• Home
  • News
  • બુઝુર્ગ નેતા કોરાણે...યુવા નેતા છોડી રહ્યા છે સાથ, Congress માં કેવી રીતે આવશે 'અચ્છે દિન'
post

કોંગ્રેસનો જનાધાર સમેટાઈ રહ્યો છે. અને સંગઠન સાવ વેરવિખેર થઈ રહ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસમાં બુઝુર્ગ નેતા સાઈડલાઈન છે તો યુવા નેતા પોતાના રાજકીય ભવિષ્ય માટે ચિંતિંત છે. એવામાં રાહુલ ગાંધીના નજીકના યુવા નેતા પાર્ટીનો સાથ છોડીને બીજા પક્ષોના સાથ પસંદ કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-18 12:11:27

અમદાવાદ: કોંગ્રેસ (Congress) નો જનાધાર સમેટાઈ રહ્યો છે. અને સંગઠન સાવ વેરવિખેર થઈ રહ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસમાં બુઝુર્ગ નેતા સાઈડલાઈન છે તો યુવા નેતા પોતાના રાજકીય ભવિષ્ય માટે ચિંતિંત છે. એવામાં રાહુલ ગાંધીના નજીકના યુવા નેતા પાર્ટીનો સાથ છોડીને બીજા પક્ષોના સાથ પસંદ કરી રહ્યા છે. અશોક તંવર, જિતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પછી સુષ્મિતા દેવે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. એવામાં સવાલ થઈ રહ્યો છે કે કોંગ્રેસના અચ્છે દિન કેવી રીતે આવશે?

રાહુલ ગાંધીની નજીકના સુષ્મિતા દેવનું બાય-બાય
કોંગ્રેસને અલવિદા કહી ચૂકેલા સુષ્મિતા દેવ સોમવારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં જોડાઈ ગયા છે. અસમથી આવનારા અને મૂળ રીતે બંગાળી સુષ્મિતા દેવના પિતા સ્વર્ગીય સંતોષ મોહન દેવ પાંચ વખત સિલ્ચર બેઠક પરથી તો બે વખત ત્રિપુરા પશ્વિમ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. સુષ્મિતા દેવનું કોંગ્રેસ છોડવું રાહુલ ગાંધી માટે રાજકીય રીતે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સુષ્મિતાને રાહુલ ગાંધીની નજીકના માનવામાં આવતા હતા. રાહુલ ગાંધીએ તેમને મહિલા કોંગ્રેસની કમાન સોંપી હતી.

કયા-કયા નેતાઓએ કોંગ્રેસને કહ્યું અલવિદા
સુષ્મિતા દેવ પહેલાં અશોક તંવર, જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, રામ્યા અને ખુશબૂ સુંદરે કોંગ્રેસ છોડીને બીજા પક્ષનો સાથ પસંદ કર્યો છે. સિંધિયાએ 2020માં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડીને બીજેપીના કમળને પકડી લીધું હતું. જેના કારણે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકાર આવી. અને સિંધિયાને તેનું ઈનામ મળતં મોદી કેબિનેટમાં કેન્દ્રીય ઉડ્યન મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.

જિતિન પ્રસાદ-ખુશબૂ સુંદર-રામ્યાએ છોડ્યો સાથ
જિતિન પ્રસાદ હાલમાં જ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા છે. જિતિન યૂપીએ સરકારમાં મંત્રી હતા અને રાહુલ ગાંધીની નજીકના નેતા હતા. તેમના જવાથી કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. તેવી જ રીતે તમિલનાડુથી આવનારી ખુશબૂ સુંદરે પણ કોંગ્રેસનો સાથ છોડીને બીજેપીની સભ્યતા લઈ લીધી. દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યા કોંગ્રેસ સોશિયલ મીડિયાની ઈન્ચાર્જ રહી છે અને રાહુલ ગાંધીની નજીકની નેતાઓમાં ગણતરી થતી હતી.

