• Home
  • News
  • ફેસ માસ્ક રિટર્ન્સ:ચીનમાં કોરોનાની હાલત જોઈને ભારત સરકારની એડવાઈઝરી - ભીડમાં માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ લો- દરેક સ્થિતિ માટે તૈયાર રહો
post

દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા,10 હજારનાં મૃત્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 17:55:15

ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બૂસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલીતકે લઈ લેવાની અપીલ કરી છે.

તે ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.

સરકારની અપીલ પર કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ગયા હતા?

સાત દિવસમાં 10 હજાર મૃત્યુ
ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ પર કોણે શું કહ્યું...

·         પુણેના સીરમ ઈન્સ્ટીટ્યુટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે ચીનમાં કોરોનાના કેસ ચિંતાજનક છે. જોકે ભારતને ડરવાની જરૂર નથી. કારણકે દેશમાં વેક્સિનનું કવરેજ સારું છે.

·         ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલના ડો.અભિજીત શર્માએ કહ્યું કે વેક્સિનેશન, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાથી કોરોનાથી બચી શકાય છે. RNA વેક્સિન વધુ અસરકારક છે.

·         મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની સરકાર કેન્દ્ર સાથે સંકલન કરીને તમામ નિર્ણયો લેશે અને કોરોના માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરશે.

ભારતમાં જોખમ નથી, કારણકે વેક્સિનના 3 રાઉન્ડ થઈ ચૂક્યા છે
એક્સપર્ટ અનુસાર, ભારત જેવા દેશને જોખમ નથી, કારણકે આપણા દેશમાં વેક્સિનેશનના 3 રાઉન્ડ થઈ ચૂક્યા છે. લોકોમાં ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે. કોરોના તો ભારતમાં પણ દરેક જગ્યાએ હશે, પરંતુ તે આપણા પર અસર કરી શકશે નહીં. હવે કોરોનાનો ભારતમાં ખતરો નથી.

બૂસ્ટર ડોઝ લેવો જરૂરી
મીટિંગ પછી, નીતિ આયોગમાં ડો. વીકે પોલે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. ગંભીર રોગોથી પીડાતા લોકો અને વૃદ્ધો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યારે માત્ર 27% વસ્તીએ બૂસ્ટર ડોઝ લીધો છે. આ ડોઝ લેવો બધા માટે ફરજિયાત છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના વેરિયન્ટને શોધી શકાય. આ દિવસોમાં ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

અમેરિકામાં 19 હજારથી વધુ કેસ

અમેરિકા સહિત 10થી વધુ દેશોમાં કોરોના દર્દીઓમાં અચાનક વધારો થયો છે. એટલું જ નહીં, અહીં મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકામાં સોમવારે 19 હજાર 893 નવા કેસ નોંધાયા છે. તો એક દિવસમાં 117 લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ 55 હજાર કેસ જર્મનીમાં મળ્યા છે. અહીં 161 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાપાનમાં 72,297 કેસ અને 180 સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. બ્રાઝિલમાં 29,579 કેસ અને 140 મૃત્યુ. દક્ષિણ કોરિયામાં 26,622 કેસ અને 39 મૃત્યુ. ફ્રાન્સમાં 8,213 કેસ અને 178 મૃત્યુનો સમાવેશ થાય છે.

ભારતમાં કેસ ઘટી રહ્યા છે
જ્યાં વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અનુસાર, 20 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 3 હજાર 490 સક્રિય કેસ હતા, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

સ્વાસ્થ્યમંત્રીએ 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે ભારતમાં રસીકરણની સંખ્યા 220 કરોડને વટાવી ગઈ છે. આ સંખ્યા તમામ ઉપલબ્ધ કોરોના રસીઓમાં પહેલા, બીજા અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરી 2020ના ​​રોજ શરૂ થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post