• Home
  • News
  • કોરોના વાઈરસને કારણે લૉકડાઉન અંગે એ બધું જે તમે જાણવા માંગો છો
post

મને શાકભાજી ક્યાંથી મળશે? મારા ઘરની આસપાસના સ્થળે કોઈ વ્યવસ્થા ખરી?

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 08:55:34

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 8 વાગ્યે ત્રણ અઠવાડિયાનું સંપૂર્ણ દેશમાં લૉકડાઉન જાહેર કરતાં હવે લોકોને મનમાં મૂંઝવણો વધી છે. અનેક પ્રશ્નો સતાવી રહ્યાં હશે કે દવાઓ, દૂધ, અનાજ-કરિયાણું, શાકભાજી, ફળો, પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, વીજળી જેવી જરૂરી વસ્તુ કેવી રીતે મળશે?  આ ઉપરાંત અનેક પ્રશ્નો પણ લોકોને મનમાં ઊઠી રહ્યાં છે. દિવ્ય ભાસ્કરએ રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓ સાથે વાત કરીને આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, જે તમારે માટે પણ ખૂબ ઉપયોગી રહેશે. જો કે આ વ્યવસ્થા હાલની સ્થિતિને જોઇને કરાઇ છે, આવનારા દિવસોની સ્થિતિને જોઇને આ વ્યવસ્થા બદલાઇ પણ શકે છે.


મને શાકભાજી ક્યાંથી મળશે? મારા ઘરની આસપાસના સ્થળે કોઈ વ્યવસ્થા ખરી
શાકભાજી માટે તમામ એપીએમસીના ઓપરેશન્સ ચાલુ છે, ગામડા કે અન્ય રાજ્યોમાંથી આવતાં શાકભાજીના વાહનોના પરિવહન ચાલુ જ છે જેથી કરીને લોકોને કોઇ તકલીફ ન પડે. જથ્થાબંધ બજારોમાંથી ફેરિયાઓ પોતે વાહનો દ્વારા આ શાકભાજી લઇને દિવસ દરમિયાન તેનું શહેરો, નગરો કે ગામોના વિવિધ વિસ્તારોમાં વેચાણ કરી શકશે. જો કે એક સાથે મોટા શાકબજારો ભરાય તે હિતાવહ નથી કારણ કે એક સાથે અનેક લોકો આ બજારોમાં ભેગાં થઇ શકે છે અને ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. 


રોજ સવારે સૌથી પહેલાં દૂધની જરૂર પડતી હોય છે. તો મને દૂધ ક્યાંથી મળી રહેશે
ગુજરાતમાં 1,600 અમૂલના પાર્લર છે જેમાં 1000 તો મોટા શહેરોમાં છે. દૂધ અને તેની બનાવટોનો અવિરત સપ્લાય અમૂલ જેવી મોટી ડેરી મારફતે થઇ રહ્યો છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. લોકો સહેલાઇથી અમૂલ પાર્લર પર જઇને ખરીદી કરી શકશે. આ ઉપરાંત લોકલ ડેરી પાર્લર પણ ચાલુ રહેશે જેથી લોકોને સરળતા રહેશે. અમૂલ રોજનું 55 લાખ લિટર દૂધ પાઉચ મારફતે વિવિધ વિસ્તારોમાં મોકલે છે અને તે જથ્થો સતત રહેશે.


મારી દવાઓ મને ક્યાંથી મળશે? શું શહેરના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે?
દવાના તમામ સ્ટોર્સ ખુલ્લા રહેશે કારણ કે આ પ્રાથમિક અને સૌથી પહેલી જરૂરિયાત છે. રાજ્યભરતના તમામ મેડિકલ સ્ટોર્સ લોકડાઉન દરમિયાન ખુલ્લા જ રહેશે. આ ઉપરાંત સ્થાનિક સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રો પણ ચાલું રહેશે અને ત્યાં પણ દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે. ખાનગી દવાખાનાઓ મારફતે લોકો સેવાઓ પણ મેળવી શકશે. સરકારે તમામ ખાનગી દવાખાનાઓને ઓપીડી સેવા મફત આપવા વિનંતી પણ કરી છે.


