• Home
  • News
  • 'આપ' સે ડર લગા!:ગુજરાતમાં આપની એન્ટ્રીથી ભાજપમાં ફફડાટ, 25 વર્ષથી કોંગ્રેસ શેકેલો પાપડ પણ ભાગી નથી શકી
post

2022ની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં અને મતદારો માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-11 18:06:44

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતે રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં રૂપાણી જાય છેની અફવાઓ ચાલી રહી હતી. બીજીતરફ ભાજપે પણ આગામી 2022ની ચૂંટણીમાં 150+ બેઠકનો ટાર્ગેટ રાખ્યો છે. જેના કારણે ગુજરાત ભાજપમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાતના રાજકારણ અને સત્તાકારણમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ વચ્ચે જ લડાઈ ચાલતી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યથી સંસદ સુધી ભાજપનો દબદબો જ ચાલી રહ્યો છે. આ સમયે ગુજરાતમાં એકાએક આમઆદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી સાથે જ ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો બનવા લાગ્યાં છે, જેનો લાભ રાજ્યની પ્રજાને મળી શકે છે. એની સાથે મતદારોને ચૂંટણીમાં પણ એક વિકલ્પ મળી રહ્યો છે. બીજીતરફ છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસ શેકેલો પાપડ પણ ભાગી નથી શકી, પરંતુ ગત વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત બાદ AAPના પરિવર્તનથી પરિવર્તનથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે.

સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો
ગુજરાતમાં આપની એન્ટ્રી સાથે જ સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે, સાથે સાથે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ બની શકે છે. આગામી ચૂંટણીઓમાં જનતા આપને સાથ આપે તો કોંગ્રેસ બીજો નહીં ત્રીજો વિકલ્પ બની શકે છે, જેથી આપની એન્ટ્રી ગુજરાતની વર્ષોજૂની રાજકીય પેટર્નને બદલવામાં સફળ થઈ શકે છે, કેમકે એવું કહેવાય છે કે વર્ષોથી ભાજપ સત્તા પર જ છે, એની પાછળનું મુખ્ય કારણ પ્રજા પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહોતો અને પ્રજાને કોંગ્રેસની સત્તા પર ભરોસો નહોતો, એટલે ના છૂટકે ગુજરાતના શાણા મતદારો ભાજપને ચૂંટીને સત્તામાં મોકલી રહ્યા હતા, પણ હવે આમઆદમી પાર્ટી એક વિકલ્પ બની શકે છે, જે ગુજરાતના રાજકારણમાં અને મતદારો માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. ગુજરાતમાં આપના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે. એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે.

ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આપની એન્ટ્રી
ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં છેલ્લા કેટલાક સમયથી આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં ધીમા પગલે પગપેસારો કર્યો હતો, પરંતુ જોઈએ એટલો ફાયદો તો ઠીક જનતાના મન સુધી પહોંચી શકી નહોતી. પણ છેલ્લા એકાદ વર્ષથી આમઆદમી પાર્ટી એકદમ સક્રિય રીતે ગુજરાતમાં આવી હતી, એમાં પણ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને સાથ આપવા મતદારો બહાર આવ્યા અને મહાનગરપાલિકાથી લઈને જિલ્લા-તાલુકા પંચાયતમાં જીત મેળવી આપનો ઉદય થયો હતો.

કોંગ્રેસ આઉટ,આપ ઈન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાલિકામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થઈ ગયો છે. ભાજપને આપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો ચોક્કસ થયો છે. જોકે સૌથી વધુ વકરો એટલો નફો આપને થયો છે. આપની સીટ બે આંકડામાં માનવામાં આવતી હતી ત્યાં રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે અને આપની સીટો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ગત વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી 36 બેઠકમાંથી હાલ શૂન્ય પરથી કોંગ્રેસ આગળ વધી શકી નથી. સૌથી વધુ ગુજરાતમાં આપની બેઠકો સુરતમાં મળી હતી. સુરત પાલિકામાં વિરોધ પક્ષમાંથી કોંગ્રેસ આઉટ થઈ છે અને ત્યાં હવે આપના કાઉન્સિલરો બેસશે.

2022ની ચૂંટણીમાં આપ ભાજપને આપશે ટક્કર
પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે. સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહેશે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુઃખાવા સમાન બની રહેશે. જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમીની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખૂબ જ પડકારજનક બની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post