• Home
  • News
  • શિંદેના Out હોવાના ડરથી અજિત In:40 ધારાસભ્યોનું સભ્યપદ જોખમમાં, દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે મહારાષ્ટ્રના આગામી CM
post

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની શકે છે. શિંદે જૂથનું રાજકીય અસ્તિત્વ ટૂંક સમયમાં ખતમ થઈ જશે.'

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:07:48

મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણો 2 જુલાઈના રોજ ફરી એકવાર પલટાઈ ગયાં. NCP નેતા અજિત પવારે કાકા શરદ પવારને બીજી વખત છોડ્યા અને 8 વરિષ્ઠ ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના (શિંદે જૂથ)માં સામેલ થઈ ગયા. આ બધું માત્ર એક કલાકમાં જ થઈ ગયું. NDAએ અજિત પવાર અને તેમના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં જેટલી તેજી દેખાડી, એટલી જ ઝડપથી અજિત પવારને NCPથી અલગ કરી દીધા.

ભાજપના નજીકનાં સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે અજિત પવારને સરકારમાં સામેલ કરવાનો નિર્ણય બે દિવસ પહેલાં જ લેવામાં આવ્યો હતો. તેની શરૂઆત 28 જૂને થઈ. દિલ્હીમાં NCP કાર્યકારિણીની બેઠક મળી હતી. મંચ પરનાં પોસ્ટરોમાં શરદ પવાર હતા, સાથે કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ હતાં. અજિત પવારને પોસ્ટરમાં સ્થાન મળ્યું નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર આનાથી ખૂબ નારાજ થયા. ભાજપે આ નારાજગીનો સ્વીકાર કર્યો અને 30 જૂને એક લેખમાં એકનાથ શિંદેને સૌથી અસફળ મુખ્યમંત્રી ગણાવનાર અજિત પવારને સરકારમાં સામેલ થવાની ઓફર કરી. અજિત પવારે આ ઓફર સરળતાથી સ્વીકારી લીધી.

અજિત પવારને સરકારમાં સામેલ કરવામાં દેવેન્દ્ર ફડણવીસની મોટી ભૂમિકા હતી. એવી ચર્ચા છે કે અજિત પવાર કારોબારીની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે તેઓ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાને ગુપ્ત રીતે મળ્યા હતા.

2 મેના રોજ શરદ પવારે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું, અહીંથી પાર્ટીમાં ભંગાણના સંકેત મળ્યા
2
મે, 2023ના રોજ શરદ પવારે પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું. નેતાઓ અને કાર્યકરો ઈચ્છતા હતા કે તેઓ પદ પર બન્યા રહે. કાર્યકરો મનાવતા રહ્યા, તેમને લોહીથી પત્રો લખ્યા, પરંતુ પવાર માન્યા નહીં.

ત્યારે અજિત પવારે જ કહ્યું હતું કે, 'શરદ પવારની ઉંમરને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે તમામ કાર્યક્રમોમાં હાજર રહેશે. અધ્યક્ષ નથી. તેનો એ અર્થ નથી કે તેઓ પક્ષમાં નથી. તમે ભાવુક ન બનો, નવા અધ્યક્ષ જે પણ હશે, અમે તેની સાથે ઊભા રહીશું.'

પાર્ટીના નજીકનાં સૂત્રનું કહેવું છે કે આનાથી એવો સંદેશો ગયો કે અજિત પવાર શરદ પવારના રાજીનામાંથી ખુશ છે. શરદ પવારે 10 જૂને પાર્ટીના 25મા સ્થાપના દિવસ પર સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ બનાવી દીધા.

તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુપ્રિયા સુલે NCP પ્રમુખના આગામી ઉત્તરાધિકારી છે. અજિત પવારની નારાજગીનું આ પણ એક કારણ હતું. સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવતા અજિત પવાર ગ્રૂપ પણ નારાજ હતું. તેમણે પણ અજિત પવાર પર પાર્ટીથી અલગ થવા માટે દબાણ કર્યું.