મારે તાકીદના કામ માટે બહારગામ જવું જ પડે એમ છે, તો હું જઈ શકીશ ખરો?
જાહેર પરિવહનના કોઇપણ વાહનો કે સેવાઓ ચાલુ નથી તે ગણતરી પહેલાં કરી લેવી. ખાનગી વાહનોમાં નીકળતાં પહેલાં પોલીસ તમને રોકશે નહીં તેવું માની લેવાની જરૂર નથી. રાત્રિના સમયે નીકળી જવાશે તેમ પણ ધારવું નહીં કારણ કે હવે પછીના 21 દિવસ વધુ કડકાઇથી પાલન થશે. અત્યંત ઇમરજન્સીના કેસમાં સ્થાનિક પોલીસની મદદ લઇને નિકળવું જેથી કરીને કોઇ હેરાનગતિ ન રહે. પોલીસ કોઇને બહાર આવવાં-જવા પાસ આપતી નથી તે પણ જાણી લેવું જેથી કરીને ખોટી ભ્રમણા પેદા ન થાય.


જો મારા ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે તો હું હોસ્પિટલમાં કેવી રીતે લઈ જઈશ?
મેડિકલ ઇમરજન્સી હશે તો ખાનગી વાહનને જતાં કોઇ પોલીસ રોકશે નહીં, પરંતુ આવાં કિસ્સામાં એમ્બુલન્સની સેવા વધુ હિતાવહ રહેશે જેથી કરીને દર્દીનું ટ્રાન્સપોર્ટેશન સરળતાથી અને ઝડપથી થઇ શકે, આ ઉપરાંત આઈસીયુ ઓન વ્હીલ જેવી સુવિધા મળી રહે તો દર્દી દવાખાને પહોંચે તે પૂર્વે જ તેને સારવાર મળતી શરૂ થઇ જાય. રાજ્યની 108 અને 104 સેવા 24 કલાક ઉપલબ્ધ છે તેથી તેનો સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત રાજ્યની સરકારી, સેવાભાવી અને ખાનગી હોસ્પિટલોની એમ્બુલન્સ સેવા પણ મળી રહેશે.


નજીકનું સ્વજન ગુજરી જાય તો શું? સ્મશાનયાત્રામાં કેટલા લોકો જઈ શકે?
ખૂબ નજીકના સગાંનું મરણ થયું હોય તો જ જવું કારણ કે સ્મશાનોમાં પણ કલમ 144 લાગુ હોવાથી વધુ લોકોને ભેગા થવા દેવાશે નહીં. ખૂબ મર્યાદિત સંખ્યામાં જ અને વીસથી વધુ નહીં તેટલાં લોકોએ ભેગા થઇ મૃતકની અંતિમ વિધી પૂર્ણ કરી નાખવાની રહેશે. આ માટે સ્થાનિક પોલીસનો સંપર્ક પણ કરી શકાશે જેથી તે વિધી કરવામાં ઝાઝી કોઇ અડચણ ન રહે. સ્થાનિક તંત્રની શબવાહિનીનો સંપર્ક કરી મૃતદેહને સ્મશાને લઇ જવાની વિધી કરવી.


21 દિવસ દરમિયાન જ મારા ઘરે પ્રસંગ આવે છે તો હું તે કરી શકીશ કે નહીં
હાલ ચાર કે તેથી વધુ લોકોના ભેગાં થવાં પર સખત પ્રતિબંધ છે તથા લોકડાઉનમાં લોકોની અવરજવર પર પણ નિયંત્રણો છે. ઘરે પ્રસંગ રદ જ કરવો તેવી સરકારે અપીલ પણ કરી છે. જાહેર પાર્ટીપ્લોટ કે અન્ય સ્થળો, હોટલો, કેટરિંગ સર્વિસ બધું જ બંધ હોવાથી ઘરે પ્રસંગ હશે તો પણ તેમાં સામેલ થવા માટે લોકો કે સેવા પૂરી પાડનારો સ્ટાફ આવી શકશે નહીં. આથી આખા પ્રસંગનું આયોજન વ્યર્થ રહેશે માટે પ્રસંગ રદ જ કરવો.


મારું સંતાન કોલેજમાં ભણે છે શાળાઓમાં પ્રમોશન આવ્યું તો મારા સંતાનનું શું થશે?
હાલ તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તદ્દન બંધ કરાવાયું છે. કોલેજમાં ફાઇનલ પરીક્ષાઓ બાબતે હજુ કોઇ નિર્ણય જાહેર કરાયો નથી, પરંતુ આ મુદ્દો વિચારાધીન ચોક્કસ છે. આગામી સમયમાં આ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરી રાજ્યસરકાર નિર્ણય લેશે. પરંતુ હાલ લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓને રજા હોવાથી તથા બહાર ન જવાનું હોવાથી અભ્યાસ માટે અને પુનરાવર્તન માટે સારો સમય મળી રહેશે તેથી તેમ કરવું વધુ સારું રહેશે. ઓનલાઇન ક્લાસની સુવિધા મળી રહે તો તેનો લાભ ઉઠાવવો.


