• Home
  • News
  • આશિષ ભાટિયાને વિદાય અપાઈ!:વિકાસ સહાય ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP, UN પીસ કીપિંગ સહિતના મિશનમાં ફરજ બજાવી ચૂક્યા છે
post

આશિષ ભાટિયાના અનુગામી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચાલી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:26:29

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, તેમને રાજ્યના ઈન્ચાર્જ પોલીસવડા બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે.

UN પીસ કીપિંગ મિશનમાં ભાગ લઈ ચૂક્યા છે
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જો કે અત્યારે તેઓ ઈન્ચાર્જ ડીજીપી તરીકે જ જવાબદારી સંભાળશે.

રક્ષાશક્તિ યુનિ.ની સ્થાપનામાં મોટી ભૂમિકા
વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.

રાજકોટ તોડકાંડની તપાસ વિકાસ સહાયે કરી હતી
રાજકોટના વેપારી મહેશ સખિયા અને જગજીવન સખિયાએ ગત વર્ષે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર સામે તોડબાજીના આક્ષેપો કરતા ભૂકંપ મચી ગયો હતો. આ રૂ.7 કરોડની ઉઘરાણીમાંથી સાહેબનાહિસ્સા તરીકે રૂ.75 લાખ ચૂકવ્યાના આક્ષેપ થયા હતા. બાદમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આખરે સરકારે દરમિયાનગીરી કરીને મનોજ અગ્રવાલ તથા તેમની ટીમ સામે સિનિયર ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપી હતી. વિકાસ સહાયે આ અંગે ગુપ્ત રિપોર્ટ કર્યો હતો.

સંજય શ્રીવાસ્તવને માર્ચમાં નિવૃત્તિ નડી ગઈ
આશિષ ભાટિયાના અનુગામી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચાલી રહ્યું હતું. પરંતુ, તેઓ માર્ચ- ૨૦૨૩માં નિવૃત્ત થવાના હોવાથી માત્ર બે મહિના માટે સરકાર તેમને DGP બનાવશે કે કેમ તેવા સવાલ થયા હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર DGPનો છ મહિનાનો કાર્યકાળ હોવો જરૂરી છે. આ જોતાં સંજય શ્રીવાસ્તવને DGP બનાવાય તો તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવું પડે તેમ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post