• Home
  • News
  • ભારત રત્ન પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, પૂર્વ રાષ્ટ્રપતિને 21 દિવસ પહેલાં કોરોના થયો હતો, બ્રેન સર્જરી પણ કરાઈ
post

પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:06:56

સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. મોદીએ લખ્યું છે- ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે. તેમણે આપણા દેશના વિકાસ માટે એક અમિટ છાપ છોડી છે. તેઓ ખૂબ સ્કોલપ હતા. સમાજના દરેક વર્ગે તેમને પસંદ કર્યા છે. હું 2014માં દિલ્હી પહોંચ્યો. પહેલાં જ દિવસથી મને પ્રણવ મુખરજીએ માર્ગદર્શન આપ્યું છે. હંમેશા તેમનું સમર્થન અને આશિર્વાદ મળ્યા છે. હુ હંમેશા તેમની સામે મારી વાત રજૂ કરતો હતો. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને સમગ્ર ભારતમાં તેમના સમર્થકો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ.

પ્રણવદા વડાપ્રધાન બન્યા હોત તો દેશને જરૂર ફાયદો થાત: શરદ પવાર
NCP
ના વડા શરદ પવારે કહ્યું કે, પ્રણવદા પાર્ટી અને સંકુચિત રાજનીતિથી પર હતા. રાજનીતિમાં છેલ્લા ત્રણ દાયકામાં જે કેટલાક ગણ્યાગાંઠ્યા અગ્રણી નામ સામે આવ્યા તેમાં પ્રણવ અવ્વલ હતા. યુપીએ સરકારમાં તેઓ સંકટમોચક હતા. સરકારનું સુકાન પીએમ મનમોહનના હાથમાં હતું પણ સરકારની નૌકા ચલાવવાનું મુખ્ય કામ પ્રણવદાએ જ કર્યું. યુપીએ-2માં તેમને વડાપ્રધાન બનાવવા મેં લોબિંગ કર્યું હતું. દક્ષિણ સુધી ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો. શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે પણ તેમની સાથે હતા. વિવિધતાભર્યા ભારતમાં પીએમ બનવા માટે યોગ્ય ઉમેદવાર હતા. તેમને વડાપ્રધાન બનવાની તક મળી હોત તો દેશને જરૂર ફાયદો થયો હોત. તેમનું સપનું હતું કે ભારત આર્થિક મહાસત્તા બને.

પ્રણવ મુખરજીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનો પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના કિરનાહર શહેરની નજીક મિરાતી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

ગયા વર્ષે મળ્યો હતો ભારત રત્ન
પ્રણવ મુખરજીને ગયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિકરી શર્મિષ્ઠાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે ખૂબ ખુશીનો દિવસ હતો. કારણ કે તે દિવસે મારા પિતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેના એક વર્ષ પછી આજે 10 ઓગસ્ટે તેમની તબિયત ખૂબ ખરાબ અને ગંભીર થઈ ગઈ છે.

ક્લર્ક રહ્યા અને કોલેજમાં પણ ભણાવ્યું
પ્રણવ મુખરજીએ કોલકાતા વિશ્વવિદ્યાલયથી પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીમાં એમએ કર્યું હતું. તેઓ ડેપ્યૂટી અકાઉન્ટ જનરલ (પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ)માં ક્લર્ક પણ રહ્યા હતા. 1963માં તેઓ કોલકાતાના વિદ્યાનગર કોલેજમાં પોલિટિકલ સાયન્સમાં લેક્ચર પણ આપતા હતા.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું યોગદાન
પ્રણવ મુખરજી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વિશ્વ બેન્ક, એશિયાઈ બેન્ક તથા આફ્રિકી વિકાસ બેન્કના પ્રશાસક બોર્ડના સભ્ય રહ્યા હતા.વર્ષ 1984માં તેમણે IMF અને વિશ્વ બેન્ક સાથે સંકળાયેલા ગ્રુપ-24ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. મે તથા નવેમ્બર 1995ની બેન્ચમાં તેમણે સાર્ક મંત્રી પરિષદની અધ્યક્ષતા કરી હતી.

રાજકીય ક્ષેત્રે તેમની ભૂમિકા
મુખરજીએ રાજકીય ક્ષેત્ર તથા સામાજીક નીતિના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યુ હતું. તેમણે વર્ષ 2004માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન બન્યા હતા. ત્યારબાદ ઓક્ટોબ,2006માં તેઓ વિદેશ પ્રધાન તરીકે નિમણૂક પામ્યા હતા. મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં મુખરજી ભારતના નાણાં પ્રધાન બન્યા હતા.

પ્રણવ મુખરજીની રાજકીય સફરની શરૂઆત પશ્ચિમ બંગાળમાં વર્ષ 1969માં મિદનાપુરની પેટાચૂંટણીથી થઈ હતી. તેમણે પેટાચૂંટણીમાં વીકે કૃષ્ણ મેનનના કેમ્પેઇનને સફળતાપૂર્વક સંભાળ્યુ હતું.પશ્ચિમ બંગાળમાં સિધ્ધાર્થ શંકર રોયએ ઈન્દિરા ગાંધી સમક્ષ પ્રણવ મુખર્જી માટે સૂચન કરતા તેઓ માત્ર 35 વર્ષની ઉંમરે 1969માં રાજ્ય સભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.આ ઉપરાંત તેમણે બે વખત નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. મુખરજી વર્ષ 1993માં વાણિજ્ય પ્રધાન હતા અને તેમણે વેપાર ઉદારીકરણને લઈ અનેક પગલા ભર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post