પ્રિયંકા ચતુર્વેદી-અશોક તંવર પણ અલગ થયા
પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસની પ્રવક્તા હતી. અને રાહુલ ગાંધીની નજીકની નેતાઓમાં તેની ગણના થતી હતી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પ્રિયંકાએ કોંગ્રેસને અલવિદા કહીને શિવસેના પાર્ટી જોઈન કરી લીધી. શિવસેનાએ તેને રાજ્યસભાની સભ્ય બનાવી દીધી. તેવી જ રીતે હરિયાણાથી આવનારા અશોક તંવર પણ રાહુલની નજીકના નેતાઓમાં માનવામાં આવતા હતા. પરંતુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સાથે રાજકીય વર્ચસ્વની જંગમાં તેમણે પાર્ટીને અલવિદા કહી દીધું હતું.

હવે કોણ કોંગ્રેસને કહેશે બાય-બાય
કોંગ્રેસ છોડનારા યુવા નેતાઓમાં સુષ્મિતા દેવનું નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં રાજસ્થાનમાં સચિન પાઈલટ અને અશોક ગહલોતની વચ્ચે હજુ સુધી સુલેહ થઈ શકી નથી. જેના કારણે પાઈલટ જૂથ નારાજ છે. એવામાં જો પાર્ટી રાજસ્થાનમાં સમાધાનની ફોર્મ્યૂલા નહીં શોધે તો પાઈલટનો પાર્ટીથી મોહભંગ થવામાં વાર નહીં લાગે.

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં ગુલાબ નબી આઝાદ સહિતના તમામ બુઝુર્ગ નેતા સાઈડલાઈન છે. એવામાં પાર્ટીનું અસંતુષ્ટ જૂથ અનેક પ્રસંગે પાર્ટીની નીતિઓને લઈને અવાજ ઉઠાવતું રહે છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી હજુ સુધી થઈ શકી નથી. જ્યારે રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું તેને અઢી વર્ષ થઈ ગયા છે. કોંગ્રેસ યુવા નેતા એકબાજુ પાર્ટી છોડી રહ્યા છે તો બીજી બાજુ બુઝુર્ગ નેતા કોરાણે છે. એવામાં કોંગ્રેસ સામે રાજકીય સંકટ ઉભું થયું છે.

રાહુલ ગાંધીએ આપી દીધું છે અલ્ટીમેટમ
વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં મેસેજ આપી દીધો છે કે જે ડરે છે તે ચાલ્યા જાય. કોંગ્રેસમાં સંઘના લોકો અને ડરનારાઓની કોઈ જરૂર નથી. પરંતુ પાર્ટીના રાજકીય સંકટને દૂર કરવા માટે આગળ આવતા નથી. રાહુલ તમામ મુદ્દા પર આગળ પડતા છે. રાહુલ ગાંધી મજબૂત મોદી સરકાર અને ભાજપ સામે લડતાં ખચકાતા નથી. પરંતુ પાર્ટીની અંદર આકરા નિર્ણય લેતાં ખચકાય છે.

શું કોંગ્રેસના અચ્છે દિન આવશે
કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાહુલ ગાંધી આગળ આવતા નથી. એટલું જ નહીં રાજ્યોમાં કોંગ્રેસની વચ્ચે ચાલી રહેલ જૂથબંધીને ખતમ કરવાની દિશામાં કોઈ પગલાં પણ ઉઠાવતા નથી. કોંગ્રેસ જેટલી નબળી આજે જોવા મળી રહી છે તેટલી તે ક્યારેય ન હતી. એવામાં કોંગ્રેસ નેતાઓનું એક પછી એક પાર્ટી છોડીને જવું અને બુઝુર્ગ નેતાઓને કોરાણે કર્યા પછી કેવી રીતે પાર્ટીના અચ્છે દિન આવશે?

 

adv

Related News

post
post
post
post
post
post
post