યો છતાં કોઈપણ કારણસર તૈયારી નહીં કરી શકેલા જૂજ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બંધ રાખવા માટે છેલ્લી ઘડી સુધી મારા પર સામાજિક અને રાજકીય દબાણ પણ આવ્યા. મેં વિચાર્યું કે અગાઉ પણ કોઇના કોઇ કારણસર બે વાર પરીક્ષા રદ રાખવી પડી છે, જેણે તૈયારી કરી છે અને જેને ભણીને કરિયર બનાવવું છે, એમના માટે પરીક્ષા બંધ રાખવી હિતાવહ નથી. કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે પરીક્ષાની આગલી રાતે બોર્ડના ચેરમેન ઉપર પરીક્ષા બંધ રાખવાનું દબાણ કર્યું, પણ સફળતાપૂર્વક પરીક્ષા સંપન્ન થઈ છે. હું પરમ કૃપાળુ પરમાત્માનો પણ આભાર માનું છું અને વિદ્યાર્થી દિકરા-દિકરીઓને અંતરના મનથી શુભેચ્છા પાઠવું છું.

કેવી રીતે લેવાઈ પરીક્ષા?
* ગુજરાતભરના કેન્દ્રોમાં સરકારની માર્ગ દર્શિકા મુજબ પરીક્ષા લેવામાં આવી

* પરીક્ષા પહેલા શાળાની બિલ્ડીંગને બે વખત સેનેટાઇઝ કરવામાં આવી

* એક બ્લોકમાં માત્ર 20 વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તેવું આયોજન

* પરિક્ષાર્થીઓને સ્કૂલ પ્રવેશ સમયે સેનેટાઇઝિંગ ટનલમાંથી પસાર થવું જરૂરી

* પરીક્ષા સમયે ડૉક્ટરની ટીમને પણ શાળામાં ઉપસ્થિત રાખવામાં આવી

* વિદ્યાર્થીઓએ પોતાના જવાબ OMR શીટમાં આપવાના રહેશે

* વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી હતી

તા. 25(આજે)થી 27 દરમિયાન ધો.10 અને 12ની પૂરક પરીક્ષા લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 25થી 27 દરમિયાન ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ધો. 10ની પરીક્ષામાં સવારના 10થી 1-15 અને બપોરના 3થી 6-15 કલાક દરમિયાન પેપર લેવાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.

સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ બોર્ડ જાહેર કરશે
આ ઉપરાંત દરેક સેન્ટરનાં બિલ્ડીંગને સેનેટાઈઝ કરાશે તેમજ દરેક બિલ્ડીંગમાં સેનેટાઈઝ મૂકાશે. ઉલ્લેખનીય છેકે, ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ આ વખતે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવામાં આવનાર હોય આ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ હવે પછી બોર્ડ જાહેર કરનાર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post