• Home
  • News
  • કમિશનરના આદેશ બાદ પણ વારાણસીના 'નમો ઘાટ' પર શ્રદ્ધાળુઓ પાસેથી ટિકિટ લેવાનું યથાવત
post

સૂર્ય નમસ્કારને સમર્પિત આ ઘાટ બનાવવા પાછળ આશરે 34 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-03 17:36:41

વારાણસી: વારાણસીના અતિ પ્રખ્યાત એવા નમો ઘાટની મુલાકાતે આવનારા લોકોએ પોતાનું ખીસ્સું હળવું કરવું પડી રહ્યું છે. વારાણસી સ્માર્ટ સિટીએ નમો ઘાટ પર લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને 10 રૂપિયાની ટિકિટ લાગુ કરી દીધી હતી. ઉપરાંત આજથી પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનું પણ શરૂ કરી દેવાયું હતું. 

સ્માર્ટ સિટી કંપનીએ મંગળવારથી નમો ઘાટ (ખિડકિયા ઘાટ) પર એન્ટ્રી ટોકન સિસ્ટમ લાગુ કરી હતી જેને વિરોધ બાદ હોલ્ડ પર મુકવામાં આવી હતી. કંપનીએ 4 કલાક માટે 10 રૂપિયાની એન્ટ્રી ફી લેવાનો નિર્ણય લીધો હતો. કાશીના કોઈ પણ ઘાટ પર પ્રથમ વખત આ પ્રકારનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. કાશીમાં 84 પૌરાણિક ઘાટ આવેલા છે. 

આ પ્રકારે રોકડી કરવાના આદેશ બાદ કાશીવાસીઓએ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને કમિશનરે આદેશ રદ કર્યો હતો. સાથે જ તેમણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હોવાથી લોકોને તટીય વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી હતી. તેમણે ટિકિટની વ્યવસ્થા લાગુ નહીં થાય તેમ જણાવ્યું હતું તેમ છતાં પણ ટિકિટ વ્યવસ્થા ચાલુ જ રહી છે. 

ટિકિટ ચાર્જના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે. સ્માર્ટ સિટીના પીઆરઓના કહેવા પ્રમાણે ઘાટની જાળવણીના અનુસંધાને આ પ્રકારે ચાર્જ ઉઘરાવવાનો નિર્ણય લેવાયો હતો. ઘાટ પર અનેક લોકોનો ધસારો જોવા મળે છે અને ઘણાં લોકો છેડછાડ કરતા હોવાથી ટિકિટનો નિયમ લાગુ કરાયો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના વર્ષમાં નમો ઘાટનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે અડધો કિમી લાંબા નમો ઘાટને 2 તબક્કામાં બનાવવામાં આવ્યો છે. ઘાટ પર મેક ઈન ઈન્ડિયા તથા વોકલ ફોર લોકલને પ્રમોટ કરવામાં આવ્યા છે તથા સૂર્ય નમસ્કારને સમર્પિત આ ઘાટ બનાવવા પાછળ આશરે 34 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post