શિંદેને CM બનાવ્યા બાદ ભાજપ સતત હારી રહી છે, તેથી આ નવો પ્રયોગ
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના SOD રહેલા વરિષ્ઠ પત્રકાર રવિ કિરણ દેશમુખ કહે છે કે સત્તામાં પાછા ફરવા અને એકનાથ શિંદેને સાથે લાવ્યા છતાં ભાજપ પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન નથી કરી રહી.

પાર્ટીએ અંધેરી પેટાચૂંટણીમાં ઉમેદવાર પણ ઉતાર્યો નહોતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર ઋતુજા લટકે ચૂંટણી જીતી ગઈ. નાગપુર અને અમરાવતીમાં પણ યોજાયેલી MLC ચૂંટણીમાં બંને પક્ષોના ઉમેદવારો હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવારો જીત્યા.

પુણેની કસ્બાપેઠ ભાજપ માટે સૌથી શક્તિશાળી બેઠક હતી. આમ છતાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા. લોકો સરકારથી ખુશ નથી તે સ્પષ્ટ થઈ ગયું છે. આ જ કારણ છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ આ મોટો પ્રયોગ કર્યો છે.

અજિત પવારને તોડીને ભાજપે NCPના મતદારોને ભ્રમિત કર્યા
ભાજપે અજિત પવારને પોતાની સાથે ભેળવીને NCPના મુખ્ય મતદારોને મૂંઝવણમાં મૂક્યા છે. સૂત્રો જણાવે છે કે અજિત પવાર સુપ્રિયા સુલેની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂકથી નારાજ હતા, કારણ કે પાર્ટીમાં તેમના નિર્ણયોની સતત અવગણના કરવામાં આવી રહી હતી. એટલા માટે તેમણે પાર્ટી તોડીને NDA સાથે જવાનો નિર્ણય કર્યો.

અજિત પવારને જોડાવાથી ભાજપને ફાયદો, સરકાર પડતા બચી જશે
વરિષ્ઠ પત્રકાર ગોવિંદ વાકડે કહે છે, 'શિંદે જૂથે શિવસેનાથી અલગ થઈને અલગ પાર્ટી બનાવી છે. તેમના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે. માનવામાં આવે છે કે આ નિર્ણય શિંદે જૂથની વિરુદ્ધમાં આવશે.'

'આ પછી શિંદે જૂથના બાકીના 40 ધારાસભ્યોની સદસ્યતા પણ રદ થઈ શકે છે. આનાથી વર્તમાન સરકાર લઘુમતીમાં આવી જશે અને મહારાષ્ટ્રમાં ફરીથી મોટો ફેરફાર થઈ શકે છે. તેનાથી બચવા માટે ભાજપે અજિત પવારને સરકારમાં સામેલ થવાની ઓફર કરી. અજિત પવારે ઘણી વખત દાવો કર્યો છે કે તેમની સાથે 40 ધારાસભ્યો છે.'

દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે
ગોવિંદે બીજો દાવો કર્યો કે 'આગામી 8થી 10 દિવસમાં મહારાષ્ટ્રમાં વધુ એક શપથ ગ્રહણ થશે. આ પહેલાં એકનાથ શિંદે સીએમ પદ પરથી રાજીનામું આપશે અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની શકે છે. શિંદે જૂથનું રાજકીય અસ્તિત્વ ટૂંક સમયમાં ખતમ થઈ જશે.'

ગોવિંદના કહેવા પ્રમાણે, 'વર્તમાન સરકાર ઈચ્છે છે કે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC પર તેમનો કબજો રહે. અહીં ઉદ્ધવ જૂથની બહુમતી છે. અજિત પવાર અથવા કહો કે એનસીપીના આગમન સાથે બંને જૂથો મજબૂત બનશે અને BMC પર NDAનો કબજે થઈ શકશે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post