• Home
  • News
  • જમીનકૌભાંડ મામલે પૂર્વ CMનો દાવો:'લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ કાર્યવાહીના આદેશ આપ્યા'તા, અમિત ચાવડા રાજકીય રોટલા શેકે છે'
post

અમદાવાદ પાસે આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 18:55:28

રાજકોટ: ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાએ આચરેલા ભ્રષ્ટાચારનો મુદ્દો હાલ ગુજરાતમાં ગાજી રહ્યો છે, જેમાં એક નનામો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રમાં એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ જ આક્ષેપને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું છે. આ મુદ્દે પૂર્વ CM રૂપાણીએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ તેના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે, અમિત ચાવડા રાજકીય રોટલા શેકે છે.

સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા અનુસાર, પ્રથમ તો પાંજરાપોળનો માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતુંવળગતું નથી. અમારી સરકારે IAS અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, પરંતુ મને એવું લાગે છે કે કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા નીકળ્યા છે અને અમિતભાઈ જીવદયાના નામે લોકોને ઉશ્કેરવા માગે છે, પરંતુ ભાજપ સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી અને છોડશે પણ નહીં.

લાંગા ગેરમાર્ગે દોરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીનકૌભાંડ મુદ્દે પોતાના પર આરોપો લગાવ્યા છે. જોકે હકીકતમાં લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈપાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે, પણ હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી. લાંગા કથિત પત્રને બદલે પોતાના નામે પત્ર લખીને સત્ય ઉજાગર કરે. મારા કાર્યકાળ દરમિયાન લાંગાની સામે ભ્રષ્ટાચાર કર્યાના આરોપો લાગ્યા હતા અને પંચમહાલ ખાતે મેં જ લાંગા વિરુદ્ધ તપાસ કરાવી હતી.

એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે
કોંગ્રેસ સામે વળતો પ્રહાર કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા આ તમામ આરોપોનો સોઈ ઝાટકીને વિરોધ કરું છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો નથી. કમળો હોય તેને પીળું દેખાય, અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. એ કારણે તેમને આવું લાગી રહ્યું છે. માત્ર મીડિયાના અહેવાલને આધારે અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકારને પાંચ વર્ષ થઈ ગયાં, ત્યારે કંઈ અમિતભાઈને કેમ કંઈ યાદ ન આવ્યું ?

મેં પોતે ઇન્કવાયરી નીમી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે. ગઈકાલે દૈનિક સમાચારપત્રમાં રદિયો આપ્યો હતો, જે આજે છપાયો પણ છે. 6 ઓક્ટોબર 2020ના રોજ મેં પોતે ઇન્કવાયરી નીમી હતી અને આદેશ આપ્યા હતા કે લાંબા સમયથી લાંગા સામે ફરિયાદો આવે છે, કાર્યવાહી થવી જોઈએ. જ્યારે મેં જ ઇન્કવાયરી કરી હોય તો હું થોડો તેની સાથે હોઉં?

નનામા પત્રમાં અનેક આદેશ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પાસે આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે. આ જમીન બિલ્ડર તેમજ મળતિયાને પધરાવવાનો આરોપ હતો. ત્યારે એસ.કે.લાંગા ગાંધીનગર કલેક્ટર હતા એ સમયે કૌભાંડ થયું હતું. એસ.કે.લાંગાની સામે ગાળિયો કસાતાં એક નનામો પત્ર વાઇરલ કરાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે નનામા પત્રમાં રૂપાણીએ જમીનને લઈને અનેક આદેશ આપ્યા હોવાનો ઉલ્લેખ છે તેમજ પત્ર સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ જવાબ આપ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post