• Home
  • News
  • બાળકો નીડર થઈને પેંગોંગ સરોવર નજીક ફરી રહ્યાં છે, પર્યટકો માટે પણ ફિંગર-4 નજીકનું આ ગામ ખૂલી ગયું
post

લદાખના સરહદી ગામ માન-મેરાકમાં હવે ચહલ-પહલ પહેલા જેવી થઈ, ફોન સેવા શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 09:34:47

ચીનની સાથે સક્રિય તણાવ વચ્ચે લદ્દાખના સરહદી ગામ માન-મેરાકમાં હવે જનજીવન પહેલાંની જેમ સામાન્ય થઈ ગયું છે. તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવાયા છે. કોમ્યુનિકેશન વ્યવસ્થા શરૂ કરાઈ છે અને પર્યટકો માટે પણ હવે કોઇ રોક-ટોક નથી. 2 મહિના પૂર્વ અહીં બંને દેશોની સેનાઓ સામ-સામે હતી. તણાવના સાક્ષી રહેલા ફિંગર-4 વિસ્તાર નજીક સ્થિત પેંગોંગ સરોવર હવે ફરીથી બાળકો અને સ્થાનિકોથી ખીલી ઊઠ્યું છે. અહીં આજુબાજુના લોકો સાથે વાત કરીએ તો તેઓ કહે છે કે ભારતીય સેનાએ ચીનના સૈનિકોને પાછળ હડસેલી દીધા છે. હવે ડરવા જેવી કોઈ વાત નથી.

એરિયા કાઉન્સિલર(સ્થાનિક લોકપ્રતિનિધિ) સ્ટેનજિન કોનચોક અનુસાર 15-16 જૂન ગલવાન ખીણની ઘટનાના 2 મહિના પછી સુધી અહીં સેનાની કડકાઈઓ વચ્ચે જીવન પસાર કર્યુ છે. પણ હવે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. સેના અને સ્થાનિક લોકો મળીને રોડ અને ભવનના નિર્માણમાં યુદ્ધસ્તરે લાગેલા છે કેમ કે શિયાળો શરૂ થતાં જ કામ કરવામાં તકલીફ પડશે. સ્ટેનજિને જણાવ્યું કે અમે નોંધ લીધી છે કે ચીનના સૈનિકો પીછેહઠ કરી રહ્યાં છે. ઈન્ડિયન આર્મી વિસ્તારમાં નિયમિતરૂપે પેટ્રોલિંગ કરે છે.

માન-મેરાક ગામના સરપંચ દેચેન ડોલકર કહે છે કે હવે અહીં બધું સામાન્ય છે. મને આશા છે કે આવનારા શિયાળામાં લોકો પહેલાની જેમ જ તેમના ઢોર-ઢાંખર ફિંગર-4 સુધી લઈ જઈ શકશે. વિસ્તારના પૂર્વ કાઉન્સિલર અને ચુશુલ વતની સોનમ સેરિંગ કહે છે કે સ્થાનિકોમાં એવી મજબૂત ધારણા છે કે શિયાળો શરુ થતાં જ ચીન ફરી તેની હરકતો કરી શકે છે. એવામાં બંને દેશો વચ્ચે નવી અથડામણ થઈ શકે છે.

જોકે અમે ભારતીય સેનાની હાજરીથી સુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છીએ. પેંગોંગ સરોવર પાસે રહેતા તાશી મોતુપ જણાવે છે કે જ્યારે ચીન ફિંગર ફોરમાં દાખલ થયું તો અમે બધા ગભરાઈ ગયા હતા. ગલવાનની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને બેચેની હતી પણ હવે બધું પહેલાં જેવું થઈ ગયું છે. અમે બધા કામમાં વ્યસ્ત છીએ.

ગલવાન પછી 245 કરોડનું બજેટ જારી
ગલવાનનની ઘટના બાદ આ ગામની આજુબાજુમાં રોડ અને ભવનોનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર.કે.માથુરે 129 કરોડનું ચાંગથાંગ પેકેજ જારી કર્યુ છે. સ્પેશિયલ ડેવલપમેન્ટ માટે વધારાના 91.97 કરોડનું ફંડ અપાયું છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે 23 કરોડ રૂપિયા ફાળવાયા છે. શુક્રવારે કુલ મિલાવીને આ ક્ષેત્ર માટે 245 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post