• Home
  • News
  • ખેડૂતો ઈચ્છા પ્રમાણે પાક વીમો લઈ શકશે, દેશમાં 10 હજાર FPO પણ બનશે
post

સરકારે કહ્યું - FPOનો ઉદ્દેશ્ય 5 વર્ષમાં એક લાખ લોકોને કૃષિ રોજગાર આપવાનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 09:28:26

નવી દિલ્હી: વડાપ્રધાન પાક વીમા યોજના હવે ફરજિયાતને બદલે સ્વૈચ્છિક બનશે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ બુધવારે કેબિનેટની બેઠકમાં આ સુધારાને મંજૂરી અપાઈ. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પહેલાં વીમાની રકમમાંથી લોનની રકમ કાપી લેવાતી હતી. હવે એવું નહીં કરી શકાય. યોજના હેઠળ હાલ કેન્દ્ર અને રાજ્ય પ્રીમિયમનો 50-50 ટકા હિસ્સો ચૂકવે છે પણ હવે પૂર્વોત્તરના ખેડૂતો માટે કેન્દ્ર પ્રીમિયમનો 90 ટકા અને રાજ્ય 10 ટકા હિસ્સો આપશે. ગત વર્ષે આ યોજના સાથે 5.5 કરોડ ખેડૂતો જોડાયા હતા. 13 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકઠું થયું. તેમાંથી 7 હજાર કરોડ રૂપિયા દાવા તરીકે ચૂકવાયા. સરકાર 5 વર્ષમાં 10 હજાર ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન(એફપીઓ)ની રચના કરશે. તેનો ઉદ્દેશ્ય એક લાખ લોકોને કૃષિ રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે. એફપીઓને 4496 કરોડ રૂ.ની આર્થિક મદદ અપાશે. ડેરી ક્ષેત્રની લોન પર સબસિડી 2 ટકાથી વધીને 2.5 ટકા થશે. ફાયદો 50 હજાર ગામના 95 લાખ ખેડૂતોને મળશે.
એફપીઓ: 3 એજન્સીઓની જવાબદારી, કામ ખેડૂતોની સહાય

·         એફપીઓની જવાબદારી 3 એજન્સીઓ લઘુ કિસાન કૃષિ વ્યવસાય સંઘ (SFAC), રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ(NCDC) અને રાષ્ટ્રીય કૃષિ તથા ગ્રામીણ વિકાસ બેન્ક(નાબાર્ડ)ને અપાશે. રાજ્ય ઈચ્છે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય સાથે ચર્ચા કરી પોતાની એજન્સીનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

·         કાર્ય : ખેડૂતોને બિયારણ, ખાતર, મશીનોનો સપ્લાય, બજાર, નેટવર્કિંગ, લોન અને ટેક્નિક વિશે સલાહ આપવી. કૃષિ સંબંધિત ટ્રેનિંગ આપવી. સામાન્ય વિસ્તારોમાં એક એફપીઓમાં 300-300 અને પૂર્વોત્તર-પર્વતીય ક્ષેત્રોમાં 100-100 સભ્ય હોય છે. હાલ દેશમાં આશરે 3000 એફપીઓ છે.

·         પડકાર : એક એફપીઓને આત્મનિર્ભર થવામાં આશરે 5 વર્ષ લાગે છે. પ્રભાવશાળી અને મોટા ખેડૂત સહકારી સમિતિઓમાં સામેલ થાય છે. જોકે એફપીઓમાં એવા નાના ખેડૂતો જોડાય છે જેમનો ક્ષેત્રમાં ઓછો પ્રભાવ હોય છે. ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો સાથે એફપીઓનું જોડાણ ઓછું છે.

ખામીઓ : સૌથી મોટી સમસ્યા પાક વીમા પ્રીમિયમના મુકાબલે ઓછી દાવા ચુકવણી
મોદી સરકારે વડાપ્રધાન પાક વીમા યોજના 18 ફેબ્રુઆરીએ શરૂ કરી હતી. તે હેઠળ પ્રીમિયમનો દર ખરીફ પાક પર 2 ટકા, રવી પાક પર 1.5 ટકા અને બાગાયત-વાણિજ્યક પાક પર 5 ટકા છે. બાકી પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર ચૂકવે છે. આ વીમો કૃષિ વીમા કંપની અને બેન્કની મદદથી કરાવાય છે. તેની સૌથી મોટી સમસ્યા પ્રીમિયમના મુકાબલે દાવા ચુકવણી ઓછી હોવી છે. ગત ચાર વર્ષમાં આ જ સ્થિતિ જોવા મળી છે. ખેડૂત સંગઠન આરોપ મૂકે છે કે સરકારી લાપરવાહીને લીધે ખાનગી વીમા કંપનીઓ ખેડૂતોને સંપૂર્ણ દાવાની ચુકવણી નથી કરતી.
અન્ય નિર્ણય : 22મા કાયદાપંચની રચનાની મંજૂરી, ગામમાં શ્રેષ્ઠ વેસ્ટ મેનેજમેન્ટ પર ભાર

·         કેબિનેટે 22માં કાયદાપંચની રચનાને પણ મંજૂરી આપી દીધી. પંચ જટિલ કાનૂની મુદ્દાઓ પર સરકારને સલાહ આપશે. તેનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. ગત પંચનો કાર્યકાળ ચાલુ વર્ષે ઓગસ્ટમાં પૂરો થશે.

·         સ્વચ્છ ભારત અભિયાનનો બીજો તબક્કો શરૂ થશે. ગામડાંમાં પણ પ્લાસ્ટિક, ભીના કચરાના યોગ્ય નિકાલ માટે પર્યાવરણ મંત્રાલય વિશેષ અભિયાન ચલાવશે.

·         સંસદના આ સત્રમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી રેગ્યુલેશન બિલ રજૂ થશે. આ મહિલાઓના પ્રજનનના અધિકાર સંબંધિત બિલ છે જે મેડિકલ વ્યવસાયિકો, તેની સાથે સંકળાયેલા ટેક્નિશિયન પ્રતિનિધિઓ પર લાગુ પડશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post