• Home
  • News
  • અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી કૂડા રણમાં:હિલેરી ક્લિન્ટને અગરિયાઓની આકરી મહેનતને બિરદાવી, મીઠું હાથમાં લઈને એને પકવવાની આખી રીત જાણી
post

અગરિયા મહિલાઓની હાલત જોઇ હ્રદય દ્રવી ઉઠ્યું: હિલેરી ક્લિન્ટન

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 16:57:27

સુરેન્દ્રનગર: અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા આજે કૂડા રણમાં આવ્યાં હતાં, જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ સાથે પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે 'તમને જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપજો, આપણે એના પર કામ કરીશું...'

હિલેરી ક્લિન્ટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા ખુદ આવ્યા
આંતરરાષ્ટ્રીય કલાકાર 'ચારુલ વિનય'એ પાછલાં ઘણાં વર્ષોથી લોકજાગૃતિ અંગેનાં ગીતો દ્વારા દેશના ખૂણેખૂણામાં ભારે લોકચાહના મેળવી છે. ત્યારે વેરાન રણમાં પોતાનાં પરિવારજનો સાથે ગાત્રો થિજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં ઉપર આભ અને નીચે ધરતી તળે કંતાનના ઝૂંપડામાં કાળી મજૂરી દ્બારા સફેદ મીઠું પકવવાનું આકરું કામ કરે છે. ત્યારે 'ચારુલ વિનય'ની ખ્યાતનામ જોડીએ વેરાન રણમાં કંતાનના ઝૂંપડામાં રહી મીઠું પકવતા અગરિયાઓની જીવનશૈલીથી પ્રભાવિત થઈને 'ઝીરો બીએચકે બંગલો' ગીત સહિત કુલ દશ ગીતની 'આઝાદી વિથ પીપલ' નામની સીડી કેસેટનું લોંચિંગ ઝીંઝુવાડાના વાછડા દાદા રણમાં અગરિયાઓ વચ્ચે જ કરાયું હતું. ત્યારે ગુજરાતની ખાસ મુલાકાતે આવેલાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટન વેરાન રણમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા ખુદ પોતાની ટીમ સાથે આવ્યાં હતાં.

હિલેરી ક્લિન્ટને હાથમાં મીઠું લઈને પકવવાની રીત જાણી
અમેરિકાનાં પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને અગરિયાના પાટે જઈ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને એને પકવવાની આખી રીત જાણી હતી. તેમણે વેરાન રણનું 35થી 37 ડીગ્રી તાપમાન જોઈ આકાશ તરફ મીટ માંડી અગરિયા પરિવારોની આકરી મહેનતને દિલથી બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ધ્રાંગધ્રાની સેવા સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત સહિતના જિલ્લાના મોટા અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રણમાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અગરિયા મહિલાઓની હાલત જોઇ હ્રદય દ્રવી ઉઠ્યું: હિલેરી ક્લિન્ટન
આ અંગે અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, હું આજે રણમાં આવી અને મહિલાઓને 40 ડીગ્રીમાં મીઠું પકવતા જોઇને હ્રદય દ્રવી ઉઠ્યું હતુ. એમાય એ અગરિયા મહિલા દ્વારા જાણવા મળ્યું કે, આ એમની મીઠું પકવવાની હાલ સાતમી પેઢી છે. આથી પછાત મહિલાઓના વિકાસ માટે અને ક્લાયમેટ ચેંજ માટે મારા પતિ બિલ ક્લિન્ટને શરૂ કરેલા ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલીયન ડોલરની ફાળવણી કરી છે. અને મહિલાઓ પાસે જ શું કામ કરવા એના આઇડીયા અને સુઝાવ લઇ એના પર કામ કરવાની ઇચ્છા પણ બતાવી છે. પણ રણમાં આકરા તાપમાં મીઠું પકવતી અગરિયા મહિલાઓની હાલત જોઇ હ્રદય દ્રવી ઉઠ્યું હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post