બેન્ક અને એટીએમ કે અન્ય નાણાંકીય સેવાઓ લૉકડાઉન દરમિયાન ચાલુ રહેશે?
બેંક અને એટીએમ માટે કેન્દ્રીય નાણાંમંત્રીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે તે અન્વયે એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે અને હવે અન્ય બેંકોના એટીએમમાંથી રકમ ઉપાડવા પરના નિયંત્રણ અને લઘુતમ બેલેન્સની મર્યાદા પણ હટાવી લેવાઇ છે. જો કે ઘરમાં અમુક રકમ કેશમાં રાખવી જરૂરી છે, પરંતુ વધુ પડતાં નાણાં લાવીને જોખમ પણ લેવું નહીં. બેંકોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરાયો છે તેથી તે પ્રમાણે બેંકના કામે જવું.


ખાનગી કંપનીમાં કામ કરું છું, લૉકડાઉનમાં ઘરે રહું તો પગાર મળશે?
ગુજરાત સરકારના શ્રમ વિભાગે પરિપત્ર કરીને તમામ ખાનગી એકમોને જણાવ્યું છે કે લૉકડાઉન દરમિયાન ફરજિયાતપણે તમામ કર્મચારીને રજા આપવી અને જો કોઇ કર્મચારી ગેરહાજર રહે તો તેને છૂટાં કરવા નહીં. આ ઉપરાંત તમામ કર્મચારીઓના પગાર પણ નિયમિત રીતે કરી નાંખવા અને તેમાં કોઇ કપાત કરવી નહીં. જો આમ કરતાં કોઇ પણ એકમ ઝડપાશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે.


લાૅકડાઉનના સમય દરમિયાન જ મારે કોર્ટની મુદત આવે છે તો શું કરવું?
હાઇકોર્ટમાં અરજન્ટ મેટર સિવાય કોઈ કેસ ચાલતો નથી. અગાઉની કોઈ મુદત હોય તો તે રદ સમજવી. વધુ માહિતી માટે તમારા વકીલની સલાહ લઈ શકાય. 


શું બંધ રહેશે?
જીવન આવશ્યક વસ્તુ સિવાયની તમામ દુકાનો, મોલ્સ, થિયેટર્સ, મંદિરો, જાહેર પર્યટન સ્થળો, સ્વિમિંગ પૂલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, કારખાનાં તથા સામાજિક, રાજકીય, રમતગમત, સાંસ્કૃતિક, ધાર્મિક, સરકારી મેળવડાં થાય તેવી જગ્યાઓ અને પ્રવૃત્તિઓ, જાહેર રસ્તાઓ પણ આવાગમન તથા રેલવે, બસ, રીક્શા, વિમાન સેવા વગેરે, ખાણીપીણીના સ્થળો, કાપડ બજારો, દરજી-સલૂન-કોસ્મેટિક્સની દુકાનો કે બ્યુટી પાર્લર, સ્પા, ક્લબો તમામ સ્થળો બંધ રહેશે.


શું ચાલુ રહેશે?
હોસ્પિટલ્સ, લોકોની સેવા સાથે સંકળાયેલી સરકારી કચેરીઓ, દવા, અનાજ, કરિયાણું, શાકભાજી-ફળો, દૂધ વેચતાં એકમો, રેશનિંગની દુકાનો, બેંકો તથા એટીએમ અને વીમા સેવાઓ, અખબારો, ફોન-ઇન્ટરનેટ, વીજળી સેવા, પેટ્રોલપંપ , રાંધણગેસ સેવા, જરૂરી વસ્તુઓની ટ્રાન્સપોર્ટ સેવા, શેરબજારો, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ ગોડાઉન, ખાનગી સિક્યુરિટી સેવાઓ, જરૂરી ચીજવસ્તુઓ બનાવતાં ઔદ્યોગિક એકમો, શહેરમાં લોકડાઉન બાદ આવીને સપડાઇ ગયેલાં પ્રવાસીઓના રોકાણ માટેની હોટેલો, હોમસ્ટે.

 

adv

Related News

post
post
post
post
post
post
post